રૉજર્સ ઘાટ

January, 2004

રૉજર્સ ઘાટ : કૅનેડાના બ્રિટિશ કોલંબિયામાં આવેલો ઘાટ. તે બ્રિટિશ કોલંબિયાના અગ્નિ ભાગમાં ગ્લેશિયર નૅશનલ પાર્કમાં હર્મિટ અને સેલકર્ક પર્વતોની સર ડોનાલ્ડ હારમાળા વચ્ચે 1,327 મીટરની ઊંચાઈ પર આવેલો છે. 148 કિમી. લંબાઈવાળો કૅનેડિયન પેસિફિક રેલમાર્ગ આ ઘાટમાંથી પસાર થાય તે રીતે તૈયાર કરવાનો હતો ત્યારે 1881માં એ. બી. રૉજર્સ આ ભાગમાં તેની યોગ્યાયોગ્યતાની તપાસ કરવા માટે ફરી વળેલા. જ્યારે અહીં રેલમાર્ગ માટે તૈયારી થઈ રહી હતી ત્યારે આ ભાગના ઉગ્ર ઢોળાવ પરથી હિમપાતથી ઘણા શ્રમિકો માર્યા ગયા હતા. આથી અહીં 1916માં 8 કિમી. લાંબું ‘કોનાટા બોગદું’ બાંધવામાં આવેલું. તે પછી રૉજર્સ ઘાટના ટ્રાન્સ-કૅનેડા ધોરી માર્ગના રમણીય વિભાગને બરફથી આરક્ષિત કરવામાં આવેલો છે. આ ઘાટનું બાંધકામ 1962માં પૂરું કરવામાં આવેલું.

જાહ્વવી ભટ્ટ