રોમન કૅથલિક : ખ્રિસ્તી ધર્મનો એક સંપ્રદાય. ‘કૅથલિક’ શબ્દ ધર્મસંઘ અને ધર્મપરંપરા એ બંને અર્થોમાં પ્રયોજાય છે.

ઈસુએ પોતાના અગિયાર શિષ્યો પૈકીના પીટર નામના શિષ્યને પોતાનો ધર્મસંદેશ ફેલાવવાની કામગીરી સોંપી. એ પ્રચારઝુંબેશને પરિણામે ઈ. સ.ની બીજી સદીના ઉત્તરાર્ધ સુધીમાં ધર્મસંઘ અસ્તિત્વમાં આવ્યો. તેણે પોતાના સંગઠન માટે તત્કાલીન રોમન સામ્રાજ્યના વહીવટી માળખાને સ્વીકારી લીધું અને રોમને પોતાના કેન્દ્ર તરીકે અપનાવી લીધું. ધર્મસંઘના સભ્યોની ઉચ્ચ નીતિમત્તા અને તેમણે કરેલાં કલ્યાણકાર્યથી લોકો ધર્મસંઘ તરફ આકર્ષાવા લાગ્યા. ઈ. સ. 312માં રોમન શહેનશાહ કૉન્સ્ટન્ટાઇને ખ્રિસ્તી ધર્મનો અંગીકાર કરતાં એ ધર્મ રોમન સામ્રાજ્યનો રાજ્યધર્મ બની ગયો. તેને પરિણામે ધર્મસંઘમાં બે પ્રતિક્રિયાઓ પ્રગટી. એ રીતે ધર્મસંઘને પોતાનો સંદેશો બધાં રાષ્ટ્રોમાં સંભળાવવાની તક પ્રાપ્ત થવાથી ઘણા હરખાઈ ઊઠ્યા તો બીજા કેટલાકને શહાદત વહોરીને પણ નિષ્ઠાપૂર્વક ધર્મપ્રચાર કરવાની તક હાથમાંથી સરકી ગયેલી લાગી એટલે ચોંકી ગયા. આવા ચિંતાતુરો મઠવાસી બન્યા. આવા મઠવાસીઓ ધર્મસંઘના માળખામાં ધર્માધ્યક્ષો તરીકે પસંદ થવા લાગ્યા. મઠવાસીઓનો સંદેશ-પ્રસારણ માટેનો ઉત્સાહ અને તેમની ધર્મનિષ્ઠા પ્રશંસનીય હતાં. રોમના ધર્માધ્યક્ષ બધા ધર્માધ્યક્ષોના શિરોમણિ એટલે કે વડા ધર્મગુરુ (પોપ) ગણાયા.

ઈ. સ. 476માં બાહ્ય આક્રમણો સામે રોમન સામ્રાજ્ય ઝૂકી પડ્યું, ત્યારે રોમના ધર્માધ્યક્ષ એકલા જ વ્યવસ્થાના કેન્દ્રબિંદુ તરીકે ઊપસી આવ્યા. તેમણે મઠવાસીઓના સહકારથી શિક્ષણ, સમાજસેવા અને રાજકીય ક્ષેત્રે ઊંડો પ્રભાવ પાડ્યો.

ઈ. સ. 1054માં પૂર્વના ધર્મસંઘો પશ્ચિમથી અલગ થઈ ગયા. પછીના સમયમાં ધર્મસંઘે પણ કરવેરો ચૂકવવો પડે એ મુદ્દે વિવાદ ખડો થતાં રોમના ધર્માધ્યક્ષે વિશિષ્ટ અધિકારની વાત કરી. ત્યારે તેમને કેદ કરવામાં આવ્યા. તે પછીના રોમના ધર્માધ્યક્ષોના સમયમાં કરવેરા ઉઘરાવવાનું શરૂ થયું. આ કૃત્યના તીવ્ર પડઘા પડ્યા. પશ્ચિમના ધર્મસંઘોમાં પણ ભાગલા પડ્યા. ઈ. સ. 1417માં એ બધા ધર્મસંઘો ફરીથી એક થયા.

ઈ. સ.ની સોળમી સદીમાં ધર્મસુધારણાનો વાયરો ફૂંકાયો. તેનાં કારણોમાં રોમના ધર્માધ્યક્ષનો ભ્રષ્ટાચાર, ધર્મવિદ્યા બાઇબલ અને શાસ્ત્રકારોએ પ્રસ્થાપિત કરેલ મૂલ્યોમાં પડી ગયેલું અંતર, પશ્ચિમમાંના ભાગલાથી આવેલી નબળાઈ, રાજકીય સ્તરે રાષ્ટ્રવાદનો ઉદય, ધર્મ અને સંસ્કૃતિ વચ્ચેની વધુ પડતી ઘનિષ્ઠતા, લ્યૂથર, ઝ્વીન્ગલી અને કૅલ્વિન જેવી વિભૂતિઓનાં દર્શન અને અનુભવ વગેરેને ગણાવી શકાય. તેના પરિણામે અનેક અલગ સંપ્રદાયો અસ્તિત્વમાં આવ્યા.

હવે જે મૂળ ધર્મસંઘ હતો તે કૅથલિક ધર્મસંઘ કહેવાયો. તેણે ધર્મસુધારણાની પ્રક્રિયાનો પ્રતિસાદ આપ્યો. ઈ. સ. 1545થી 1563 સુધી ત્રેન્ત નામના શહેરમાં ચાલેલી એક ધર્મપરિષદમાં કૃપાનો સિદ્ધાંત સ્થાપિત થયો અને મનુષ્યના ઉદ્ધાર માટે ઈશ્વરની કૃપાની સાથોસાથ માનવમહેનતની આવશ્યકતા પર ભાર મૂકી સાત સંસ્કારોની તેમજ બાઇબલમાં સમાવાયેલા ગ્રંથોની યાદી તૈયાર કરવામાં આવી. ભાવિ પુરોહિતો માટેની તાલીમ સંસ્થાઓ પણ ખોલવામાં આવી.

ત્રેન્ત પરિષદ પછીના સમયગાળામાં કૅથલિકે માતા મરિયમની ભક્તિ, સંતોની મધ્યસ્થી, રોટલીના રૂપમાં પ્રભુ ઈસુની આરાધના, ધર્માધ્યક્ષગણનો અધિકાર અને ધર્મસંઘમાં પુરોહિતનો આવશ્યક ફાળો વગેરેમાં દૃઢતાપૂર્વક માનવાનું ચાલુ રાખ્યું.

ઈ. સ. 1962થી 1965 દરમિયાન વૅટિકન શહેરમાં ભરાયેલી બીજી ધર્મપરિષદ પ્રવર્તમાન કૅથલિક ધર્મસંઘની ખરી ઓળખ આપે છે. તે દૃઢપણે માને છે કે કૅથલિક ધર્મ સ્વીકારવા માટે કોઈ પ્રકારનું દબાણ ન થઈ શકે. ઈશ્વર અન્ય ધર્મો દ્વારા પણ માનવજાત સાથે વાત કરે છે. એટલે અન્ય ધર્મો સાથે સંવાદ અને સહકાર અનિવાર્ય છે.

આજે રોમન કૅથલિક ધર્મસંઘ બે સ્તરે અસ્તિત્વ ધરાવે છે – સ્થાનિક અને વૈશ્વિક. સ્થાનિક સ્તરે જે તે ગામ અથવા ગામોને આવરી લેતો ધર્મવિભાગ હોય છે. આવા અનેક ધર્મવિભાગોને આવરી લેતો ધર્મપ્રાંત હોય છે. પ્રત્યેક ધર્મવિભાગને શિરે એક પુરોહિત હોય છે. તેમને સભાપુરોહિત કહેવામાં આવે છે. પ્રત્યેક ધર્મપ્રાંતને શિરે ધર્માધ્યક્ષ હોય છે, જેમને બિશપ કહેવામાં આવે છે. વિશ્વસ્તરે દુનિયાના બધા ધર્મપ્રાંતોને આવરી લેતો ધર્મસંઘ તે રોમન કૅથલિક ધર્મસંઘ.

રોમન કૅથલિક પરંપરામાં (1) ઈશ્વરમાંથી સઘળું ઉદભવે છે માટે એના સર્જન પ્રત્યે વિધેયાત્મક અભિગમ ધરાવવો; (2) સર્વ ઘટનાઓમાં ઈશ્વર કાર્યરત હોય છે માટે ઇતિહાસ પ્રત્યે આસ્થા રાખવી; (3) કોઈ પણ ધર્મ અંધશ્રદ્ધા પર નિર્ભર ન હોતાં તર્કબદ્ધ હોવો જોઈએ માટે તર્કશાસ્ત્ર પ્રત્યે આદર ધરાવવો; (4) ઈશ્વર આપણા ઉપર અન્ય માર્ગો અને સાધનો દ્વારા પણ અસર કરે છે. તેથી ચિંતન-મનન કરતા રહેવું; અને (5) ઈશ્વરદર્શિત માર્ગો અને સાધનોનું અનુસરણ કરીને ઈશ્વરનો અનુભવ કરવો; ઈશ્વર સહુનો ઉદ્ધાર કરે છે માટે સર્વના ઉદ્ધારકમાં શ્રદ્ધા રાખવી વગેરે કૅથલિક ધર્મપંથની આધારભૂત પરંપરાઓ છે.

જેમ્સ ડાભી