કેન્દ્રશાસિત પ્રદેશ : ભારતના બંધારણ અનુસાર કેન્દ્ર સરકારના સીધા અંકુશ નીચે મુકાયેલા વિસ્તારો. ભારતના સંઘ-રાજ્યમાં રાજ્યો ઉપરાંત કેન્દ્રશાસિત વિસ્તારોનો સમાવેશ થાય છે. 1947ની 15 ઑગસ્ટે દેશ આઝાદ થયો તે પછી બંધારણના ઘડવૈયાઓએ બ્રિટિશ સમયના પ્રાંતોને રાજ્યો તરીકે જાહેર કરી તેમનું ‘અ’, ‘બ’, ‘ક’, ‘ડ’ દરજ્જા પ્રમાણે વર્ગીકરણ જાહેર કર્યું હતું.
બંધારણમાં 1956માં સાતમા સુધારા દ્વારા પ્રથમ પરિશિષ્ટમાં કેન્દ્ર-શાસિત વિસ્તારોનું શીર્ષક મુકાયું અને તેમાં તેમનો ઉલ્લેખ કરવામાં આવ્યો. આ વિસ્તારો પર સંઘ સરકાર સંપૂર્ણપણે કારોબારી અને ધારાકીય સત્તા ધરાવતી હતી.
આ પ્રકારો એટલા માટે પાડવામાં આવ્યા કે સ્વતંત્રતા ટાંકણે ત્રણ પ્રકારના રાજકીય અને વહીવટી એકમો અસ્તિત્વ ધરાવતા હતા : (1) ગવર્નરના વડપણ નીચેના પ્રાંતો, (2) ચીફ કમિશનરના પ્રાંતો અને (3) શાહી રજવાડાંઓ. આ ત્રિસ્તરીય વર્ગીકરણ બ્રિટિશ શાસને બુદ્ધિપૂર્વક વિચારીને પદ્ધતિસર કર્યું ન હતું. પરંતુ સો કરતાં પણ વધુ વર્ષ દરમિયાન બ્રિટિશ શાસનનો જે વિકાસ થયો હતો તે સંજોગોએ સર્જેલ પરિસ્થિતિઓ તેમજ રાજકીય, લશ્કરી અને આર્થિક જરૂરિયાતોને ધ્યાનમાં લઈને કરવામાં આવ્યું હતું.
પરિણામે બંધારણના અમલ પછી પ્રજામાં રાજ્યોની યોગ્ય રીતે પુનર્રચના કરવાની માગ વેગ પકડતી ગઈ. કેન્દ્ર સરકારે 1953માં રાજ્યોની પુનર્રચના માટેના પંચની રચના કરી. પંચે તમામ પાસાંઓનો અભ્યાસ કરી એવી ભલામણ કરી કે ભારતીય સંઘના વિસ્તારનું વર્ગીકરણ રાજ્યો અને ‘વિસ્તારો’માં થવું જોઈએ. રાજ્યો એ પ્રાથમિક ઘટકો ગણાશે અને કેન્દ્ર સાથેનો તેનો બંધારણીય સંબંધ સમવાયી ધોરણે રચાશે; જ્યારે જે વિસ્તારો વ્યૂહાત્મક ર્દષ્ટિએ અગર તો અન્ય ગણતરીઓના સંદર્ભમાં મહત્વના ગણાય તેમને આ રાજ્યો સાથે જોડવામાં આવશે નહિ પરંતુ તેમનો વહીવટ કેન્દ્રહસ્તક રહેશે. પંચે એવી સ્પષ્ટતા પણ કરી કે ‘ક’ વિભાગનાં રાજ્યો તથા ‘ડ’ વિભાગના વિસ્તારોનો કેન્દ્રશાસિત વિસ્તારોમાં સમાવેશ થઈ શકે. આ વિસ્તારો સંસદમાં પ્રતિનિધિત્વ કરી શકે. પરંતુ તેના સંદર્ભમાં કેન્દ્ર અને રાજ્યો વચ્ચે કરવામાં આવે તેવી જવાબદારીની વહેંચણી કરવાની નહિ.
સંસદે 1956માં રાજ્યોની પુનર્રચનાને લગતો ખરડો પસાર કર્યો અને પંચે આ માટે ભાષાને પ્રાધાન્ય આપ્યું હોવાથી મુખ્યત્વે ભાષાકીય ધોરણે રાજ્યોની પુનર્રચના કરવામાં આવી. પરિણામે ‘અ’ તથા ‘બ’ પ્રકારનાં રાજ્યો વચ્ચે જે ભેદ હતો તે દૂર થયો તથા ‘ક’ પ્રકારનાં રાજ્યોમાંનાં કેટલાંક રાજ્યોને નવાં રચાયેલ રાજ્યોમાં ભેળવી દેવાયાં જ્યારે અન્યને ‘કેન્દ્રશાસિત વિસ્તારો’ તરીકે જાહેર કરવામાં આવ્યાં. તે સમયે 14 રાજ્યો રચાયાં અને કેન્દ્રશાસિત વિસ્તારોમાં દિલ્હી, હિમાચલ પ્રદેશ, મણિપુર, ત્રિપુરા, આંદામાન અને નિકોબાર ટાપુઓ, લક્ષદ્વીપ, મીનીકૉય અને અમીનદીવી ટાપુઓનો સમાવેશ થતો હતો. 1961ની 8 ઑગસ્ટે દાદરા અને નગરહવેલીના વિસ્તારોને અને 1961ની 20મી ડિસેમ્બરે ગોવા, દમણ અને દીવના વિસ્તારોને ભારત સંઘમાં સમાવવામાં આવતાં તેમને કેન્દ્રશાસિત વિસ્તારો તરીકે જાહેર કરવામાં આવ્યા. ભારતમાં જે ફ્રેન્ચ થાણાં – ચંદ્રનગર, પોંડિચેરી, કરાઈકલ, યનામ અને માહે – હતાં, તેમનો વહીવટ 1954ની 1 નવેમ્બરથી ભારતને સોંપાયો હતો. 16 ઑગસ્ટ 1962ના રોજ આ વિસ્તારો ભારતને વિધિસર સોંપી દેવાતાં વસાહતોનું એકીકરણ કરી તેને પોંડિચેરી નામ આપી કેન્દ્રશાસિત વિસ્તારમાં સ્થાન આપવામાં આવ્યું. નવેમ્બર 1966માં પંજાબ રાજ્યની પુનર્રચના થતાં ચંડીગઢ શહેરને કેન્દ્રશાસિત વિસ્તારમાં મૂકવામાં આવ્યું. આમ આ વિસ્તારોની સંખ્યા નવ થઈ.
1970માં ધી સ્ટેટ ઑવ્ હિમાચલ પ્રદેશ ઍક્ટ દ્વારા કેન્દ્રશાસિત વિસ્તાર હિમાચલ પ્રદેશ રાજ્ય બન્યું. 1971માં ધ નૉર્થ-ઈસ્ટર્ન એરિયાઝ (રિ-ઑર્ગેનાઇઝેશન) ઍક્ટ પસાર થતાં કેન્દ્રશાસિત વિસ્તારો મણિપુર અને ત્રિપુરા જાન્યુઆરી 1972માં રાજ્યો બન્યાં. જ્યારે મિઝોરમ અને અરુણાચલ પ્રદેશ એમ બે નવા કેન્દ્રશાસિત વિસ્તારો રચવામાં આવ્યા. 1973ની 8મી ઑગસ્ટે સંસદે કેન્દ્રશાસિત વિસ્તાર લક્ષદ્વીપ, મીનીકૉય અને અમીનદીવી ટાપુઓને ભેગા કરી લક્ષદ્વીપ નામ આપ્યું. 1987ની 12મી ઑગસ્ટે સંસદે કાયદા દ્વારા ગોવાને રાજ્યનો દરજ્જો આપ્યો અને કેન્દ્રશાસિત વિસ્તાર દમણ તથા દીવનો વહીવટ ગોવાના રાજ્યપાલ સંભાળે તેવી જોગવાઈ કરવામાં આવી.
આમ, કેન્દ્રશાસિત વિસ્તારોમાં (1) આંદામાન-નિકોબાર ટાપુઓ, (2) ચંડીગઢ, (3) દાદરા અને નગરહવેલી, (4) દિલ્હી, (5) દમણ અને દીવ, (6) લક્ષદ્વીપ અને (7) પોંડિચેરીનો સમાવેશ થાય છે. દિલ્હી અને પોંડિચેરી કેન્દ્રશાસિત પ્રદેશ હોવા છતાં રાજ્ય તરીકેનો વિશેષ દરજ્જો ધરાવતા વિસ્તારો છે.
શાસન અંગેની બંધારણીય જોગવાઈ : બંધારણની કલમ 239માં જણાવ્યા પ્રમાણે રાષ્ટ્રપતિ દરેક કેન્દ્રશાસિત વિસ્તારનો વહીવટ ચલાવશે. આ માટે તે વહીવટકર્તાની નિયુક્તિ કરશે. આમ, વહીવટકર્તા દ્વારા રાષ્ટ્રપતિ આ વિસ્તારોનો વહીવટ ચલાવે છે. રાષ્ટ્રપતિ રાજ્યના રાજ્યપાલને બાજુના કેન્દ્રશાસિત વિસ્તારના વહીવટકર્તા તરીકે પણ નીમી શકે છે. આવા વિસ્તારમાં રાજ્યપાલ પોતાના મંત્રીમંડળથી સ્વતંત્ર રહીને વહીવટકર્તા તરીકેની ફરજો બજાવશે. 1962માં થયેલ ચૌદમા બંધારણીય સુધારા દ્વારા ઉમેરાયેલ કલમ 239-એ અનુસાર આવા વિસ્તાર માટે સંસદ કાયદા દ્વારા ધારાસભાની રચના કરશે. તેમાં નિયુક્ત થયેલ અથવા ચૂંટાયેલ કે પછી કેટલાક નિયુક્ત થયેલ અને કેટલાક ચૂંટાયેલ સભ્યોનો સમાવેશ થશે. આ જ પ્રમાણે સંસદ પ્રધાનમંડળની જોગવાઈ પણ કરી શકશે. કાયદા દ્વારા રચાયેલ ધારાસભા અને પ્રધાનમંડળની રચના, સત્તાઓ અને કાર્યો પણ સ્પષ્ટ કરવામાં આવશે. સંસદ કેન્દ્રશાસિત વિસ્તારોને લાગુ પડે તે રીતે રાજ્ય-યાદીમાંની બાબતો પર કાયદાઓ ઘડી શકશે. કેન્દ્રશાસિત વિસ્તારની ધારાસભા રાજ્યોની ધારાસભાની માફક રાજ્ય-યાદીની બાબતો પર કાયદા ઘડવા સંપૂર્ણ અધિકાર ધરાવતી નથી. 1971માં થયેલ સત્તાવીસમા બંધારણીય સુધારા દ્વારા કલમ 239-બી ઉમેરવામાં આવી અને તે દ્વારા વહીવટકર્તાને એવી સત્તા આપવામાં આવી કે જો ધારાસભાની બેઠક ચાલુ ન હોય અને તેને એમ લાગે કે પ્રવર્તતા સંજોગોમાં તાત્કાલિક પગલાંરૂપે વટહુકમો બહાર પાડવાની જરૂર છે તો તે તેમ કરી શકે છે, પરંતુ આ માટે તેણે રાષ્ટ્રપતિની પૂર્વમંજૂરી મેળવવી જોઈએ. આવો વટહુકમ કાયદાનું સ્વરૂપ ધારણ કરે છે. ધારાસભાની બેઠક મળતાં આવા વટહુકમને વહીવટકર્તાએ તેની મંજૂરી માટે રજૂ કરવો પડે છે. જો છ અઠવાડિયાં સુધીમાં રજૂ ન થાય અથવા તો ધારાસભા તેને મંજૂર ન કરે તો તેનો અંત આવે છે. જો રાષ્ટ્રપતિ વટહુકમને પાછો ખેંચી લેવાની સૂચના આપે તો તેણે તેને પાછો ખેંચી લેવો પડે છે. કલમ 240 દ્વારા રાષ્ટ્રપતિને કેન્દ્રશાસિત વિસ્તારોના સુશાસન માટે સત્તા આપવામાં આવી છે. અલબત્ત, કેન્દ્રશાસિત વિસ્તારોમાં ધારાસભાની રચના થાય ત્યારે રાષ્ટ્રપતિ આ સત્તાનો ઉપયોગ કરતા નથી પણ જો ધારાસભાને મુલતવી રાખવામાં આવે કે પછી તેનું વિસર્જન કરવામાં આવે તો રાષ્ટ્રપતિ આ સત્તાનો ઉપયોગ કરી શકે છે. કલમ 241 અન્વયે સંસદ દ્વારા કેન્દ્રશાસિત વિસ્તાર માટે વડી અદાલતની રચના કરી શકે છે, અથવા તો કોઈ રાજ્યમાંની કોઈ અદાલતને આવા વિસ્તારની વડી અદાલત તરીકે જાહેર કરી શકે છે.
(1) આંદામાન અને નિકોબાર : 1982થી ઉપરાજ્યપાલ (Lieut. Governor) વહીવટ સંભાળે છે. (2) ચંડીગઢ અને (3) દાદરા અને નગરહવેલીનો વહીવટ વહીવટકર્તા (Administrator) સંભાળે છે. (4) દમણ અને દીવ : દમણમાં કલેક્ટર અને દીવમાં મુલકી વહીવટકર્તા (Civil administrator) વહીવટ સંભાળે છે. (5) દિલ્હીને ડિસેમ્બર, 1991થી રાષ્ટ્રીય રાજધાની વિસ્તારનો વિશેષ દરજ્જો આપવામાં આવ્યો છે. રાષ્ટ્રીય રાજધાની વિસ્તારમાં દિલ્હી, નવી દિલ્હી અને દિલ્હી છાવણીના વિસ્તારો ઉપરાંત 214 ગામોનો સમાવેશ કરવામાં આવ્યો છે. તે અનુસાર 70 વિધાન સભ્યોની બનેલી વિધાનસભા, એક મુખ્યમંત્રી સહિત કુલ સાત સભ્યોથી બનેલું મંત્રીમંડળ અને ઉપરાજ્યપાલ તેને પ્રાપ્ત થાય છે. (6) લક્ષદ્વીપને એક જિલ્લા એકમ તરીકે સ્વીકારવામાં આવેલ છે. તેનું ચાર તાલુકામાં વિભાજન કરવામાં આવ્યું છે. દરેક તાલુકાનો વહીવટકર્તા તહસીલદાર હોય છે. મીનીકૉયના વહીવટ માટે 1978ના ઑગસ્ટથી ડેપ્યુટી કલેક્ટરનો હોદ્દો શરૂ કરવામાં આવેલ છે. સમગ્ર એકમ માટે વહીવટદાર કાર્ય કરે છે. (7) પોંડિચેરીના વહીવટકર્તા ઉપરાજ્યપાલ છે. ત્યાં વિધાનસભાને જવાબદાર એવા પ્રધાનમંડળની જોગવાઈ કરવામાં આવી છે. આમ ત્યાં, ઉપરાજ્યપાલ, મુખ્યપ્રધાન, પ્રધાનમંડળ અને વિધાનસભાનો પ્રબંધ કરવામાં આવ્યો છે.
હસમુખ પંડ્યા