રોઝીઉ : વેસ્ટ ઇન્ડિઝની વાતાભિમુખ બાજુ કૅરિબિયન સમુદ્રમાં આવેલા પ્રજાસત્તાક ટાપુદેશ ડૉમિનિકનું પાટનગર, બંદર તથા મોટું શહેર. ભૌગોલિક સ્થાન : 15° 18´ ઉ. અ. અને 61° 24´ પ. રે.. આ ટાપુના નૈર્ઋત્ય કિનારે નદીના મુખ પર આ શહેર વસેલું છે.

ટાપુના મધ્યભાગમાં જ્વાળામુખી પર્વત આવેલો હોવાથી ઈશાન તરફથી આવતા વ્યાપારી પવનો અવરોધાય છે. આથી આ શહેરને રક્ષણ મળી રહે છે. અહીં અયનવૃત્તીય આબોહવા પ્રવર્તે છે. ડિસેમ્બરથી માર્ચનો સમયગાળો ખુશનુમા રહે છે. જાન્યુઆરી અને જુલાઈનાં તાપમાન અનુક્રમે 24° અને 27° સે. જેટલાં રહે છે. જૂનથી ઑક્ટોબરની વર્ષાઋતુ દરમિયાન કુલ 1980 મિમી. જેટલો વરસાદ પડે છે. કિનારાના પ્રદેશમાં 1,750 મિમી. અને પર્વતવિભાગોમાં 6,250 મિમી. જેટલો વરસાદ પડે છે. આજુબાજુનો પ્રદેશ ગીચ જંગલોવાળો અને ફળદ્રૂપ જમીનોવાળો છે, પરંતુ ખેતીનો વિકાસ થયો નથી.

અવિરત મકાન-બાંધકામ દ્વારા વિકસતું પાટનગર રોઝીઉ

રોઝીઉ ટાપુ માટે ઘણું જ વ્યસ્ત રહેતું અગત્યનું બંદર છે. શહેરનું અર્થતંત્ર શાકભાજી, કેળાં, લીંબુ અને તેની પેદાશો(રસ)ની નિકાસ પર નભે છે. અહીં આધુનિક ઢબનાં વેપારી બજારો વિકસ્યાં છે. અઢારમી સદીનાં, પથ્થરમાંથી બાંધેલાં જૂનું સ્થાપત્ય ધરાવતાં મકાનો જોવા મળે છે; અહીંનાં જાણીતાં સ્થળોમાં રોમન કૅથલિક કથીડ્રલ, સેન્ટ જ્યૉર્જ ચર્ચ (ઍંગ્લિકન), ગવર્નમેન્ટ હાઉસ અને વિક્ટોરિયા મેમૉરિયલ મ્યુઝિયમનો સમાવેશ થાય છે. અહીં વનસ્પતિ ઉદ્યાનો, જળધોધ તેમજ ગરમ પાણીના ઝરા આવેલા છે. અહીંના ઘણાખરા લોકો લાકડાંમાંથી તેમજ સિમેન્ટનાં ગચ્ચાંઓમાંથી બનાવેલાં મકાનોમાં રહે છે. અહીંની વસ્તી મુખ્યત્વે આફ્રિકી અશ્વેતો તેમજ મિશ્ર પ્રજાઓમાંથી બનેલી છે. આ ઉપરાંત કેટલાક ગોરાઓ તથા એશિયાઈ લોકો પણ રહે છે. અહીંની સત્તાવાર ભાષા તો ઇંગ્લિશ છે, પરંતુ 95 % લોકો ફ્રેન્ચ ક્રિયોલ ભાષાનો વધુ ઉપયોગ કરે છે.

1633માં ફ્રેન્ચ વસાહતીઓએ આ સ્થળ વસાવેલું હોવાનું કહેવાય છે. અગાઉ અહીં રીડ નામની વનસ્પતિ ઊગતી હતી, તેથી આ સ્થળને તેમણે ‘રોઝીઉ’ નામ આપેલું. તે પછીથી 1759 સુધી આ ટાપુનો કબજો મેળવવા ફ્રાન્સ અને બ્રિટન વચ્ચે સંઘર્ષો થયેલા. 1759થી 1978 સુધી અહીં બ્રિટનનું શાસન રહેલું. જૂના વખતમાં આ શહેર શાર્લોટ ટાઉન તરીકે ઓળખાતું હતું. 1805માં ફ્રેન્ચોએ તેને બાળી મૂકેલું. 1979માં આ ટાપુ પર ફૂંકાયેલા હરિકેનથી ઘણા લોકો મૃત્યુ પામેલા, પારાવાર નુકસાન પણ થયેલું. 2000 મુજબ તેની વસ્તી 77,000 જેટલી હતી.

જાહ્નવી ભટ્ટ

ગિરીશભાઈ પંડ્યા