કેતકર વ્યંકટેશ બાપુજી

January, 2008

કેતકર, વ્યંકટેશ બાપુજી (1854-1930) : પ્રાચીન અને પશ્ચિમી જ્યોતિષના વિદ્વાન. તેમણે મુંબઈમાં અંગ્રેજી શાળાના શિક્ષક અને આચાર્ય તરીકે ઉત્તમ સેવા આપી હતી. તેમણે સંસ્કૃત ભાષામાં ‘જ્યોતિર્ગણિત’, ‘કેતકી ગ્રહગણિત’, ‘કેતકી પરિશિષ્ટ’, ‘વૈજયન્તી’, ‘બ્રહ્મપક્ષીય તિથિગણિત’, ‘કેતકીવાસના ભાષ્ય’, ‘શાસ્ત્રશુદ્ધ પંચાંગ’, ‘અયનાંશ નિર્ણય’ તથા ‘ભૂમંડલીય સૂર્યગ્રહગણિત’ અને મરાઠીમાં ‘નક્ષત્રવિજ્ઞાન’, ‘ગ્રહગણિત’, ‘ગોલદ્વય પ્રશ્ન’, ‘ભૂમંડલીય ગણિત’ જેવા અનેક ગ્રંથો લખ્યા છે. 1890માં લખાયેલ ‘જ્યોતિર્ગણિત’માં પ્રાચીન-પશ્ચિમી ગવેષણાઓ, કોષ્ટકો, સારણીઓનો આધાર લઈને પંચાંગ ગ્રહગણિત અને નક્ષત્રોના ઉદયાસ્તની ગણિત-પદ્ધતિ આપી છે. 1896માં ‘કેતકી ગ્રહગણિત’માં આપેલી તિથિ આદિ તથા ગ્રહોની સ્પષ્ટ ગણના પર્યાપ્ત શુદ્ધ છે. અર્વાચીન પદ્ધતિવાળા માટે આ ગ્રંથ અતિ ઉપયોગી છે. ‘વૈજયન્તી’ ગ્રંથમાં પંચાંગોપયોગી તિથિ આદિ ગણનાની સારણીઓ આપેલી છે. ‘નક્ષત્રવિજ્ઞાન’માં વિવિધ પ્રકારના તારાનાં વર્ણન, સૂચિ, ભોગાંશ, શર તથા આકાશનાં માનચિત્ર આપેલાં છે. ભારતીય નક્ષત્ર જ્યોતિષનાં કેટલાંક નક્ષત્રોનાં ‘ભુજંગવારિ’ ‘ઉચ્ચૈ:શ્રવા’ અને ‘સ્વરમંડલ’ જેવાં નામ તેમણે આપ્યાં છે. 1911માં ભૂકેન્દ્રીય સૂર્યગ્રહગણિત-આધારિત નવમો ગ્રહ (પ્લૂટો) અને ત્યાર- પછીના દશમા ગ્રહ વિશે તેમણે આગાહી કરી હતી, જેમાં દશમા ગ્રહ કરતાં નવમા ગ્રહના ભારે દ્રવ્યમાનની પૂર્વધારણાને આધારે ગણિત કર્યું હતું, પણ પ્લૂટોનું કદ અને દ્રવ્યમાન બંને ખૂબ ઓછાં હોવાથી કેતકરની આગાહી સાચી પડી નથી.

ઈન્દ્રવદન વિ. ત્રિવેદી