કેતુ (ગ્રહ)

January, 2008

કેતુ (ગ્રહ) : નવગ્રહોમાંનો એ નામનો એક ગ્રહ. એના રથને લાખના રંગના આઠ ઘોડા ખેંચે છે. જ્યોતિશાસ્ત્રના અનુસાર તે પ્રત્યેક સંક્રાંતિએ સૂર્યને ગ્રસે છે. કેતુના સ્વરૂપ અંગેની પૌરાણિક કથા પ્રસિદ્ધ છે. તદનુસાર સમુદ્રમંથનમાંથી પ્રાપ્ત થયેલ અમૃતને પીવા માટે બધા દેવો અને દાનવો પોતપોતાની પંક્તિમાં બેસી ગયા. ત્યારે અમરત્વની ઇચ્છાથી કેતુ પણ ચૂપચાપ દેવતાઓની પંક્તિમાં બેસી ગયો પરંતુ સૂર્ય અને ચંદ્રે તેને ઓળખી લઈને તેના રહસ્યને ખુલ્લું કરી દીધું. આથી વિષ્ણુએ તુરત જ કેતુનું મસ્તક છેદી નાખ્યું પરંતુ અમૃત એના ગળામાં ઊતરી ચૂક્યું હતું. પરિણામે કપાયેલું મસ્તક હોવા છતાં તેનું શિર અને ધડ અલગ અલગપણે પણ જીવંત રહ્યાં. શિરવાળો ભાગ રાહુ કહેવાયો અને ધડવાળો ભાગ કેતુ તરીકે ઓળખાયો. સૂર્ય અને ચંદ્ર સાથેનું વેર વાળવા માટે રાહુ અને કેતુ એમને ગ્રસતા હોઈને જ્યોતિષશાસ્ત્રમાં એ બંનેને પાપગ્રહ ગણવામાં આવે છે. જ્યોતિષમાં વિંશોત્તરીની ગણના અનુસાર કેતુની દશાનું ફળ સાત વર્ષનું ગણાય છે. કેતુની માતાનું નામ સિંહિકા હતું અને એના પિતા તરીકે કશ્યપ કે અવાંતરથી દનુનું નામ અપાય છે.

પ્રવીણચંદ્ર પરીખ