રેન્વા, પિયેરે-ઓગુસ્તે (જ. 25 ફેબ્રુઆરી 1841, લિમોગે, ફ્રાન્સ; અ. 3 ડિસેમ્બર 1919, કેઇન્સ, ફ્રાન્સ) : ફ્રેન્ચ પ્રભાવવાદી (impressionist) ચિત્રકાર. પિતા દરજી હતા. 1845માં આ કુટુંબ પૅરિસ આવી વસ્યું. બાળપણથી જ ચિત્રકલાનું કૌશલ્ય દાખવતા પિતાએ રેન્વાને એક પૅાર્સલિન ફૅક્ટરીમાં તાલીમાર્થે મૂક્યો. અહીં  ઉપર ફૂલોના ગુચ્છા ચીતરવામાં રેન્વા પાવરધો થયો. આ પછી ચર્ચમાં લટકાવવા માટે સાધુઓ અને પાદરીઓ માટે ધાર્મિક વિષયો ચીતર્યાં.

આ કામમાંથી મળેલા પૈસા બચાવી પૅરિસની ઇકોલે દ બ્યુ આર્ત(Ecole des Beax Arts)માં ચિત્રકલાનું અધ્યયન કરવા માટેના સાયંવર્ગો ભર્યા. સાથે સાથે પ્રસિદ્ધ નવપ્રશિષ્ટ ચિત્રકાર આંગ્ર(Ingres)ના પૅરિસ આવી વસેલા સ્વિસ  ચાર્લ્સ ગ્લેઈરે

વૃદ્ધાવસ્થામાં રેન્વાનો ફોટોગ્રાફ

પાસે પણ તાલીમ લેવી શરૂ કરી. ગ્લેઈરેની નવપ્રશિષ્ટ રૂઢ શૈલી રેન્વાને માફક ન આવી હોવા છતાં એની પાસેથી શિસ્તબદ્ધ રીતે રેન્વા ચિત્રકલાના અને શરીરરચનાશાસ્ત્રના પાયાના સિદ્ધાંતો ગ્રહણ કરી શક્યો. ગ્લેઈરેના સ્ટુડિયોમાં બીજા ત્રણ શિષ્યો દાખલ થયા – આલ્ફ્રેડ સિસ્લે, ક્લોદ મોને અને ફ્રેડરિક બેઝિલે. આ ત્રણે સાથે રેન્વાને તુરત જ મિત્રતા થઈ ગઈ. આ ચારેયને પ્રશિષ્ટ અને પ્રાચીન વળગણોના ભારથી મુક્ત તાજી હવાએ ધબકતી નવી કલાનું સર્જન કરવાની ઝંખના થઈ. આ ચારેયને નજીક આવેલી ‘સુસી એકૅડેમી’માં ચિત્રો કરી રહેલા પૉલ સેઝાં અને કેમાઇલ પિસારો સાથે પણ દોસ્તી થઈ. સેઝાં અને પિસારો પણ પ્રશિષ્ટ અને  કલાથી વાજ આવી ગયા હતા અને નવી કલા ઝંખી રહ્યા હતા.

રેન્વાનું એક ચિત્ર : ‘લંચ ઓન ધ બોટિન્ગ પાર્ટી’

1864માં સિસ્લે, મોને અને બેઝિલે સાથે રેન્વા ફૉન્તેનેબ્લોના જંગલમાં ઊપડ્યો અને ત્યાં પ્રભાવવાદની પહેલી પૂર્વશરત રૂપે સ્ટુડિયો બહાર ખુલ્લામાં (open-air) ચિત્રકામ શરૂ થયું. જોકે ફૉન્તેનેબ્લો જંગલોએ અગાઉ પણ થિયૉડૉર રૂસો અને ઝાં ફ્રાંસ્વા મિલે જેવા બાર્બિઝોં શૈલીના ચિત્રકારોને ખુલ્લી હવામાં ચિત્રો કરવા માટે આકર્ષેલા, પણ બાર્બિઝોં ચિત્રકારો પ્રશિષ્ટ અને પ્રાચીન કલાનાં બંધનોને પૂરેપૂરા ફગાવી શકેલા નહિ.

1864થી 1874નાં દસ વરસોમાં રેન્વાની ચિત્રકલા પુખ્ત બની. પર્ણદળ, થડ, પથ્થરો, પાણી, રેતી, કપડાં પરથી પરાવર્તિત થતા સૂર્યપ્રકાશની બારીક ઋજુતાને એ કૅન્વાસ પર ઉતારવામાં સફળ થયો. તેનાં ચિત્રોમાં કથ્થાઈ ને કાળાં ધાબાં જેવા પ્રશિષ્ટ પડછાયા દૂર થયા. બાળકો, યુવતીઓ અને યુવાનોનાં હાડચામ તો એ એટલાં જીવંત ચીતરી શકતો થયો કે દર્શકને તરત જ ચિત્રિત પાત્રનાં ખુલ્લાં અંગોપાંગો પર ચીમટો ખણી લેવાની ઇચ્છા થાય ! બીજું, ઐતિહાસિક, ધાર્મિક અને પૌરાણિક વિષયોનો રેન્વાએ અન્ય પ્રભાવવાદી ચિત્રકારોની પેઠે પૂર્ણતયા ત્યાગ કર્યો. એને એક જીવંત ક્ષણના કૅન્વાસ પરના નિરૂપણમાં રસ હતો; ઐતિહાસિક, ધાર્મિક અને પૌરાણિક સંદર્ભનાં ઓઠાં વિના જિવાતા જીવનનો ધબકાર તેને રજૂ કરવો હતો.

આમ, ટૅકનિક તેમજ વિષય બંને દૃષ્ટિએ લલિત કલાઓ માટેની ફ્રાન્સની રાજ્યાશ્રિત અકાદમી ‘ઑફિશ્યલ સેલોં’એ બીજા પ્રભાવવાદી ચિત્રકારોની માફક જ રેન્વાનાં ચિત્રો પણ 1864થી 1884 લગી સ્વીકાર્યાં નહિ, પરંતુ રેન્વાનાં ચિત્રોની મોહકતા અને આકર્ષકતાને કોઈ નકારી શકે એમ નહોતું. એમાં પણ યુવતીઓનું તો તે ખૂબ માદક રીતે આલેખન કરતો હતો. ધનાઢ્ય વર્ગનાં યુવાન સ્ત્રીપુરુષો અને બાળકોનાં વ્યક્તિચિત્રો (પૉર્ટ્રેટ) અને સમૂહચિત્રો (ગ્રૂપ પૉર્ટ્રેટ્સ) કરવાની વરદી તેને સતત મળતી રહેતી. તેથી નાણાકીય ખેંચ રહી નહોતી. વળી એનાં નિસર્ગચિત્રો પણ વેચાતાં હતાં.

1881માં અને 1882માં રેન્વાએ અલ્જીરિયા અને ઇટાલીની સંખ્યાબંધ યાત્રાઓ કરી. ત્યાંની ઉષ્ણ પ્રકૃતિથી પોતે પ્રભાવિત થયો. એ જ વખતે તેને પહેલી વાર પ્રભાવવાદની બે ખામીઓ નજરમાં આવી. એક તો એ કે માનવત્વચામાં રહેલ શૃંગાર અને રેશમ જેવી માદકતા ઉપસાવવા માટે પ્રભાવવાદી ટૅકનિક પૂરતી નહોતી,  બીજું એ કે કાળા રંગને સાવ બહિષ્કૃત કરવાથી ઘણી વાર ચિત્ર નબળું પડતું હતું. આ બંને ખામીઓ દૂર કરવા માટે રેન્વાએ પ્રશિષ્ટ કલાનાં કેટલાંક તત્વો પોતાની કલામાં સામેલ કર્યાં. ઇટાલીની યાત્રા દરમિયાન તે રફાયેલ અને માઇકલૅન્જેલોની કલાથી પણ પ્રભાવિત થયો. એ જોઈ એને બીજું એક જ્ઞાન એ લાધ્યું કે પ્રભાવવાદીઓની જેમ રેખાને પૂર્ણપણે વિગલિત કરવાથી નીપજતા રંગોનાં ધાબાં કલાનો આદર્શ ન હોઈ શકે; પણ પ્રશિષ્ટ કલાની માફક ચિત્રમાં રંગ અને રેખાનું યોગ્ય સંયોજન થવું જોઈએ, જેથી ચિત્રિત આકૃતિઓને ચોક્કસ ઘાટ મળી શકે. એ જ વર્ષોમાં રેન્વાએ રેનેસાસ-ચિંતક અને ભાષ્યકાર ચેનીનો ચેનીનીએ ચિત્રકલા પર લખેલો ભાષ્ય ‘ઇલ લિબ્રો દેલ આર્તે’(Il Libro Dell ‘Arte’)નો અનુવાદ વાંચ્યો, જેમાં રેન્વાને પોતાના નવા વિચારોનું પ્રતિબિંબ મળી રહ્યું. આથી 1883માં તે બીજા પ્રભાવવાદી ચિત્રકારોથી છૂટો પડ્યો. હવે સ્વીકારેલી પ્રશિષ્ટ કલાની શિસ્તમાં પ્રભાવવાદી ચિત્રકામના મહાવરાનો યોગ થતાં રેન્વાની કલાએ તેનું શ્રેષ્ઠ સ્વરૂપ ધારણ કર્યું. 1883થી 1890 લગી તેણે દક્ષિણ ફ્રાન્સના પ્રમાણમાં હૂંફાળા પ્રદેશોમાં ભ્રમણ કર્યું. અહીંની પ્રકૃતિએ તેને ખૂબ આકર્ષ્યો, જેનું ફળ નિસર્ગચિત્રોના રૂપે મળ્યું. હવે નાણાકીય રીતે પણ તે ખૂબ સધ્ધર થયો હતો. 1890માં એલિસ શેરિગો નામની યુવતીને પરણ્યો.

1892 પછી તેની તબિયત કથળતી ગઈ. તે હવે મોટેભાગે હૂંફાળા દક્ષિણ ફ્રાન્સમાં જ રહેતો હતો. 1899માં તેણે દક્ષિણ ફ્રાન્સના કેઇન્સમાં મોટી જાગીર ખરીદી અને ત્યાં જ કાયમી વસવાટ કર્યો. 1910 પછી તો તે ચાલી પણ શકતો નહોતો. છતાં ચિત્રસર્જન તો ચાલુ જ હતું અને તેણે કામોત્તેજક નગ્ન નવયૌવનાઓ ચીતરી.

1915માં તેની પત્ની મૃત્યુ પામી. પુત્ર ઝાં બીજા વિશ્વયુદ્ધમાં ગંભીર રીતે ઘાયલ થયો. એ પુત્ર આગળ જતાં મહાન ફિલ્મદિગ્દર્શક પણ બન્યો.

અમિતાભ મડિયા