કેતકી : એકદળી વર્ગમાં આવેલા એગેવૅસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Agave cantala Roxb. syn A. vivipara Dalz. & Gibs. (સં. વનકેતકી; મ. કેતકી, ઘાયપાત; મલા. યેરોપકૈત; અં. કૅન્ટાલા, બૉમ્બેએલો) છે. તે એક મોટી મજબૂત બહુવર્ષાયુ શાકીય મેક્સિકોની મૂલનિવાસી વનસ્પતિ છે, અને ભારતના ઘણા ભાગોમાં પ્રાકૃતિક નિવાસ કરતી (naturalized) થઈ છે. તેનાં મૂળપર્ણો (radical leaves) લાંબાં, પહોળાં, જાડાં અને વજનદાર હોય છે. તેઓ સંપુંજિત (massive) પર્ણસમૂહ ધરાવે છે. તેમનો ઉપરનો ભાગ પ્રતિવક્રિત (recurved) હોય છે. તેમની પર્ણકિનારી અને પર્ણાગ્ર કંટકીય (1-2 સેમી. લાંબા અંકુશાકારના કાંટા) હોય છે. પુષ્પનિર્માણ જીવન દરમિયાન એક જ વાર, ઘણાં વર્ષે 3 મી.થી 6 મી. ઊંચા અને મજબૂત પ્રવૃંત (scape) પર થાય છે. પુષ્પો પીળાશ પડતાં લીલાં હોય છે અને મોટાં નિપત્રો (bracts) ધરાવે છે, તેઓ પ્રવૃંતની આડી-વિકસતી શાખાઓ પર લઘુપુષ્પગુચ્છ (paricle) સ્વરૂપે ઉત્પન્ન થાય છે. કેટલીક પુષ્પીય કલિકાઓ ખોરાકસંગ્રહ કરી પ્રકલિકાઓ(bulbils)માં રૂપાંતર પામે છે. તે પ્રમાણમાં સારી મૃદા પર 100થી 250 સેમી. વરસાદ થતો હોય ત્યાં થાય છે.
પર્ણો વજનના 3-0-4.5 % જેટલો રેસો ઉત્પન્ન કરે છે. પ્રતિ હેક્ટર 6-4 ટનનું ઉત્પાદન થાય છે. કંકરિત (laterite) મૃદાવાળા પ્રદેશોમાં પ્રથમ ત્રણ વર્ષ શુષ્ક રેસો આપે છે. મહારાષ્ટ્રમાં કૅન્ટાલા રેસાનું વ્યાપારિક ધોરણે સડા (rotting) દ્વારા નિષ્કર્ષણ કરવામાં આવે છે. યાંત્રિક રીતે કોહવાડાયેલો રેસો વધારે સૂક્ષ્મ હોવા છતાં સીસલ કરતાં ઓછું તનન (tensile) ધરાવે છે. તેનો ઉપયોગ દોરડાં, સાદડી, જાળી વગેરે બનાવવામાં થાય છે.
કૅન્ટાલા રેસો સામાન્ય રીતે સ્વચ્છ અને સફેદ હોય છે, જ્યારે સીસલ રેસો આછા પીળા રંગનો હોય છે. પર્ણોમાં હેકોજેનિન હોય છે. રેસાનો કચરો હેકોજેનિન અને મીણ ધરાવે છે. તેનો ઉપયોગ મીણના અલગીકરણ માટે થઈ શકે છે.
આયુર્વેદ અનુસાર તેનો ઉપયોગ કંડૂ અને મૂસળિયા (ઊલટી અને ઝાડા) પર થાય છે.
આ પ્રજાતિનાં પર્ણો રેસા ઉત્પન્ન કરે છે. A. cantala Rroxb., A. sisalana Perr. ex Engelm અને A. vera-cruz mill ભારતમાં રેલવેની પાળ બાંધવા માટે અને રસ્તાની બંને બાજુએ વાડ બનાવવા માટે અને ભૂક્ષરણ અટકાવવા માટે તેમને ઉગાડવામાં આવે છે. આ પ્રજાતિની જાતિઓ શુષ્ક અને સારા નિતારવાળી રેતાળ-ગોરાડુ મૃદામાં ઊગી શકે છે.
ઍગેવનો રેસો અગત્યનો કઠણ રેસો છે અને દોરી તથા દોરડાં બનાવવામાં ઉપયોગી છે. ટૂંકા રેસા સાવરણી અને બ્રશ બનાવવા વપરાય છે. સીસલ રેસો દરિયાઈ દોરડાં બનાવવા માટે અનુકૂળ ગણાય છે અને તે મનીલા શણ(Musa textilis Nees)ના રેસા જેટલો ટકાઉ હોય છે. તેમનો બંધક (binder) તરીકે, માછીમારી માટેની જાળ, પગલૂછણિયાં, ગાદલાં, શેતરંજી વગેરે બનાવવામાં ઉપયોગ થાય છે. સીસલ રેસો જાડું કાપડ બનાવવામાં ઉપયોગી છે. પર્ણોના નિર્વલ્કન (decortication) પછી બાકી અવશેષનો ઉપયોગ કાગળ અને તેનાં બૉર્ડ બનાવવામાં થાય છે.
A. americana Linn. (વિલાયતી કેતકી, જંગલી કુંવાર) ના મૂળનો ક્વાથ ગરમી(ઉપદંશ)ની બીજી અવસ્થામાં રક્તશુદ્ધિ માટે ઉપયોગમાં લેવામાં આવે છે. પર્ણનો રસ ઉપદંશ, ગંડમાળ અને પરમા પર આપવામાં આવે છે. પરમા પર સાકર મેળવીને આપવામાં આવે છે. પર્ણનો રસ રક્તપિત્તમાં અતિલાભદાયી છે. તેનાં પાનની પોટીસ આંખ આવવા પર બાંધવામાં આવે છે. તેનાં પર્ણોનો રેચક અને આર્તવપ્રેરક (emmenagogue) તરીકે તેમજ સ્કર્વીમાં ઉપયોગ થાય છે. તે ઉપદંશ (syphilis), કંઠમાળ (scrofula) અને કૅન્સરમાં શામક (resolvent) તરીકે વપરાય છે. પર્ણોનો નિષ્કર્ષ ડીટરજંટ તરીકે ઉપયોગી છે. તેના પર્ણમાંથી કડવું અબાષ્પશીલ તેલ પ્રાપ્ત થાય છે; જે ભીંતપત્રો અને પ્લાસ્ટર માટે તથા ઊધઈ-સહ (white and proof) તરીકે ઉપયોગી છે. તેનાં મૂળ મૂત્રલ, સ્વેદક અને પ્રતિ-ઉપદંશીય (anti-syphilitic) ગુણધર્મો ધરાવે છે. તે એક સ્ફટિકમય સેપોનિન ધરાવે છે.
પર્ણોમાં 10 પ્રકારના સ્ટીરૉઇડીય સેપોનિન હોય છે, જેમને ઍગેવેસેપોનિન A, B, C, C’, D, E, F, G, H અને 1 કહે છે. સેપોનિનના જલાપઘટન(hydrolysis)થી એક એગ્લાયકોન, હેકોજેનિન ઉત્પન્ન થાય છે. પર્ણોમાં ગ્લુકોઝ, ગેલેક્ટોઝ, રહેમ્નોઝ અને ઝાયલોઝ નામની શર્કરાઓ હોય છે. વળી, પર્ણો ક્લોરોજેનિન, રોકોજેનિન, ટિગોજેનિન, ડીહાઇડ્રોહેકોજેનિન અને પિસ્કિડિક ઍસિડ ધરાવે છે.
ખીલતો પુષ્પવિન્યાસ મોટા જથ્થામાં રસનો સ્રાવ કરે છે. તેના આથવણથી ‘પૂલ્ક’ (pulaue) પ્રાપ્ત થાય છે, જે મૅક્સિકોનું રાષ્ટ્રીય પીણું છે. નિસ્યંદિત મદ્યને ‘મૅસ્કાલ’ કહે છે. પુષ્પમાં ક્લૉરોજેનિન, કૅમ્પ્ફેરોલ-3-ગ્લુકોસાઇડ અને કૅમ્પ્ફેરોલ-3માં રુટિનોસાઇડ હોય છે. બીજ નિયોટીનગો-જેનિન, હેકોજેનિન અને કેમોજેનિન હોય છે.
વનસ્પતિનો મત્સ્યવિષ તરીકે અને તેનો અંતર્ભાગ (core) જ્વરઘ્ન તરીકે વપરાય છે. તેનો ઉપયોગ પ્રતિરોધી (antiseptic) તરીકે થાય છે. તે જલોદર (ascites) Drum વ્રણ અને મરડામાં ઉપયોગી છે.
મ. ઝ. શાહ
ચંદ્રકુમાર કાંતિલાલ શાહ
બળદેવભાઈ પટેલ