લક્ષ્મી શંકર

January, 2004

લક્ષ્મી શંકર (જ. 16 જૂન 1926, તાતાનગર) : વિખ્યાત નૃત્યકાર તથા સંગીતકાર. કલાક્ષેત્રે વિખ્યાત શંકર પરિવારનાં કુલવધૂ. ઉદયશંકર અને અમલાદેવી તેમનાં જેઠ-જેઠાણી અને સિતારવાદક રવિશંકર ને નૃત્યકાર સચીનશંકર તથા દેવેન્દ્રશંકર તેમના દિયર થાય. તેમનાં લગ્ન કલાવિવેચક અને ‘સંચારિણી’ સંસ્થાના સંચાલક રાજેન્દ્રશંકર સાથે થયેલાં. આમ પરિવારનું સંગીતમય વાતાવરણ તેમનો પ્રેરણાસ્રોત બન્યું.

તેમણે 8 વર્ષની ઉંમરે નૃત્ય શીખવાનો આરંભ કર્યો. કણ્ડપ્પ પિલ્લૈ પાસેથી તાલીમ મેળવીને 8 વર્ષનો ભરતનાટ્યમનો અભ્યાસ પૂરો કર્યો. પછી નૃત્યપ્રદર્શન અને નૃત્યનિર્દેશન કર્યાં. 1940માં તેઓ ઉદયશંકરની મંડળીમાં જોડાયાં. તેમાં 4 વર્ષ સુધી એ મંડળીનાં સભ્ય, નર્તકી અને અધ્યાપિકા-પદે તેઓ રહ્યાં.

તે દરમિયાન તેઓ ઉસ્તાદ અલાઉદ્દીનખાં, પં. રવિશંકર અને ઉસ્તાદ અલીઅકબરખાંના સંપર્કમાં આવ્યાં અને તેમના સંગીતથી પ્રભાવિત થયાં. 1944માં તેઓ મુંબઈ આવ્યાં. ત્યાં ઇન્ડિયા રેનેસાંસ સેન્ટર તરફથી તેમણે ‘ડિસ્કવરી ઑવ્ ઇન્ડિયા’ પર આધારિત નૃત્યનાટિકા રજૂ કરી, વળી, ફિલ્મોમાં પાર્શ્વગાયિકા તથા નૃત્યનિર્દેશિકારૂપે કાર્ય કર્યું. એ પછી કમરના દુખાવાને કારણે તેમને નૃત્ય છોડવું પડ્યું.

1950માં ફરીથી મુંબઈ આવતા પહેલાં તેમણે પતિયાળા ઘરાનાના ઉસ્તાદ અબ્દુલ રહેમતખાં પાસે સંગીત શીખવાનો આરંભ કર્યા બાદ જ્ઞાન ઘોષ, પ્રો. બી. આર. દેવધર, એસ. એલ. બોડા, લક્ષ્મણપ્રસાદ જયપુરવાલે અને રવિશંકર પાસેથી શાસ્ત્રીય સંગીતની તાલીમ લીધી. અખંડ ઉપાસના અને સતત અભ્યાસ દ્વારા ઠૂમરી, ભજન અને કૌંસ પ્રકારના તમામ શાસ્ત્રીય રાગો ઉપરાંત તેમણે તોડી, બૈરાગી, જોગ, અભોગી, યમન વગેરે રાગો પર પ્રભુત્વ મેળવ્યું.

લક્ષ્મી શંકર

1957માં તેમનો આકાશવાણી પર પ્રથમ શાસ્ત્રીય સંગીત-કાર્યક્રમ રજૂ થયો અને પ્રસિદ્ધિ પામ્યાં. 1962માં તેમણે ઉદયશંકર સાથે નાયિકા અને સંગીત-સંચાલકરૂપે યુરોપ અને અમેરિકાનો પ્રવાસ ખેડ્યો. 1957થી દર વર્ષે તેઓ ભારતની દસ ભાષાઓમાં 100 જેટલા સંગીત-કાર્યક્રમો આપતાં રહ્યાં છે. તેમણે ઘણી વાર અમેરિકા અને યુરોપના વિવિધ દેશોમાં વ્યક્તિગત શાસ્ત્રીય અને સુગમ સંગીત-કાર્યક્રમો રજૂ કરીને સારી એવી ખ્યાતિ મેળવી છે. એમનાં ગાયનોની 8 લૉંગ પ્લેઇંગ અને 75થી વધુ બીજી રેકૉર્ડો ઊતરી છે. હાલ તેઓ ઑસ્ટ્રેલિયામાં સ્થાયી થયાં છે.

બળદેવભાઈ કનીજિયા