રૉયલ કમિશન ઑન લેબર : બ્રિટિશ ભારતમાં ઔદ્યોગિક એકમો અને બગીચા-ઉદ્યોગમાં કામ કરતા મજૂરોની પ્રવર્તમાન પરિસ્થિતિ વિશે તપાસ કરી ભલામણો કરવા માટે 1929માં રચવામાં આવેલું પંચ.

જે. એચ. વ્હિટલી (Whitley) તેના અધ્યક્ષ (chairman) હતા. તેઓ ઇંગ્લૅન્ડની આમ સભાના માજી સ્પીકર હતા. પંચમાં અન્ય 11 સભ્યો હતા. કમિશને માર્ચ 1931માં પોતાનો અહેવાલ સરકારને સુપરત કર્યો હતો.

ભારતમાં ઉદ્યોગીકરણ ધીમે ધીમે આગળ વધી રહ્યું હતું. કુલ કામ કરનાર વસ્તીમાં ઔદ્યોગિક કામદારનું પ્રમાણ ટકાવારીની દૃષ્ટિએ અલ્પ હતું. મોટેભાગે આ મજૂરો ગ્રામવિસ્તારમાંથી આવતા હતા. ખેતમજૂર, સાવ નાના ખેડૂત, પડી ભાંગતા ગ્રામોદ્યોગના કારીગરો આર્થિક દુર્દશાથી શહેર અને ત્યાંનાં કારખાનાં તરફ ધકેલાતા હતા. તેઓ ગામ સાથેનો સંપર્ક ચાલુ રાખતા હતા; ખેતીમાં કામની તડી હોય, સગાંવહાલાંમાં લગ્ન-મરણના પ્રસંગ હોય, કારખાનાં બંધ હોય ત્યારે તેઓ ગામ તરફ વળતા હતા. તેમનું મનોજગત હજી ગ્રામીણ હતું. ચિરસ્થાયી ઔદ્યોગિક મજૂરવર્ગનું હજી નિર્માણ થયું નહોતું. તેઓ ઓછાં વેતન મેળવતા, અસલામતીભર્યા વાતાવરણમાં કલાકોના કલાકો સુધી કામ કરતા, ગંદી વસાહતોમાં રહેતા અને દેવામાં ડૂબેલા હતા. કારખાનાંના માલિકો સાથે ટક્કર લઈ શકે એ જાતનું સંગઠન તેઓ ધરાવતા નહોતા. અવારનવાર હડતાળો પડતી ને લૉકઆઉટ જાહેર થતા રહેતા. મજૂર-માલિક-સંબંધ તણાવપૂર્ણ રહેતા. 1927–28 ઔદ્યોગિક અશાંતિનાં વર્ષ હતાં.

આ પરિસ્થિતિમાં રૉયલ કમિશનની ભલામણો આરંભના ઉદ્યોગીકરણ સમયે પશ્ચિમના દેશોમાં જોવા મળેલ ઔદ્યોગિક મજૂરની દુર્દશા ટાળવાના શુભ હેતુથી પ્રેરિત થયેલી હતી.

કમિશન વિચારણા કરી રહ્યું હતું ત્યારે ભારતમાં અસામાન્ય આર્થિક અને રાજકીય સંયોગો પ્રવર્તતા હતા. એક તો તે 1929ની વિશ્વવ્યાપી મહામંદીનો સમય હતો અને ઉદ્યોગપતિઓ, કામદારો ને સરકાર એને કારણે ચિંતિત હતાં; પરંતુ કમિશને આ ટૂંકા ગાળાના ગંભીર પ્રશ્ર્નો પર ધ્યાન કેન્દ્રિત કરવાનું મૂકીને દીર્ઘકાલીન પરિપ્રેક્ષ્યમાં વિચારવાનું પસંદ કર્યું. શ્રમનીતિના વિકાસ અંગેનો સુચિંતિત ભાવિ કાર્યક્રમ આપવાનું તેનું મુખ્ય કાર્ય છે એમ તેણે માન્યું. અહીં શ્રમિકનું કલ્યાણ ઉદ્યોગના ભોગે જ થઈ શકે એવી કેટલીક વાત સ્વીકારી લેવામાં આવતી ધારણા સાથે કમિશને અસંમતિ દર્શાવી. પાયાની વાત એણે એ કહી કે શ્રમિક પ્રત્યેની ઉદારતાભરી નીતિ એ ઉદ્યોગની દૃષ્ટિએ પણ શાણપણભરી નીતિ છે. ભારત માટે મજૂરોના ભોગે કાયમી ઔદ્યોગિક પ્રગતિ સાધવાનું શક્ય નથી, એમ તેણે જણાવ્યું. ભાગ લેનાર સૌ કોઈની સમૃદ્ધિને કારણે જ ઔદ્યોગિક પ્રવૃત્તિ બળ ને ઔચિત્ય પ્રાપ્ત કરે છે, એ વાતનો ભારતમાં વ્યાપક સ્વીકાર થતો તેણે જોયો.

રાજકીય દૃષ્ટિએ કમિશનની વિચારણા સ્વરાજ માટેના આંદોલન અને બંધારણીય સુધારાની ચર્ચાના વાતાવરણમાં થઈ હતી; આમ છતાં વિવિધ રાજકીય દૃષ્ટિકોણ ધરાવનાર આગેવાનો અને જૂથો દ્વારા મજૂરના લાભ અંગે થતી કમિશનની વિચારણામાં સૌનો સહકાર મળી રહ્યો. મજૂરવર્ગની જરૂરિયાતો સ્વયંસ્પષ્ટ હતી ને તેમને પહોંચી વળવા કમિશન દ્વારા સૂચવવામાં આવેલા ઉપાયો રાજકીય મતમતાંતરો અને સરકારના બંધારણ અંગેની વિગતોથી પર હતા. પ્રભાવ પાડી શકનાર સૌ મજૂરોના કલ્યાણ અંગે વધુ ને વધુ પ્રમાણમાં શાણપણભરી વિચારણા ને ઉદાર કામગીરી કરતા રહેશે એવી કમિશનને અનુભવે આશા બંધાઈ હતી.

પોતાના અહેવાલમાં કમિશને કારખાના ઉદ્યોગમાં પ્રવર્તતી રોજગારી ને કામની પરિસ્થિતિ વિશે વિચાર કર્યો હતો. ખાણો, રેલવે ને અન્ય ઔદ્યોગિક પ્રવૃત્તિ કરનાર એકમો અંગે આ જ પ્રકારની વિચારણા તેણે કરી હતી. ઔદ્યોગિક કામદારના જીવનધોરણ વિશેની સ્થિતિનો વિચાર તે પછી કરવામાં આવ્યો હતો. કામની પરિસ્થિતિ કરતાં ઔદ્યોગિક કામદાર જે પરિસ્થિતિમાં જીવે છે તે વધુ ગંભીર છે ને અહીં સુધારણાની જરૂર વધારે છે, પણ તે વધુ મુશ્કેલ પણ છે એમ કમિશને કહ્યું. રહેઠાણો અંગેની સ્થિતિ તેને ખેદજનક લાગી : કામદારોના આરોગ્યની સ્થિતિ સાવ અસંતોષકારક હતી. આ પરિસ્થિતિમાં જીવતા માણસોની કાર્યક્ષમતા ઓછી હોય છે, તેથી તેઓ પૂરતી આવક મેળવી શકતા નથી ને ગરીબ હોય છે તેથી તેમનું આરોગ્ય અસંતોષકારક ને રહેઠાણ કંગાળ હોય છે. આ વિષચક્રની કમિશને નોંધ લીધી હતી.

મજૂરોને અકસ્માત વગેરે સમયે અપાતું વળતર, મજૂર સંઘ અને માલિક-મજૂર વિખવાદ વિશે વિચાર કર્યા પછી બગીચા-ઉદ્યોગોમાં કામ કરનાર શ્રમિકોનાં કામ અને જીવન અંગેનો સવાલ કમિશને હાથ પર લીધો હતો. આસામમાં મજૂરોની ભરતી અંગેના કાયદાની ભારે ટીકા કરી તેને સુધારવાની તેણે ભલામણ કરી. આંકડા એકત્રિત કરનાર તંત્ર, શ્રમિકને લગતાં સરકારી ખાતાંઓનું વહીવટી તંત્ર ને શ્રમિક અંગેની બંધારણીય સ્થિતિ વિશેની વિચારણા સાથે કમિશને પોતાના અહેવાલો સમાપ્ત કર્યા હતા.

આમ કમિશનની વિચારણા ને ભલામણો વ્યાપક ક્ષેત્રને આવરી લેતી હતી. તે ક્રાન્તિકારી નહોતી, પણ શ્રમનીતિની ઉત્ક્રાંતિમાં કુદરતી ક્રમે આવવાં જોઈએ તેવાં પગલાંનો નિર્દેશ કરતી હતી. કમિશનનો અભિગમ ઔદ્યોગિક મજૂરની સ્થિતિમાં કાનૂન દ્વારા અને અન્ય રીતે ધીમે ધીમે સુધારો કરવા પર કેન્દ્રિત હતો. આમ છતાં કમિશનના એક સભ્ય સર ડેવિસ સાસૂને પોતાની અલગ નોંધમાં આક્ષેપ કર્યો હતો કે પશ્ચિમના દેશોમાં લાંબા સમયના વિકાસ પછી શ્રમિક-પ્રશ્ર્નો અંગે અપનાવાયેલા ઉપાયો ને કાનૂનોને ભારતમાં બેઠેબેઠા ઝડપથી દાખલ કરી દેવાની ભલામણો કમિશને સૂચવી છે. એ સર્વનો અમલ કરવા જતાં સરકારે ને ઉદ્યોગે મંદીના સમયમાં કેટલો આર્થિક બોજો ઉઠાવવો પડશે તેનો એણે વિચાર કર્યો નથી.

કમિશનની મુખ્ય કે વિવાદાસ્પદ ભલામણો સંક્ષેપમાં આ પ્રમાણે છે :

(1) કામની પરિસ્થિતિ : ભારતમાં ઔદ્યોગિક કામદાર ગામડામાંથી આવે છે અને શહેરમાં વસ્યા પછી પણ ગામ સાથેનો સંપર્ક ચાલુ રાખે છે. વાવણી કે લણણીની મોસમમાં કે સામાજિક પ્રસંગે તે ગામડે જાય છે. કમિશનને આ ગામ સાથેનો સંપર્ક જાળવી રાખવા જેવો લાગ્યો.

મજૂરની ભરતી, બઢતી ને બરતરફીમાં વચગાળાના માણસ તરીકે કામ કરતી જૉબરની સંસ્થા દૂર કરવી જોઈએ : લેબર-ઑફિસર કે કારખાનાના જવાબદાર અધિકારીને આ કામગીરી સોંપવી. મોટાં કારખાનાંએ લેબર વેલ્ફેર ઑફિસર નીમવો એ ભલામણ મહત્ત્વની હતી.

માલિક, નગરપાલિકા ને સરકારે ઔદ્યોગિક મજૂરનાં સંતાનોને કેળવણી મળે તેવો પ્રબંધ કરવા મથવું.

કારખાનામાં બારેય મહિના કામ કરનાર પુખ્ત ઉંમરના ઔદ્યોગિક કામદાર માટે અઠવાડિયાના કામના કલાક 60ને બદલે ઘટાડીને 54 કરવા. તેમને રોજ એક કલાકની રિસેસ આપવી અને અઠવાડિયે એક રજા. સ્ત્રી ને બાળકોને રાતના સમય માટે કામે રોકવાં નહિ.

સર ડેવિડ સાસૂને અઠવાડિક કામના કલાક ઘટાડવાની કમિશનની ભલામણનો વિરોધ કર્યો હતો : આને કારણે મંદીના સમયમાં ઉત્પાદન-ખર્ચ વધશે. કાપડ-ઉદ્યોગમાં રૂ સિવાયના ખર્ચમાં સાતથી આઠ ટકાનો વધારો થશે એમ તેમને લાગતું હતું. કમિશનની ધારણા પ્રમાણે કામના કલાક ઘટશે એટલે કાર્યક્ષમતા સુધરશે નહિ ને કામના સમયમાં બહાર ભટકવાનું કામદારનું વલણ પણ બદલાશે નહિ એમ તેઓ માનતા.

કામનું સ્થળ રજકણ, ઉષ્ણતામાન, ભેજ વગેરેની દૃષ્ટિએ કામદારના આરોગ્ય માટે પ્રતિકૂળ ન હોવું જોઈએ, સલામત હોવું જોઈએ ને પ્રાથમિક સારવાર, પાણી, ઘોડિયાં, કૅન્ટીન જેવી સગવડો ધરાવતું હોવું જોઈએ. કાયદાની આ અંગેની જોગવાઈઓનો સખ્તાઈથી અમલ કરાવનાર કારખાના-નિરીક્ષકોનું તંત્ર પર્યાપ્ત હોવું જોઈએ.

(2) તંદુરસ્તી, કાર્યક્ષમતા, જીવનધોરણ : શક્ય હોય ત્યાં સુધી અનિયમિત કામદાર(irregular worker)ની જગ્યાએ કામ પર નિયમિત કામદાર મૂકવો.

ન્યૂનતમ રોજી ઠરાવવાનું પ્રથમ દર્શને યોગ્ય લાગે તેવા ઉદ્યોગ પસંદ કરવા. વિગતવાર તપાસ કરી જોવું કે ન્યૂનતમ રોજી ઠરાવવાનું આ ઉદ્યોગમાં ઇષ્ટ ને વ્યવહારુ છે કે નહિ. ન્યૂનતમ રોજી ઠરાવવા માટે જરૂરી માહિતી એકત્રિત કરવી. ન્યૂનતમ રોજી અંગેની જોગવાઈઓને અમલી બનાવનાર તંત્રના ખર્ચને લક્ષમાં લેવો. આ સર્વ પૂર્વતૈયારી પછી ન્યૂનતમ રોજી ઠરાવવા માટેનું બૉર્ડ / તંત્ર ઊભું કરવું. અહીં ધીમેથી આગળ વધવાની નીતિની કમિશન ભલામણ કરે છે. અબરખ, ઊન-સફાઈ, લાખ, બીડી, કાર્પેટ-વણાટ, ટૅનરી જેવા ઉદ્યોગો માટે પ્રાથમિક તપાસ કરવાનું તે સૂચવે છે.

રોજી ચૂકવતી વખતે તેમાંથી દંડ, નુકસાની ને અન્ય કપાત બાદ કરવા અંગે કાનૂન / નિયમ કરવાની જરૂર છે. માલિકે આ ત્રણેય પ્રકારની કપાત અંગે રજિસ્ટર રાખવું જોઈએ. ગેરકાનૂની કપાત માટે માલિકને શિક્ષા કરવી જોઈએ.

મોટાં શહેરોમાં ને ઔદ્યોગિક વિસ્તારોમાં દારૂના વેચાણને નિયંત્રિત કરવું. દુકાનોની સંખ્યા ઘટાડવી, તે નક્કી કરેલા કલાકો માટે ખુલ્લી રહે તે જોવું ને સીલ કરેલી બાટલીમાં જ તે દારૂનું વેચાણ કરે એવી જોગવાઈ કરવાની શક્યતા તપાસવી.

ઓછાં પગાર / રોજી મેળવનાર ઔદ્યોગિક કામદારની રોજી ટાંચમાંથી મુક્ત રાખવી તેમજ દેવાની ચુકવણીની ચૂક માટે ધરપકડ કે જેલની સજામાંથી તેમને મુક્ત રાખવા, દેવાની કે વ્યાજની વસૂલાત માટે ફૅક્ટરીની આસપાસ ઘેરો ઘાલવાની રીતને ફોજદારી ગુનો ગણવો.

અઠવાડિયે વેતન ચૂકવવાની પ્રથા માલિકોએ અપનાવવી. વેતન કમાય પછી નિશ્ચિત મુદતમાં તેને વેતન ચૂકવાઈ જવું જોઈએ.

મુંબઈ ને મધ્ય પ્રાંતના ધોરણે બધા પ્રાંતોમાં માતૃત્વ સંબંધી લાભના કાયદા ઘડાવા જોઈએ.

સુસંગઠિત ઉદ્યોગના તમામ કામદારોને આવરી લે તે રીતે કામદાર-વળતર કાયદાની જોગવાઈઓ લાગુ કરવી જોઈએ અને ક્રમશ: ઓછા સંગઠિત ઉદ્યોગોના કામદારોનેય તેમાં આવરી લેવા જોઈએ. પાવર વાપરનાર ને 10 કામદારને રોકતી ફૅક્ટરી; પાવર ન વાપરતી ને 50 કામદાર રોકતી ફૅક્ટરી; ડૉક પર કામ કરનાર શ્રમિકો; કેટલાક અપવાદ સાથે બધા ખાણિયા-મજૂરો, કુદરતી તેલના કૂવા પર કામ કરતા કામદારો; સરકારના બગીચા તેમજ ચા ને કૉફીના બગીચાના પચાસથી વધુ સંખ્યાબળમાં રોકાયેલા કામદારો; યંત્રસંચાલિત વાહન સાથે સંકળાયેલ મજૂરો, વીજળીનાં ઉત્પાદન ને વહેંચણી સાથે સંકળાયેલા કામદારો – આ સર્વને તાત્કાલિક આ કાનૂન લાગુ પાડવાનું કમિશનનું સૂચન હતું.

(3) સંગઠન ને મજૂરમાલિક વિખવાદ : દરેક માલિકના સંગઠનમાં શ્રમિકની કાર્યક્ષમતા ને કલ્યાણ વિશે વિચાર કરનાર કમિટી હોવી જોઈએ.

માન્યતા મળે એટલે મજૂર સંઘને સભ્યોનાં વ્યક્તિગત કે સામૂહિક હિતોને સ્પર્શતી બાબતો વિશે માલિક સાથે વાટાઘાટ કરવાનો અધિકાર મળે છે. આ એક મહત્વની ભલામણ હતી. મજૂર સંઘ માત્ર કામદારોની લઘુમતીને આવરે છે કે બીજાં હરીફ મંડળો છે એ બહાને તેને માન્યતા આપવાનો ઇન્કાર કરી શકાય નહિ. મજૂર સંઘે બને તેટલા સભ્યોને પોતાના કામ સાથે સાંકળવા ને તેમનામાંથી પદાધિકારી પસંદ કરી તાલીમ આપવી.

મજૂર સંઘ અંગેનો કાયદો દર ત્રણ વર્ષે તપાસી જવો.

મજૂર સંઘના હિસાબોનું ઑડિટ સરકારી અધિકારી દ્વારા વિના મૂલ્યે થવું જોઈએ.

નોંધણી ધરાવતા મજૂરમંડળના B પદાધિકારી સંબંધિત ઉદ્યોગમાં કામ કરતા હોવા જોઈએ.

મજૂર-માલિક વિવાદ અંગેનો 1860નો કાયદો રદ કરવો.

વર્કસ કમિટીની રચના કરવી અને તેમાં મજૂર સંઘનો સહકાર મેળવવો.

વ્યક્તિગત સાહસમાં ને સમગ્ર ઉદ્યોગ માટે ચર્ચા માટે મજૂર-માલિક સંયુક્ત તંત્રની રચના કરવી. ઔદ્યોગિક વિખવાદના નિરાકરણ માટે કાયમી તંત્ર ઊભું કરવું.

દરેક પ્રાંતમાં મજૂર-માલિક વચ્ચેના વિખવાદ વખતે સમાધાન સાધવા મથનાર સરકારી અધિકારી હોવા જોઈએ.

બગીચા-ઉદ્યોગમાં પ્રવર્તતાં વેતનનાં ધોરણો વિશે વિચાર કરતી વખતે કમિશનને લાગ્યું કે આસામના ચાના બગીચાઓ માટે શક્ય હોય તો કાનૂન દ્વારા રોજી-નિર્ધારણ તંત્ર રચીને વેતનનું નિયમન કરવાનું ઇચ્છવાજોગ છે. એક તો આ ઉદ્યોગમાં માલિકો સુસંગઠિત છે ને મજૂરો અસંગઠિત, તેથી બે પક્ષોની સોદો કરવાની શક્તિ વચ્ચે ભારે તફાવત છે. બીજું આ ઉદ્યોગો માટે મજૂરોની ભરતી કરવામાં આવે છે તે વિસ્તારોમાં આસામના મજૂરોની સ્થિતિ વિશેની શંકા-કુશંકા દૂર થશે, ભરતીનું કામ સરળ બનશે ને ઉદ્યોગને નડતી મજૂરોની અછતનો પ્રશ્ન ઊકલશે. ત્રીજું, સિલોન(હાલના શ્રીલંકા)માં ચાના ઉદ્યોગમાં ન્યૂનતમ રોજી ઠરાવવાનો પ્રયોગ સફળ રહ્યો છે. સર ડેવિડ સાસૂને તેમની અલગ નોંધમાં ચાના બગીચા-ઉદ્યોગ માટે આ રીતે વેતન-નિયમન કરવાના સૂચનનો વિરોધ કર્યો હતો.

બંધારણમાં ઔદ્યોગિક મજૂર અંગે ધારા ઘડવાની સત્તા કેન્દ્ર અને પ્રાંત બંનેને હોવી જોઈએ. બે વચ્ચેના સંઘર્ષમાં કેન્દ્રનો કાનૂન સર્વોપરિ રહે. બંને સ્તરે ધારાસભામાં ઔદ્યોગિક કામદારોને પ્રતિનિધિત્વ હોવું જોઈએ. મજૂર પ્રતિનિધિને રજિસ્ટર્ડ મજૂર સંઘોએ ચૂંટવા જોઈએ.

દેશમાં રાષ્ટ્રીય ઔદ્યોગિક કાઉન્સિલની રચના કરવી. સરકાર, ઉદ્યોગ ને મજૂર સંઘોના પ્રતિનિધિઓ તેમાં મજૂર-પ્રશ્ર્નો ને શ્રમનીતિ વિશે વિચાર-વિનિમય કરી શકશે. તે મજૂર કાનૂન અંગેના પ્રસ્તાવ સૂચવશે ને તપાસશે. શ્રમનીતિ વિશે તે સરકારને સલાહ આપશે. શ્રમ અંગેની માહિતી એકત્રિત કરવાના ને સંશોધન કરવાના કામ અંગે તે સરકારને સલાહ આપશે.

આ ભલામણોની તાત્કાલિક ફળપ્રાપ્તિ તો નોંધપાત્ર ન રહી, પરંતુ ઔદ્યોગિક મજૂર તરફનો સરકારનો ને માલિકોનો દૃષ્ટિકોણ બદલવામાં કમિશનની વિચારણા સહાયક નીવડી. આ સાથે મજૂરનીતિના વિકાસનો પણ ભારતમાં આરંભ થયો એમ કહી શકાય.

બદરીપ્રસાદ ભટ્ટ