કેતકર, શ્રીધર વ્યંકટેશ (જ. 2 ફેબ્રુઆરી 1884, રાયપુર, મધ્યપ્રદેશ; અ. 10 એપ્રિલ 1937, પુણે) : પ્રસિદ્ધ પ્રાચ્યવિદ્યાવિદ્, જ્ઞાનકોશકાર, અર્થશાસ્ત્રજ્ઞ, ઇતિહાસકાર અને મરાઠી નવલકથાકાર. મૂળ વતન કોંકણના દાભોળ નજીક અંજનવેલ. તેમના જન્મ પૂર્વે કેતકર કુટુંબ વિદર્ભના અમરાવતી ગામે સ્થળાંતર કરી ગયેલું. તેમના દાદા જૂના ગ્રંથોની નકલો કરીને ગામેગામ વેચતા. તેમના પિતા ટપાલખાતામાં હતા. માતાપિતાનું અકાળ અવસાન થવાથી કાકાના આશ્રયે તેમનો ઉછેર થયો હતો. તેમનું મૅટ્રિક સુધીનું શિક્ષણ અમરાવતી ખાતે થયું હતું. 1900 પછી તે મુંબઈની વિલ્સન કૉલેજમાં જોડાયા. રસ પડે તેવા વિષયો પ્રત્યે વધુ આકર્ષણ હોવાથી તેમજ લશ્કરની તાલીમ લઈ વિદેશી સત્તાને ભારતમાંથી હાંકી કાઢવાના વિચારો સતત સતાવતા હોવાથી કૉલેજનો અભ્યાસ પડતો મૂકીને 1906માં અમેરિકા ગયા. ત્યાં પાંચ વર્ષના વસવાટ દરમિયાન તેમણે કાર્નેલ વિશ્વવિદ્યાલયમાંથી સમાજશાસ્ત્ર તથા રાજ્યશાસ્ત્ર વિષયો સાથે બી.એ., એમ.એ. તથા પીએચ.ડી.ની પદવીઓ પ્રાપ્ત કરી. સમાજશાસ્ત્રના અભ્યાસને પૂરક ગણાય તેવા ભૂસ્તરશાસ્ત્ર, પ્રાણીશાસ્ત્ર, ઇતિહાસ અને પુરાતત્વ તથા ગ્રંથશાસ્ત્ર જેવા વિષયોની પ્રાથમિક માહિતી પ્રાપ્ત કરી. તેમણે ‘ભારતની જ્ઞાતિસંસ્થાનો ઇતિહાસ’ વિષય પર મહાનિબંધ લખીને 1911માં ડૉક્ટરેટની પદવી પ્રાપ્ત કરી હતી 1909માં ‘હિસ્ટરી ઑવ્ કાસ્ટ’નો તેમનો પ્રથમ ખંડ પ્રકાશિત થયો. ‘ધ હિસ્ટરી ઑવ્ કાસ્ટ ઇન ઇન્ડિયા’, ખંડ બીજો અથવા ‘ઍન એસે ઑન હિંદુઇઝમ, ઇટ્સ ફૉર્મેશન ઍન્ડ ફ્યૂચર’(1911)માં વિશ્વએકતાનું ભાવિ શાસ્ત્રશુદ્ધ રીતે તેમણે નિરૂપ્યું છે. અવરજવરના માર્ગો તથા વાહનવ્યવહારનાં સાધનોના વિકાસ સાથે પૂર્વ અને પશ્ચિમના દેશો વચ્ચે હાલ જે ચાલતા આદાનપ્રદાનમાં કાળક્રમે વધારો થશે અને તેને પરિણામે વિશ્વભરના માનવીઓની સમાન સંસ્કૃતિનો સંયુક્ત વિકાસ થશે અને તેમાંથી જ એક સમાજની રચના થશે તેવી શ્રદ્ધા તેમણે દર્શાવી છે.
1911-12 દરમિયાન તે ઇંગ્લૅન્ડમાં રહ્યા. ત્યાં શરૂઆતમાં તેમણે છાપામાં ગ્રંથોનાં અવલોકનો લખ્યાં. ઇંગ્લૅન્ડમાં ‘એનસાઇક્લોપીડિયા બ્રિટાનિકા’ના કેટલાક લેખકો સાથે તેમને પરિચય થયો અને તેના કામકાજથી તે પરિચિત થયા. લંડનમાં એડિથ કોહેન નામનાં એક વિદ્યાપ્રેમી અને ભારતપ્રેમી મહિલા સાથે પરિચય થયો જે પાછળથી લગ્નમાં પરિણમ્યો.
પરદેશના વસવાટ દરમિયાન અધ્યયન, ચિંતન અને નિરીક્ષણમાંથી જે જ્ઞાન અને અનુભવ પ્રાપ્ત કર્યાં તેનો ઉપયોગ પોતાના દેશ માટે કરવો જોઈએ એવા ઉમંગ સાથે તે ભારત પાછા ફર્યા. નવા વિચારો અને જૂની સંસ્કૃતિ તરફ જોવાની સમષ્ટિ, જૂની સંસ્કૃતિનું રૂપાંતર કરી તેને સ્વદેશી પદ્ધતિ દ્વારા અર્વાચીન સ્વરૂપ આપવું એ તેમનું સાંસ્કૃતિક ધ્યેય; દેશને બળવાન બનાવવા માટે રાષ્ટ્રીય ભાવનાના પ્રસારનું સામાજિક ધ્યેય, સુધારા કરતી વેળાએ ઇતિહાસના તથ્યમાં વિકૃતિ દાખલ ન થાય તેની સભાનતા વગેરે બાબતો અંગે તેમની પાસે સ્પષ્ટ વિચારસરણી હતી.
1913-14 દરમિયાન તેમણે કોલકાતા વિશ્વવિદ્યાલયમાં અનુસ્નાતક સ્તરે રાજ્યશાસ્ત્ર અને અર્થશાસ્ત્રનું અધ્યાપન કર્યું. ત્યાર પછી લેખન અને ગ્રંથપ્રકાશન એ જ તેમનું કાર્યક્ષેત્ર બન્યું.
વિદેશથી પાછા આવ્યા પછી તેમણે ‘કેસરી’ જેવાં મરાઠી વૃત્તપત્રોમાં લેખો લખવાનું કાર્ય આરંભ્યું અને ટૂંક સમયમાં જ સ્વતંત્ર વૃત્તિના અને નવી શૈલી ધરાવતા લેખક તરીકે નામના મેળવી.
1914માં રાષ્ટ્રીય મહાસભાના ચેન્નાઈ (મદ્રાસ) ખાતે ભરાયેલા અધિવેશનમાં તેમણે ભાષાવાર પ્રાંતરચનાની તથા પ્રાંતોનો વહીવટ પ્રાંતીય ભાષામાં જ થવો જોઈએ તેવી રજૂઆત કરી. ત્યાંથી તે શ્રીલંકા ગયા. ત્યાંની મિશ્ર સમાજવ્યવસ્થાનું ઝીણવટથી અધ્યયન કર્યું. ત્યાંથી પાછા આવ્યા પછી દક્ષિણ ભારતનાં ઘણાં નગરોમાં વ્યાખ્યાનો આપ્યાં અને આંધ્રમાં ‘રાષ્ટ્રધર્મ પ્રચારક સંઘ’ની સ્થાપના કરી. આ પ્રવાસ દરમિયાન ‘આંધ્ર વિજ્ઞાનસર્વસ્વમ્’ નામનો જ્ઞાનકોશ તૈયાર કરનાર લક્ષ્મીપતિ નામના વિદ્વાન સાથે પરિચય થતાં મરાઠીમાં પણ આવો જ્ઞાનકોશ તૈયાર કરવા નાગપુર અને પુણેના વિદ્વાનો સાથે તેમણે વિચારવિનિમય કર્યો. લોકમાન્ય ટિળકે તેમને આ કાર્ય માટે પ્રોત્સાહન આપ્યું. 1916માં કેતકરે આ કાર્ય માટે નાગપુર ખાતે ‘મહારાષ્ટ્રીય જ્ઞાનકોશ મંડળ લિ.’ નામની કંપનીની સ્થાપના કરી અને લોકાશ્રયના જોરે આ મહાન કાર્યની શરૂઆત કરી. 1919માં તેનું કાર્યાલય પુણે ખાતે ખસેડવામાં આવ્યું.
જ્ઞાનકોશ પ્રકલ્પનો મુખ્ય ઉદ્દેશ લોકો સુધી નવું જ્ઞાન અને નવી ર્દષ્ટિ પહોંચાડવાનો હતો. તેના ચાર ખંડો અને ત્રેવીસ ભાગ 1920-29ના ગાળામાં પ્રસિદ્ધ થયા. ‘જ્ઞાનકોશ’માં તેના વહીવટી તથા નાણાકીય પાસા તરફ તેમને વધુ ધ્યાન આપવું પડ્યું હતું. દરેક ગ્રંથની મનનીય પ્રસ્તાવના તેમણે લખી છે, તેમણે તૈયાર કરેલા વિદ્વાનો અને કાર્યકરોએ તેમની પછી પણ તેમનું કાર્ય ચાલુ રાખ્યું હતું. મરાઠી જ્ઞાનકોશ પૂરો કર્યા પછી તેમણે ગુજરાતી જ્ઞાનકોશ તૈયાર કરવાની યોજના ઘડેલી, તેનો પ્રથમ ગ્રંથ 1929માં બહાર પડેલો. દુર્ભાગ્યે બે ગ્રંથથી આગળ તેનું કામ ચાલ્યું નહિ.
જ્ઞાનકોશના કાર્યની સાથોસાથ કેતકરે ‘વિદ્યાસેવક’ નામનું માસિક શરૂ કર્યું હતું. તેમાં મૌલિક અને જ્ઞાનપ્રચુર લેખો, નવલકથાઓ અને વાર્તાઓ અજ્ઞાત, સહૃદય અને ગોવિંદપૌત્ર વગેરે તખલ્લુસથી લખ્યાં હતાં.
તેમની સાત નવલકથાઓ, બે પ્રબંધો, તેમનું આત્મચરિત્ર, નવલિકાસંગ્રહો અને નિબંધસંગ્રહો પ્રકાશિત થયાં છે. સમાજશાસ્ત્રીય ર્દષ્ટિકોણથી મરાઠી ભાષામાં નવલકથાઓ લખનારા તે આદ્યલેખક ગણાય છે. ‘પ્રાચીન મહારાષ્ટ્ર શાતવાહન પર્વ’ ઇતિહાસ-સંશોધન અંગેનો તેમનો મહત્વનો ગ્રંથ છે. તેના ત્રણ આયોજિત ખંડોને બદલે માત્ર બે જ ખંડો પ્રકાશિત થયા હતા, જેમાંનો એક મરણોત્તર પ્રકાશિત થયો હતો. પછી આવનાર ઇતિહાસકારો માટે આ ખંડો દ્વારા તેમણે એક નવા અભ્યાસક્ષેત્રનાં દ્વાર ખોલી આપ્યાં છે. મરાઠી ભાષામાં આ પ્રકારના લખાણની પહેલ કેતકરે કરી છે.
ઉષા ટાકળકર
અનુ. બાળકૃષ્ણ માધવરાવ મૂળે