કેઇન્સ યોજના

January, 2008

કેઇન્સ યોજના : 1944માં અમેરિકાના બ્રેટન વુડ્ઝ ખાતે યોજાયેલ આંતરરાષ્ટ્રીય પરિષદમાં ઇન્ટરનૅશનલ ક્લિયરિંગ યુનિયનની સ્થાપના કરવા અંગે ઇંગ્લૅન્ડ તરફથી રજૂ કરવામાં આવેલી યોજના. આ યોજનાનો ખરડો તૈયાર કરવામાં વિશ્વવિખ્યાત અંગ્રેજ અર્થશાસ્ત્રી જે. એમ. કેઇન્સે અગત્યનો ભાગ ભજવ્યો હોવાથી તે ‘કેઇન્સ યોજના’ (Keynes Plan) તરીકે ઓળખાય છે. બીજા વિશ્વયુદ્ધ(1939-45)ની સમાપ્તિ પછીના ગાળામાં આંતરરાષ્ટ્રીય ચુકવણીની સંભવિત સમસ્યાનું નિરાકરણ શોધવા માટે આ પરિષદ યોજાઈ હતી.

કેઇન્સ યોજનાના ખરડામાં સૂચવવામાં આવ્યું હતું કે દેશની અંદર નાણાવ્યવહારની પતાવટમાં બૅન્ક અને ક્લિયરિંગ હાઉસ જે ભાગ ભજવે છે તે જ ભાગ આંતરરાષ્ટ્રીય નાણાવ્યવહારોની પતાવટમાં ઇન્ટરનૅશનલ ક્લિયરિંગ યુનિયન ભજવશે. દા.ત., આ માધ્યમ દ્વારા સભ્ય દેશો વચ્ચે વિદેશી દેવાનું હવાલા-વિતરણ (clearing) બહુદેશીય સ્તર પર કરી શકાશે. ઉપરાંત જે સભ્ય દેશો લેણદેણની તુલામાં ટૂંકા ગાળાની ખાધ ભોગવતા હોય તેમને આ સૂચિત સંસ્થા ઓવરડ્રાફ્ટની સગવડ પૂરી પાડશે તથા આંતરરાષ્ટ્રીય સ્તરે નાણાવ્યવહાર સુગમ બને તે માટે ‘બૅન્કોર’ નામનું પોતાનું અલાયદા ચલણ પ્રસારિત કરશે. પ્રારંભમાં આ ચલણ સોનાના વિનિમયદર પર આધારિત રહેશે, પરંતુ લાંબે ગાળે સોના સાથેનો તેનો સંબંધ ક્રમશ: સમાપ્ત કરવામાં આવશે અને આંતરરાષ્ટ્રીય વ્યવહારોમાં આ સૂચિત ચલણ સોનાનું સ્થાન લેશે.

પરિષદે કેઇન્સ યોજનામાં સૂચવેલ ભલામણો સ્વીકારી ન હતી. પરંતુ તેને બદલે અમેરિકા દ્વારા રજૂ કરવામાં આવેલી, મુકાબલે સૌમ્ય ગણાય તેવી યોજનાને આધારે આંતરરાષ્ટ્રીય નાણા ભંડોળ(IMF)ની સ્થાપના કરવાનો નિર્ણય લીધો હતો.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે