રૉજર્સ, જિંજર (જ. 1911, ઇન્ડિપેન્ડન્સ, મિસૂરી; અ. 1995) : અમેરિકાનાં ફિલ્મ અભિનેત્રી. મૂળ નામ વર્જિનિયા કૅથરિન મૅકમૅથ. વ્યવસાયી કલાકાર તરીકે તેમણે 14 વર્ષની વયે એડી ફૉયના મનોરંજન કરતા વૃંદ સાથે પ્રારંભ કર્યો. 1928 સુધીમાં તેઓ પોતાના પ્રથમ પતિ જૅક પેપરની સાથે ગીત-નૃત્યકારની બેલડી તરીકે મનોરંજન પીરસતાં થયાં.
રૂપેરી પડદે તેમણે અભિનય-પ્રારંભ કર્યો 1930માં ‘યંગ મૅન ઇન મૅનહટન’ ચિત્રથી. તેમણે અને ફ્રેડ ઍસ્ટરે ‘ફ્લાઇંગ ડાઉન ટુ રિયો’(1933)માં પ્રથમ વાર સાથે નૃત્ય-અભિનય કર્યો. તેમની ‘સ્ટાર’ તરીકે ગણના થતી ન હતી, પરંતુ આ ચિત્રમાં તે મેદાન મારી ગયાં અને બીજાં 9 ચિત્રોમાં પ્રશંસનીય અભિનય આપ્યો.
1940માં ‘કિટી ફૉઇલ’ માટે તેમને શ્રેષ્ઠ અભિનેત્રી તરીકેનો ઑસ્કર ઍવૉર્ડ અપાયો. 1960ના મધ્ય દાયકા સુધી તેઓ ફિલ્મોમાં અભિનય આપતાં રહ્યાં. ત્યારપછી ‘હેલૉ, ડૉલી ! ઍન્ડ મૅમ’ જેવાં સંગીતપ્રધાન ચિત્રોમાં તેઓ મુખ્ય અભિનેત્રી તરીકે અભિનય આપી નૂતન રુચિ ધરાવતા પ્રેક્ષકવર્ગને પણ પ્રસન્ન કરતાં રહ્યાં.
મહેશ ચોકસી