લક્ષ્મી રામન, અમિલિનેની (શ્રીમતી) (શ્રી શિલ્પી શ્રુતિ)

January, 2004

લક્ષ્મી રામન, અમિલિનેની (શ્રીમતી) (શ્રી શિલ્પી શ્રુતિ) (જ. 7 ઑગસ્ટ 1932, રોપ્યુર, જિ. કૃષ્ણા, આંધ્રપ્રદેશ) : તેલુગુ નવલકથાકાર. તેમણે બી.એ. અને બી.એલ.ની પદવી પ્રાપ્ત કરી. 1970થી 1985 સુધી ‘સુધાલહરી’ નામક સાહિત્યિક અને સાંસ્કૃતિક ઍસોસિયેશનનાં પ્રમુખ તરીકે કામગીરી કરી, અને 1974–80 સુધી આંધ્રપ્રદેશ સાહિત્ય અકાદમીનાં સભ્ય રહ્યાં.

તેમણે 20 ગ્રંથો આપ્યા છે, જેમાં ‘સૂર્યમુખી’, ‘સ્નેહચિત્રાલુ’, ‘રઘુરામગીતા’ તેમના કાવ્યસંગ્રહો છે, જ્યારે ‘મુદુ મોગ્ગુલુ’, ‘બલ્લા કટ્ટુ બાપુલુ’ વાર્તાસંગ્રહો અને ‘વ્રતુકુ જોડુ’, ‘કન્યકા કાશ્મીરમ્’ અને ‘પ્રણય પલ્લકી’ તેમની ઉલ્લેખનીય નવલકથાઓ છે. ‘રેન્ડુકલ્લુ’ ચરિત્ર છે, તો ‘વ્યાસા ઝુરી’ (1993) નિબંધસંગ્રહ છે.

તેમણે ઇંગ્લૅન્ડ, અમેરિકા અને કૅનેડાનો પ્રવાસ ખેડ્યો છે. તેમના સાહિત્યિક પ્રદાન બદલ તેમને આંધ્રપ્રદેશ સાહિત્ય અકાદમી ઍવૉર્ડ (1967) અને અન્ય એવૉર્ડો આપવામાં આવ્યા છે. 1976 અને 1983માં આંધ્રપ્રદેશ રાજ્ય સરકાર દ્વારા તેમનું બહુમાન કરવામાં આવ્યું હતું.

બળદેવભાઈ કનીજિયા