રૉયલ કમિશન ઑન ઍગ્રિકલ્ચર : અંગ્રેજોના શાસન નીચેના ભારતીય વિસ્તારોમાં ખેતી અને ગ્રામીણ અર્થતંત્રની પ્રવર્તમાન સ્થિતિ તપાસી તે અંગેનો હેવાલ આપવા 1926માં નીમવામાં આવેલું પંચ.
ભારતમાં સરકારની કૃષિનીતિના વિકાસમાં સીમાચિહનરૂપ આ કમિશનના અધ્યક્ષપદે માર્કવિસ ઑવ્ લિનલિથગો હતા. તેમાં અન્ય નવ સભ્યો હતા. કૃષિસુધારણા, ગ્રામીણ પ્રજાની સુખાકારી ને સમૃદ્ધિ માટે યોગ્ય ભલામણો તેણે કરવાની હતી.
કમિશનને સોંપાયેલી આ વ્યાપક કામગીરી ઉપરાંત કેટલાક ખાસ મુદ્દાઓ પણ તેણે વિચારવાના હતા. ખેતી ને પશુ-સંબંધી સંશોધન, નિદર્શન, પ્રયોગ અને કેળવણી; કૃષિસંબંધી આંકડાકીય માહિતી; નવા પાક ને બી સુધારણા; ખેતી કરવાની પદ્ધતિની સુધારણા; દૂધ-ઉત્પાદન ને પશુ-ઉછેર; કૃષિપેદાશના વહન ને વેચાણની વ્યવસ્થા; ખેતધિરાણ; ગ્રામજગતની સમૃદ્ધિ ને ગ્રામપ્રજાનું કલ્યાણ – આ સર્વ વિશેની વર્તમાન નીતિ તપાસી તેની સુધારણા માટે કમિશને ભલામણો કરવાની હતી.
આમ કમિશનને વ્યાપક કાર્યક્ષેત્ર સોંપાયું હતું; પરંતુ કેટલાક મહત્વના મુદ્દાઓને સ્પષ્ટ રીતે અને ઇરાદાપૂર્વક તેમાંથી બાકાત રાખવામાં આવ્યા હતા. એક તો, પ્રવર્તમાન જમીનધારા વિશે જમીનમાલિકી ને ગણોતિયાની પ્રથા વિશે કમિશનને વિચારણા કે ભલામણ કરવાની નહોતી. બીજું, જમીનમહેસૂલ ને સિંચાઈના દરોની આકારણી પણ તેના વિચારણાના ક્ષેત્રમાં નહોતી. ત્રીજું, કેન્દ્ર સરકાર ને પ્રાંત સરકારો વચ્ચે વિભાગોની જે વહેંચણી કરવામાં આવી હતી, તેને વિશેય કમિશને વિચાર કરવાનો નહોતો. ભારત સરકારનાં કૃષિક્ષેત્રને લગતાં પગલાં વચ્ચે સંકલન કઈ રીતે સાધવું, પ્રાન્તીય સરકારોની આ ક્ષેત્રની પ્રવૃત્તિને પૂરક કામગીરી કેન્દ્ર કઈ રીતે ઉપાડી શકે તે અંગેનાં દિશાસૂચન કમિશન આપી શકે, તેવી ચોખવટ કરવામાં આવી હતી. આ મર્યાદાઓ પાછળથી ટીકાપાત્ર બની હતી. કમિશનની વિચારણા ને ભલામણોનું મૂલ્ય પણ એટલે અંશે ઘટ્યું હતું.
રૉયલ કમિશનના 1928માં સુપરત કરાયેલા અહેવાલમાં ભારતીય ખેતીની સ્થિતિ, તેના પ્રશ્નો અંગેનું પ્રથમ વ્યાપક સર્વેક્ષણ આપણને મળે છે. વળી અત્યાર સુધી મુખ્યત્વે દુકાળોના અનુસંધાનમાં સરકારની નીતિ અંગેની વિચારણા થતી હતી; ખેતીના વિકાસ ને ગ્રામીણ પ્રજાની સુખાકારીની દૃષ્ટિએ કમિશને લાંબા ગાળાની નીતિની રૂપરેખા રજૂ કરી હતી.
આજે પણ યાદ રાખવા જેવી એક વાત કમિશને બરાબર પકડી હતી તે નોંધવી ઘટે.
પોતાની ભલામણોનો હેતુ કૃષિ-ઉત્પાદનમાં વધુ કાર્યક્ષમતા લાવવાનો ને ખેડૂત માટે ખેતીને વધુ નફાકારક બનાવવાનો છે એમ તેણે કહ્યું, પછી ઉમેર્યું કે ખેડૂત ઉચ્ચતર જીવનધોરણ હાંસલ કરવાની ઇચ્છાશક્તિ ન ધરાવતો હોય; વિજ્ઞાન, સમુચિત કાયદાઓ અને સંગીન વહીવટી તંત્ર જે તકો તેની સામે લાવીને મૂકે તેનો લાભ લેવા માટે જરૂરી માનસિક શક્તિ ને તંદુરસ્તી ન ધરાવતો હોય તો ખેતીક્ષેત્રે ખાસ કશી સુધારણા થશે નહિ. કમિશન કહે છે કે ખેતીની સમૃદ્ધિ માટે સૌથી મહત્વનું પરિબળ, ખેડૂતના દૃષ્ટિકોણમાં રહેલું છે. આ દૃષ્ટિકોણ ખેડૂત જે વાતાવરણમાં, પરિસ્થિતિમાં જીવે છે તેના દ્વારા નિશ્ચિત થાય છે. ખેતીની પ્રગતિ તેને માટે અનુકૂળ પરિસ્થિતિ પર નિર્ભર છે. આથી ગ્રામીણ જીવનની સર્વાંગી સુધારણા, દેશની સમૃદ્ધિ માટેનું, દેશની આવકને તેના પ્રમુખ સ્રોતમાં વધારવા માટેનું પ્રથમ આવશ્યક પગલું છે એમ કમિશન માને છે. આ સમગ્ર સ્વરૂપમાં જ એનો અભ્યાસ થવો જોઈએ. જરૂર છે એકસાથે અનેક દિશાએથી એના પર આક્રમણ કરવાની.
કમિશને કહ્યું કે આ સુધારણા માટેનાં પગલાંનો આરંભ કરવાની, નીતિ ઘડવાની ને પ્રયત્નમાં સંકલન સાધવાની જવાબદારી તો સરકારની જ છે. કમિશને સાથે સાથે સ્વીકાર્યું કે દેશની આમ જનતા સરકારની નીતિને સમજે, તેમાં રસ લે ને સક્રિય ટેકો આપે તો જ અહીં મોટી સફળતા મળી શકે.
કૃષિ-ઉત્પાદનક્ષેત્રે કાર્યક્ષમતા વધારીને ખેડૂત માટે ખેતીને નફાકારક બનાવવા કમિશને અનેક ભલામણો કરી હતી, પરંતુ ખાસ ભાર તેણે ખેડૂતના દૃષ્ટિકોણને વ્યાપક અને આધુનિક કરવા પર મૂક્યો હતો. ખેડૂતે ઉત્તમ ઉત્પાદન કરનાર સાધન જ નહિ, પણ ઉત્તમ માણસ પણ બનવું જોઈએ એમ તેણે કહ્યું.
રૉયલ કમિશને ખેતી અને ગ્રામજીવનનાં અનેક ક્ષેત્રો વિશે વિગતવાર ભલામણો ને સૂચનો કર્યાં હતાં. કૃષિ-સંશોધન, નિદર્શનો ને પ્રચાર; કૃષિ-ઉત્પાદનપદ્ધતિની સુધારણા; નાનાં ને ટુકડામાં વહેંચાયેલાં ખેતરોનો પ્રશ્ર્ન; સિંચાઈ; પશુસંવર્ધન, તેમના આહાર ને રોગ; જંગલો, મત્સ્યોદ્યોગ, ગ્રામીણ માર્ગ ને સંદેશાવ્યવહાર; કૃષિધિરાણ; સહકાર; ગ્રામસુધારણા; ગ્રામીણ શિક્ષણ ને આરોગ્ય; ગ્રામોદ્યોગ; બગીચા-ઉદ્યોગ ને ફળ-શાકની ખેતી; કૃષિ-વિષયક આંકડા આ તમામને વિચારણામાં ને ભલામણોમાં આવરી લેવામાં આવ્યાં હતાં.
આ ભલામણોમાંથી એક ભલામણ પર તત્કાલ અમલ થયો. 1929માં ઇમ્પીરિયલ કાઉન્સિલ ફૉર ઍગ્રિકલ્ચરલ રિસર્ચની સ્થાપના કરવામાં આવી. 1947માં આ સંસ્થાનું નામ બદલીને ઇન્ડિયન કાઉન્સિલ ઑવ્ ઍગ્રિકલ્ચરલ રિસર્ચ કરવામાં આવ્યું.
રૉયલ કમિશનની મૂળ ભલામણો અનુસાર આ સંસ્થા ભારતમાં કૃષિ અને પશુક્ષેત્રે થતા સંશોધનને પ્રોત્સાહન, માર્ગદર્શન અને સંકલન પૂરાં પાડવાનો ઉદ્દેશ ધરાવતી હતી. અન્ય દેશોમાં ચાલતી કૃષિ-સંશોધનની પ્રવૃત્તિ સાથે ભારતીય કૃષિ-સંશોધનને જોડવાનું કામ પણ તેને સોંપાયું હતું. તે સ્વયં રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ સ્થાપે કે પોતાના સ્ટાફને કૃષિ-સંશોધનમાં રોકે તેવી કમિશનની કલ્પના નહોતી. એની ભલામણ તો સેન્ટ્રલ કૉટન કમિટીના નમૂના પર અન્ય મહત્વના પાક માટે કેન્દ્રીય સંશોધન કમિટીઓ સ્થાપવા માટેની હતી. કાઉન્સિલ અને એક પાક પર સંશોધન કરનાર અનેક કમિટી વચ્ચે આ કેન્દ્રીય કમિટી કડીની ગરજ સારશે એમ તેણે વિચાર્યું હતું. ખેતી ને પશુ અંગે થતાં સંશોધનો માટે આદાન-પ્રદાનના કેન્દ્ર (clearing house) તરીકે તેણે કામ કરવાનું હતું. તે સંશોધકોને તાલીમ આપશે ને કૃષિ-સંશોધન-ક્ષેત્રે કામ કરનાર કેન્દ્રીય કે પ્રાંતીય સંશોધન-સંસ્થા, યુનિવર્સિટી ને વ્યક્તિગત સંશોધકોને ગ્રાન્ટ આપશે એવું પણ કમિશને વિચાર્યું હતું.
આ કાર્યો માટે કાઉન્સિલને રૂપિયા પચાસ લાખનું રદ ન થાય તેવું ભંડોળ આપવાનું કમિશને સૂચવ્યું હતું ને તેમાં રાજકોષીય સ્થિતિ અનુસાર કેન્દ્ર સરકારે ઉમેરો કર્યે જવાનો હતો.
કાઉન્સિલમાં અધ્યક્ષ અને ખેતી ને પશુવિભાગ સંભાળનાર એકેક એમ ત્રણ પૂર્ણ સમયના સભ્યો ઉપરાંત છત્રીસ અન્ય સભ્યો રાખવાનું કમિશને સૂચવ્યું હતું : તેમાં આઠ સરકાર-નિયુક્ત, અઢાર પ્રાંતોના ખેતીવાડી, પશુ અંગેનાં ખાતાંના પ્રતિનિધિઓ, ત્રણ ભારતીય યુનિવર્સિટીના પ્રતિનિધિઓ, બે ઇન્ડિયન સેન્ટ્રલ કૉટન કમિટી ને બગીચા-ઉદ્યોગના પ્રતિનિધિઓ અને પાંચ કાઉન્સિલ દ્વારા સૂચિત પ્રતિનિધિઓ સામેલ રહેશે એવી ભલામણ હતી. પૂર્ણ સમયના સભ્યોની મુદત પાંચ વર્ષની ને અન્ય સૌની ત્રણ વર્ષની રાખવાની ભલામણ હતી.
દરેક પ્રાંતમાં ખેતી-સંશોધન માટે કમિટી રચવાની હતી, જે ભારતીય કાઉન્સિલના સહકારમાં રહીને કામ કરનાર હતી. ખેતીવાડી ખાતાના ને પશુપાલન ખાતાના ડિરેક્ટર સભ્ય તરીકે તેમાં રહે એવું સૂચન હતું.
1947માં સ્વાતંત્ર્ય બાદ ઇમ્પીરિયલ કાઉન્સિલનું ઇન્ડિયન કાઉન્સિલ ઑવ્ ઍગ્રિકલ્ચરલ રિસર્ચમાં રૂપાંતર થયું ત્યારે આ વિગતોમાં ઘણા ફેરફાર થયા હતા.
ખેતી-સંશોધન અંગેનાં કમિશનનાં અન્ય સૂચનોમાં એક તો, પુસા સંશોધન સંસ્થાને કેળવણી આપનાર સંસ્થામાં ફેરવવાની તેની ભલામણ હતી. બીજું, પશુ-સંશોધન અંગેની ઇમ્પીરિયલ ઇન્સ્ટિટ્યૂટની પુનર્વ્યવસ્થા કરવાનું સૂચન હતું. ત્રીજું, કેન્દ્રવર્તી કૃષિ-સંશોધન સેવા ઊભી કરવાની તેની ભલામણ હતી. ચોથું, ઇન્ડિયન સેન્ટ્રલ કૉટન કમિટીના ધોરણે સેન્ટ્રલ કૉટન કમિટી રચવાનું તેણે સૂચવ્યું હતું. પાંચમું, પશુ-પોષક આહાર (animal nutrition) અંગે સંસ્થા સ્થાપવાની કમિશને ભલામણ કરી હતી.
ખેડૂતની જમીન શાહુકારના હાથમાં ન ચાલી જાય તે અંગેના કાયદા દરેક પ્રાંતમાં અપનાવવા એવી કમિશનની ભલામણ હતી. તેનો અમલ ન થયો.
એવી જ રીતે નાદારી અંગેના સરળ કાયદાની કમિશને બધા પ્રાંતોને ભલામણ કરી હતી, જેથી બાપ તરફથી વારસામાં મળેલા દેવામાંથી ખેડૂત મુક્ત થઈ નવેસરથી પોતાનો વ્યવસાય કરી શકે ને લેણદાર લેણાની વાજબી પ્રમાણમાં વસૂલાત કરી શકે. બંગાળ જેવા કેટલાક પ્રાંતોમાં આ સૂચન સ્વીકારાયું. ખેડૂત દેવામાં જન્મે, દેવા સાથે જીવે ને દેવું સંતાનને માથે નાખીને અવસાન પામે તે સ્થિતિ દૂર કરવા બધા પ્રાંતોમાં આ સૂચન સ્વીકારાય તે જરૂરી હતું, પણ તેમ બન્યું નહિ.
ખેતપેદાશના બજારની ગેરરીતિઓ દૂર કરવા બજારના નિયમનની કમિશને ભલામણ કરી હતી.
રસ્તા-સુધારણામાં ગામને મુખ્ય રસ્તા સાથે ને ખેતપેદાશના બજાર સાથે જોડતા નાના રસ્તાઓ પર કમિશને ભાર મૂક્યો હતો. તે વિના મોટા ધોરી રસ્તાનું બાંધકામ ખેડૂત માટે ખાસ લાભકર્તા નહિ રહે એમ તેનું માનવું હતું. રસ્તાના બાંધકામ માટે લોન લઈને જાહેર ખર્ચની જોગવાઈ કરવાનું તે સૂચવે છે. ગામના રસ્તાની જાળવણીની જવાબદારી ગામની પ્રજાની મહદ્અંશે છે એમ તેનું માનવું હતું.
ખેતીના ભાવિ વિકાસ માટે રૉયલ કમિશનનો રિપૉર્ટ પાયારૂપ ગણાયો હતો; છતાં પ્રાંતીય સરકારો એની અનેક ભલામણોનો આંશિક જ અમલ કરી શકી; કેમ કે તેમને તેમ કરવામાં નાણાકીય સાધનોની મર્યાદા નડતી હતી.
કમિશનની ભલામણોના અમલમાં નહિવત્ પ્રગતિ થઈ તેનું વધુ મહત્વનું કારણ તો 1929ની મહામંદીને કારણે બદલાયેલા સંયોગોમાં રહેલું છે. આ અભૂતપૂર્વ આર્થિક કટોકટીને કારણે ભારતની કૃષિનિકાસોની માગ વિશ્વબજારમાં ઘટી, ખેત-ઉત્પાદન પ્રમાણમાં સ્થિર રહ્યું એટલે ખેતપેદાશોના ભાવ તૂટ્યા. 1929–30 ને 1933–34 વચ્ચે કૃષિક્ષેત્રની એકંદર નાણાકીય આવક 50 ટકા ઘટી. સરકારે ભાવોને ઘટતા અટકાવવા કે અર્થતંત્રને ટેકો આપવા નહિવત્ દરમિયાનગીરી કરી. પરિણામે 1929–36 વચ્ચે ખેડૂતોનું દેવું બમણું થયું.
સરકારે આર્થિક દુર્દશામાં સપડાયેલા ખેડૂતોને જમીનમહેસૂલમાં થોડી રાહત આપી, પણ તેની એકંદર નીતિ રૂઢિચુસ્ત, અંદાજપત્રને સમતોલ રાખવાની ને વિનિમય દર સ્થિર રાખવાની રહી. વધુ જાહેર ખર્ચની અપેક્ષા રાખતી કમિશનની કૃષિ-સુધારણા ને ગ્રામ-કલ્યાણને લગતી ભલામણોનો આ પરિસ્થિતિમાં અમલ ન થયો. શિક્ષણ, આરોગ્ય ને જાહેર બાંધકામ પરનો સરકારી ખર્ચ વધારવાને બદલે ઘટાડાયો.
બદરીપ્રસાદ ભટ્ટ