રોઝારિયો (Rosario)

January, 2004

રોઝારિયો (Rosario) : આર્જેન્ટીના બુએનૉસ આયરિસ અને કૉર્ડોબા પછીના ત્રીજા ક્રમે આવતું મોટું શહેર. ભૌગોલિક સ્થાન : 32° 57´ દ. અ. અને 60° 40´ પ. રે. પર સ્થિત આ મહાનગર બુએનૉસ આયરિસથી આશરે 320 કિમી. દૂર પારાના નદીના ઉપરવાસમાં, પૂર્વ-મધ્ય આર્જેન્ટીનાનાં પમ્પાઝનાં ફળદ્રૂપ મેદાનોમાં વસેલું છે. તે દરિયાથી દૂર ભૂમિ-અંતર્ગત આવેલું અગત્યનું નદીબંદર છે તથા નદી પર મોકાના સ્થાને આવેલું હોવાથી વાણિજ્યકેન્દ્ર તેમજ ઔદ્યોગિક મથક બની રહેલું છે. કૃષિપેદાશો તથા પશુપેદાશો ધરાવતો તેનો પીઠપ્રદેશ આર્થિક દૃષ્ટિએ અત્યંત સમૃદ્ધ છે, આ કારણોથી તે મૂળભૂત રીતે જ આવી પેદાશોનું મોટું બજારમથક તથા માલનું કેન્દ્ર પણ બની રહ્યું છે. અહીંથી નદી મારફતે વહાણો દ્વારા આજુબાજુના વિસ્તારની જુદી જુદી પેદાશો બહાર જાય છે. વળી તેના ‘સાન્તા ફેલા પ્લાટા ઔદ્યોગિક ધરી’ પરના સ્થાનને લીધે અહીં વિવિધ પ્રકારના ઉદ્યોગોનો વિકાસ થયો છે. પાંચ રેલમાર્ગો અને પાંચ ધોરી માર્ગો તેને આર્જેન્ટીનાના ઉત્તર અને મધ્યના જુદા જુદા ભાગો સાથે જોડે છે. શહેરમાં આવેલાં ઘણાં કારખાનાં ખેતપેદાશોનું પ્રક્રમણ કરી ખાદ્યપેદાશો તૈયાર કરે છે. અહીં લોહ-પોલાદ, ધાતુ-પેદાશો, ઈંટો, રાચરચીલું, ખાંડ, રસાયણો અને કાપડના ઉદ્યોગો, પેટ્રોલિયમ રિફાઇનરી અને ચામડાની ચીજવસ્તુઓના એકમો છે.

આ શહેરમાં ઘણી આધુનિક ઇમારતો, સારા માર્ગો અને ઉદ્યાનો આવેલા હોવાથી પ્રવાસીઓ માટે પણ તે આકર્ષણનું કેન્દ્ર બની રહેલું છે. દક્ષિણ અમેરિકાના વિશાળ ફળદ્રૂપ પમ્પાઝના મેદાનની પૂર્વ ધાર પર આ સ્થળ 1730માં સ્થપાયેલું. ઓગણીસમી સદીના ઉત્તરાર્ધ કાળમાં જ્યારે અહીંના ખેડૂતોએ મોટા પાયા પર ખેતપેદાશો ઉત્પન્ન કરવાની શરૂઆત કરી ત્યારથી તે મહત્વ ધરાવતું થયું છે. 1995 મુજબ તેની વસ્તી 11.55 લાખ જેટલી છે.

બીજલ પરમાર

જાહ્નવી ભટ્ટ