કેઇન્સ જ્હૉન મેનાર્ડ

January, 2008

કેઇન્સ, જ્હૉન મેનાર્ડ (જ. 5 જૂન 1883, કેમ્બ્રિજ, ઇંગ્લૅન્ડ; અ. 21 એપ્રિલ 1946, ફર્લી, સસેક્સ, ઇંગ્લૅન્ડ) : પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓની વિચારસરણીને પડકારનાર વીસમી સદીના પ્રભાવક અંગ્રેજ અર્થશાસ્ત્રી. જન્મ મધ્યમ સ્તરના કુટુંબમાં. પિતા જ્હૉન નેવિલ કેઇન્સ તર્કશાસ્ત્રી, અર્થશાસ્ત્રી અને કુશળ વહીવટકર્તા. માતા કેમ્બ્રિજ યુનિવર્સિટીનાં સ્નાતક, સમાજકલ્યાણ પ્રવૃત્તિનાં અગ્રેસર, કેમ્બ્રિજનાં મેયર અને જાણીતાં લેખિકા. જે. એમ. કેઇન્સે ગણિત, અંગ્રેજી અને શિષ્ટ સાહિત્ય જેવા વિષયોમાં પારિતોષિકો મેળવ્યાં હતાં. 1902માં કિંગ્ઝ કૉલેજ, કેમ્બ્રિજમાં દાખલ થયા. ત્યાં ગણિત, તત્વજ્ઞાન તથા અર્થશાસ્ત્રના વિષયો સાથે 1905માં પ્રથમ વર્ગમાં સ્નાતકની પદવી પ્રાપ્ત કરી. આલ્ફ્રેડ માર્શલ અને એ. સી. પિગૂ જેવા વિખ્યાત અર્થશાસ્ત્રીઓ પાસેથી અર્થશાસ્ત્રનું તલસ્પર્શી જ્ઞાન પ્રાપ્ત કરવાની તક કેઇન્સને મળી હતી (1906-1908).

જ્હૉન મેનાર્ડ કેઇન્સ

થોડો સમય ઇન્ડિયા ઑફિસ અને બ્રિટિશ ટ્રેઝરીમાં સેવાઓ આપ્યા પછી માતૃસંસ્થા કિંગ્ઝ કૉલેજમાં અર્થશાસ્ત્રના વ્યાખ્યાતા તરીકે કાર્ય કર્યું (1908-1915). દરમિયાન 1911માં વિખ્યાત ‘ઇકૉનૉમિક જર્નલ’ના તંત્રી તરીકેની જવાબદારી લઈને તે 1944 સુધી અદા કરી. 1912માં ‘રૉયલ કમિશન ઑન ઇન્ડિયન કરન્સી ઍન્ડ ફાઇનાન્સ’ના સેક્રેટરી નિમાયા.

પ્રથમ વિશ્વયુદ્ધની સમાપ્તિ પછી પૅરિસ ખાતે યોજાયેલ શાંતિ પરિષદમાં બ્રિટનના મુખ્ય વિત્તપ્રતિનિધિ તરીકે હાજરી આપી. તે પરિષદમાં જર્મની પર યુદ્ધ-નુકસાન-ભરપાઈ પેટે દંડની જે ગંજાવર રકમ લાદવામાં આવી તે યુરોપના અર્થતંત્રને છિન્નભિન્ન કરી નાખે તેવી છે, તેવો કેઇન્સનો મત હોવાથી તેમણે 1919માં ટ્રેઝરીમાંથી રાજીનામું આપ્યું. 1930માં ‘મૅકમિલન કમિટી ઑન ફાઇનાન્સ ઍન્ડ ઇન્ડસ્ટ્રી’ના સભ્ય થયા. બીજા વિશ્વયુદ્ધ (1939-45) દરમિયાન ફરી બ્રિટિશ ટ્રેઝરીમાં ઉચ્ચ હોદ્દા પર નિમાયા. 1944માં અમેરિકાના બ્રેટન વુડ્ઝ ખાતે યોજાયેલી આંતરરાષ્ટ્રીય પરિષદમાં બ્રિટનના પ્રતિનિધિમંડળ વતી તેમણે ‘કેઇન્સ યોજના’ના નામથી જાણીતો થયેલો પ્રસ્તાવ રજૂ કર્યો, જેમાં ‘ઇન્ટરનૅશનલ ક્લિયરિંગ યુનિયન’ રચવાનો પ્રસ્તાવ હતો.

અર્થશાસ્ત્રના સિદ્ધાંતોને નવો ઓપ આપવાની બાબતમાં કેઇન્સનું યોગદાન શકવર્તી ગણાય છે. પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓએ રજૂ કરેલા આર્થિક સિદ્ધાંતો અર્થતંત્રમાં પૂર્ણ રોજગારી જેવી અવાસ્તવિક ધારણાઓ પર રચાયેલા હતા અને તેથી તેના દ્વારા વાસ્તવિક આર્થિક વિશ્વની હકીકતોનું વિશ્લેષણ થઈ શકતું નથી એમ સૌપ્રથમ કેઇન્સે સ્પષ્ટ રીતે કહ્યું. એ રીતે અર્થશાસ્ત્રના સિદ્ધાંતોને વાસ્તવિક જગતના સંદર્ભમાં નવેસરથી રજૂ કરવાનું મહત્વનું કાર્ય કેઇન્સે કર્યું છે. 1936માં પ્રકાશિત થયેલા ‘ધ જનરલ થિયરી ઑવ્ ઍમ્પ્લૉયમૅન્ટ, ઇન્ટરેસ્ટ ઍન્ડ મની’ નામના ગ્રંથ દ્વારા કેઇન્સે અર્થતંત્રમાં 1929ની મહામંદી જેવી પરિસ્થિતિ હોય ત્યારે અર્થતંત્રને ફરી બેઠું કરવા માટે જાહેર બાંધકામ તથા જાહેર સેવાઓના ક્ષેત્રે સરકારે મોટા પાયા પર મૂડીરોકાણ કરીને રોજગારીની તકોનું વિસ્તરણ કરવું જોઈએ તેવો અભિગમ સૂચવ્યો છે. અર્થતંત્રમાં વ્યાજનો દર ઉત્પાદનના સ્તર દ્વારા નહિ, પરંતુ નાણાના પરિમાણ દ્વારા નિર્ધારિત થાય છે અને તેથી વ્યાજ એ કેવળ નાણાકીય બાબત છે તેવું કેઇન્સે પ્રતિપાદન કર્યું. અર્થતંત્રમાં કુલ વપરાશ, કુલ બચત, કુલ મૂડીરોકાણ, કુલ અસરકારક માગ, કુલ રોજગારી જેવાં પરિબળોના તલસ્પર્શી વિશ્લેષણ દ્વારા સમષ્ટિલક્ષી અર્થશાસ્ત્ર(macro-economics)નો પાયો સધ્ધર કરવામાં તેમનો ફાળો નોંધપાત્ર રહ્યો છે. કેઇન્સની અભિનવ આર્થિક વિચારસરણીને લીધે આર્થિક નીતિના ઘડતરમાં પણ દાયકાઓ સુધી તેમને મહત્વનું સ્થાન મળ્યું છે.

જીવનના વિશાળ સ્તરને આવરી લેતી વિવિધ પ્રવૃત્તિઓ અને વિવિધ ક્ષેત્રોમાં નોંધપાત્ર પ્રદાન કરનાર વિશ્વના સમર્થ અર્થશાસ્ત્રીઓમાં કેઇન્સનું નામ સન્માનપૂર્વક લેવાય છે. પ્રશિષ્ટ અર્થશાસ્ત્ર સંપ્રદાયના ઍડમ સ્મિથ અને સમાજવાદી આર્થિક વિચારસરણીના પ્રણેતા કાર્લ માર્ક્સના જેટલું જ મહત્વનું સ્થાન જે. એમ. કેઇન્સને મળેલું છે. 1942માં ઇંગ્લૅન્ડના સમ્રાટે ‘બૅરન કેઇન્સ ઑવ્ ટિલ્ટન’ ખિતાબ તેમને એનાયત કર્યો એટલે તે લૉર્ડ કેઇન્સ બન્યા.

તેમણે લખેલા ગ્રંથોમાં ‘ઇન્ડિયન કરન્સી ઍન્ડ ફાઇનાન્સ’ (1913); ‘ધ ઇકૉનૉમિક કૉન્સિક્વન્સિઝ ઑવ્ ધ પીસ’ (1919); ‘એ ટ્રીટાઇઝ ઑન પ્રૉબેબિલિટી’ (1921); ‘એ ટ્રૅક્ટ ઑન મૉનિટરી રિફૉર્મ’ (1923); ‘એ ટ્રીટાઇઝ ઑન મની’ (1930); ‘એસેઝ ઑન બાયૉગ્રાફી’ (1933); ‘ધ જનરલ થિયરી ઑવ્ ઍમ્પ્લૉયમૅન્ટ, ઇન્ટરેસ્ટ ઍન્ડ મની’ (1936); તથા લઘુ પુસ્તિકા ‘હાઉ ટુ પે ફૉર ધ વૉર’ (1942) નોંધપાત્ર છે. તેમાંનું ‘એ ટ્રીટાઇઝ ઑન પ્રૉબેબિલિટી’ સંખ્યાશાસ્ત્રના ક્ષેત્રમાં આગવું પ્રદાન ગણાય છે.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે