રૉડ્ઝ, વિલ્ફ્રેડ (જ. 1877, કર્ક હિટન, વેસ્ટ યૉર્કશાયર, ઇંગ્લૅન્ડ, યુ.કે.; અ. 1973) : આંગ્લ ક્રિકેટ ખેલાડી. તેમની ક્રિકેટ કારકિર્દી દરમિયાન તેઓ યૉર્કશાયર તથા ઇંગ્લૅન્ડ તરફથી ક્રિકેટ રમતા રહ્યા અને 1895થી 1930 સુધીની ક્રિકેટ-કારકિર્દીમાં વિશ્વવિક્રમ રૂપે તેમણે કુલ 4,187 વિકેટો ઝડપી અને ખેલાડી તરીકે 39,722 રન નોંધાવ્યા. એક જ સીઝનમાં 100 વિકેટ ઝડપવાની કામગીરી તેમણે 23 વાર કરી બતાવી. 1,000 રન અને 100 વિકેટની બેવડી સિદ્ધિ તેમણે 16 વાર હાંસલ કરી. આ હકીકત પ્રથમ કક્ષાની ક્રિકેટ માટે વિક્રમ લેખાય છે. ટેસ્ટ ક્રિકેટ રમનાર તેઓ સૌથી મોટી ઉંમરના ખેલાડી નીવડ્યા. એપ્રિલ 1930માં વેસ્ટ ઇંડિઝ સામે કિંગ્સ્ટન ખાતે ઇંગ્લૅન્ડ તરફથી તેઓ રમતમાં ઊતર્યા ત્યારે તેમની ઉંમર 52 વર્ષ અને 165 દિવસની હતી.
મહેશ ચોકસી