રેન્વા, ઝ્યાં (જ. 15 સપ્ટેમ્બર 1894, પૅરિસ, ફ્રાન્સ; અ. 12 ફેબ્રુઆરી 1979, હૉલિવુડ, અમેરિકા) : પ્રયોગશીલ ચલચિત્રસર્જક, પટકથાલેખક અને અભિનેતા. પિતા : વિખ્યાત પ્રભાવવાદી ચિત્રકાર ઑગુસ્ત રેન્વા. મેધાવી પ્રતિભા ધરાવતા ઝ્યાં રેન્વાનું બાળપણ ગામડામાં વીત્યું. તેને કારણે પ્રકૃતિ પ્રત્યેનું તેમનું આકર્ષણ તેમણે બનાવેલાં ચિત્રોમાં પણ સતત પ્રતિબિંબિત થતું રહ્યું. યુવાનીમાં પગ મૂકતાં જ તેઓ ફ્રેન્ચ સૈન્યની ઘોડેસવાર પલટનમાં ભરતી થઈ ગયા. એ પછી વિમાનચાલક બન્યા. પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન ઘણી વાર ઘાયલ પણ થયા. પિતાના મૃત્યુ બાદ 1919માં તેમણે એક મૉડેલ ઍન્ડ્રી હેડાશીલિંગ સાથે લગ્ન કર્યાં. પતિપત્ની બંનેએ ચાર વર્ષ સુધી શિલ્પકલામાં કામ કર્યું. દરમિયાનમાં સિને કલા પ્રત્યે તેમની લગન વધતી ગઈ. અમેરિકન ચિત્રો  અને ખાસ તો ચાર્લી ચૅપ્લિનનો અભિનય જોઈને તેમને પણ ચલચિત્રનું નિર્માણ કરવાની ચાનક ચઢી.

ઝ્યાં રેન્વા

રેન્વાનું પ્રથમ ચિત્ર ‘નાના’નું નિર્માણ ભવ્ય રીતે કરાયું હતું, પણ આ ખર્ચાળ ચિત્ર વ્યાવસાયિક રીતે નિષ્ફળ નીવડ્યું. તે પછી 1929માં તેમણે ‘મારક્વિહા’ ચિત્રનું દિગ્દર્શન કર્યું અને ‘ધ લિટલ મૅચ ગર્લ’ તથા ‘ટાયર ઓ ફ્લાન્સ’(1928)નું નિમાર્ણ કર્યું. રેન્વાનું પ્રથમ બોલપટ ‘ઑન પર્જ બેબે’ (1931) હતું. એ જ વર્ષે તેમનાં મહાન ચિત્રો પૈકી એક ‘લા ચેઇન્ને’ પ્રદર્શિત થયું. 1932માં તેમણે વધુ એક મહાન ચિત્ર ‘બોદુ સેવ્ડ ફ્રૉમ ધ ડ્રાઉનિંગ’નું સર્જન કર્યું. આ ચિત્રમાં નાયક માઇકલ સાઇમનનો અભિનય ખૂબ નોંધપાત્ર હતો. કથા એક એવા રખડુ યુવાનની હતી, જેને એક વ્યક્તિ આપઘાત કરતાં રોકે છે. રખડુ યુવાન તેનો આભાર માનવાને બદલે એ વ્યક્તિ પર મુસીબતનો પહાડ બનીને તૂટી પડે છે.

રેન્વાને નિતનવા પ્રયોગો કરવાનો શોખ હતો. તેમની આ વિશિષ્ટતાએ અનેક યાદગાર ચિત્રો આપ્યાં છે. પ્રયોગ કરતી વખતે તેઓ વ્યાવસાયિક જોખમોની ભાગ્યે જ પરવા કરતા. 1930થી 1940 દરમિયાન તેમણે  પ્રકાશનો જરા પણ ઉપયોગ કર્યા વિના માત્ર સૂર્યપ્રકાશમાં જ કૅમેરાના એવા અદભુત પ્રયોગો કર્યા કે ચિત્રનિર્માણના ક્ષેત્રે તેઓ સીમાચિહ્ન બની ગયા છે. ‘મૅડમ બૉવેરી’માં તેમણે વાસ્તવિક ઘટનાસ્થળો અને બિનવ્યાવસાયિક કલાકારોનો ઉપયોગ કર્યો હતો. ‘ટોની’ (1935) તેમજ ખાસ ફ્રેન્ચ કૉમ્યુનિસ્ટ પક્ષ માટે બનાવેલ ‘પીપલ ઑવ્ ફ્રાન્સ’(1936)માં નવતર પ્રકારની સામાજિક નિસબત દેખાય છે. તેમની યશસ્વી પ્રતિષ્ઠાના કારણરૂપ ચિત્રો તે મૉપાસાંની વાર્તા પર આધારિત ‘એ ડે ઇન ધ કન્ટ્રી’ (1946) તથા ગૉર્કીના ‘ધ લોઅર ડેપ્થ’(1936)નું મુક્ત ભાષાંતર તથા અતિશય પ્રશંસા પામેલ ‘ગ્રાન્ડ ઇલ્યૂઝન’ (1937). ‘ગ્રાન્ડ ઇલ્યૂઝન’(1937)ની કહાણી ત્રણ ફ્રેન્ચ યુદ્ધકેદીઓ અને એ કૅમ્પના કમાન્ડરની લાગણીઓ પર આધારિત હતી. આ ચિત્ર મહાન યુદ્ધવિરોધી  ગણાય છે. 1939માં રેન્વાએ ‘રૂલ્સ ઑવ્ ધ ગેમ’નું નિર્માણ કર્યું. આ ચિત્ર પણ સિને-ઇતિહાસનાં સર્વોત્તમ ચિત્રોમાં સ્થાન પામ્યું છે.

એ પછી રેન્વા અમેરિકા જતા રહ્યા. ત્યાં તેઓ ‘ટ્વેન્ટિએથ સેન્ચુરી ફૉક્સ’ સાથે જોડાયા. ‘ધિસ લૅન્ડ ઇઝ માઇન’ (1943), ‘ડાયરી ઑવ્ અ ચેમ્બરમેઇડ’ (1946), ‘ધ વુમન ઑન ધ બીચ’ (1947) વગેરે  ચિત્રો તેમણે બનાવ્યાં. યુદ્ધનાં વર્ષો તેમણે હૉલિવુડમાં ગાળ્યાં હતાં, પરંતુ યુનાઇટેડ સ્ટેટ્સમાં બનાવેલાં ‘ધ સાઉથ એમર’ (1945) તથા ‘ધ ડાયરી ઑવ્ એ ચેમ્બરમેઇડ’ (1946) જેવાં ચલચિત્રોમાં યુદ્ધ પૂર્વેનાં ચિત્રો જેવી ઉત્તેજકતા નથી. ‘ધ સધર્નર’ (1945) ચિત્રના દિગ્દર્શન માટે તેમને ઑસ્કર ઍવૉર્ડ માટેનું નામાંકન મળ્યું હતું. એક નવલકથા પર આધારિત ચિત્ર ‘રિવર’ બનાવવા માટે રેન્વા 1950–51માં ભારત આવ્યા હતા. ભારતમાં તેમને નવો અભિગમ તથા અભિનવ તત્વદર્શન સાંપડ્યાં. આ ચિત્રની કહાણી એક એવા બ્રિટિશ પરિવારની હતી, જે ભારતમાં રહેતો હતો. આ ચિત્રમાં રંગોનો ઉપયોગ ખૂબીપૂર્વક કરવામાં આવ્યો હતો.

ત્યારબાદ તેઓ યુરોપ ગયા અને ત્યાં ‘ધ ગોલ્ડન કોચ’ (1952), ‘ફ્રેન્ચ કૅન કૅન’  તથા ‘પૅરિસ ડઝ સ્ટ્રૅન્જ થિંગ્ઝ’ (1956) જેવી તેમની પ્રૌઢતા દર્શાવતી ફિલ્મોનું નિર્માણ કર્યું, તેઓ હમેશાં મૌલિકતા અપનાવતા રહ્યા હતા. તેમણે 1959નાં ચલચિત્રોમાં ટેલિવિઝનની શૈલી પ્રયોજી હતી. તેનું નોંધપાત્ર ઉદાહરણ તે ‘પિકનિક ઑન્ ધ ગ્રાસ’. બીજા વિશ્વયુદ્ધની પશ્ચાદભૂમિકામાં યોજાયેલ તેમના છેલ્લા ચલચિત્ર ‘ધ ઇલ્યૂઝિવ કૉર્પોરલ’(1962)થી તેઓ તેમનાં અગાઉનાં ચિત્રોના વિષયો તરફ વળે છે. ફ્રાન્સના ચિત્રજગતના નવ્ય પ્રવાહ(new wave)ના 1950ના ઉત્તરાર્ધના દાયકાના દિગ્દર્શકો પર તેમનો ભારે પ્રભાવ પડ્યો હતો.

વર્ષો સુધી ચિત્રનિર્માણ અને દિગ્દર્શન સાથે સંકળાયેલા રહેલા રેન્વા 1971 સુધી સક્રિય રહ્યા હતા. 1969માં એક અમેરિકન ચિત્ર ‘ધ ક્રિશ્ચિયન લિકોરાઇસ સ્ટોર’(દિ. જેમ્સ ફ્રોલે)માં રેન્વાએ ખુદ પોતાની જ ભૂમિકા ભજવી હતી. આ  1971માં પ્રદર્શિત થયું હતું. 1969માં રેન્વાએ તેમના આખરી ચિત્રનું દિગ્દર્શન કર્યું હતું. ફ્રેન્ચ ટેલિવિઝન માટે બનાવાયેલું આ ચિત્ર ‘લ પેતિત થિયેટર ઑવ્ ઝ્યાં રેન્વા’ ત્રણ હપતામાં 1971માં રજૂ થયું હતું. 1974માં રેન્વાએ તેમની આત્મકથા ‘માય લાઇફ ઍન્ડ માય ફિલ્મ્સ’ લખી હતી. ચલચિત્રોને તેમણે આપેલા નોંધપાત્ર પ્રદાન બદલ 1975માં રેન્વાને ઑસ્કર એનાયત કરવામાં આવ્યો હતો.

હરસુખ થાનકી

મહેશ ચોકસી