રૉઝિન : ઉત્તર અમેરિકાનાં તથા યુરોપનાં પાઇનવૃક્ષોની અનેક જાતો(દા.ત., Pinus pinaster, P. sylvestric, P. palustris, P. taeda)માંથી મેળવાતા દ્રવ્ય. ટર્પેન્ટાઇન નિસ્યંદિત કરતાં પીળા (amber) રંગના ઘન સ્વરૂપે મળતું પોચું દ્રવ્ય રેઝિનમાંથી.
રૉઝિનની મુખ્ય ત્રણ જાતો હોય છે. જીવંત વૃક્ષોમાંથી રેઝિન મેળવીને તેનું નિસ્યંદન કરતાં ગમ રૉઝિન મળે છે. અપરિષ્કૃત રેઝિન પાઇનવૃક્ષોના થડ ઉપર આડા કાપા પાડી ટપકતા પ્રવાહી સ્વરૂપે એકત્ર કરાય છે. પાઇનવૃક્ષનાં ઠૂંઠાં(stumps)માંથી દ્રાવક દ્વારા નિષ્કર્ષણ કરતાં કાષ્ઠ રૉઝિન (wood rosin) મેળવાય છે. લાકડાના માવાની ઔદ્યોગિક બનાવટમાં આડપેદાશ તરીકે સલ્ફેટ રૉઝિન અથવા ટૉલ ઑઇલ (tall oil) રૉઝિન મળે છે.
રૉઝિન અર્ધપારદર્શક, પાણીમાં અદ્રાવ્ય છે; પરંતુ કાર્બનિક દ્રાવકોમાં દ્રાવ્ય છે. લગભગ 80°થી 90° સે. તાપમાને તે નરમ થઈ જાય છે. તેમાં લગભગ 90 % રેઝિન ઍસિડો તથા 10 % જેટલાં તટસ્થ પદાર્થો, દા.ત., એનહાઇડ્રાઇડો, સીટોસ્ટેરોલ, ડાઇટર્પિન આલ્ડિહાઇડ તથા આલ્કોહૉલ હોય છે. રેઝિન ઍસિડોનું બંધારણ ઍબીટિક (abietic) ઍસિડ (I) તથા પિમારિક ઍસિડ(II)ને લગભગ મળતું હોય છે. આ ઍસિડોમાં સમાવયીકરણ સહેલાઈથી થાય છે. બંધારણીય રીતે પ્રકાર
I તથા II 4 : 1ના અનુપાતમાં હોય છે. રૉઝિન મુખ્યત્વે ડાઇટર્પિન રેઝિનોનું બનેલું છે. તેમનું રૂપાંતરણ હાઇડ્રોજનીકરણ, ઍસ્ટરીકરણ, ફૉર્માલ્ડિહાઇડ યા મલેઇક ઍસિડ સાથે પ્રક્રિયા વગેરે રીતોથી કરવામાં આવે છે.
રૉઝિન વિવિધ ઉદ્યોગોમાં ઉપયોગમાં લેવાય છે. સોડિયમ હાઇડ્રૉક્સાઇડ અથવા સોડિયમ કાર્બોનેટ સાથે તે મેળવીને કાગળના સાઇઝિંગમાં છિદ્રપૂરક દ્રવ્ય તરીકે વપરાય છે. આ સાઇઝિંગને કારણે કાગળની હવામાંથી ભેજ શોષવાની ક્ષમતા ઘટી જાય છે. આ ઉપરાંત સાબુ-ઉદ્યોગમાં, રંગ (પ્રલેપ, પેઇન્ટ્સ), વાર્નિશ, આસંજક, લાખ તરીકે સીલ કરવા (sealants) તથા છાપકામની શાહી વગેરેમાં રૉઝિન વપરાય છે.
જ. પો. ત્રિવેદી