કેઇન્સવાદી અર્થશાસ્ત્ર

કેઇન્સવાદી અર્થશાસ્ત્ર : જે. એમ. કેઇન્સના નામ સાથે સંકળાયેલ આર્થિક સિદ્ધાંતોનો સમૂહ. તે મહામંદી જેવી વિશિષ્ટ પરિસ્થિતિમાં રાજ્યે કેવી આર્થિક નીતિનું અવલંબન કરવું જોઈએ તેનું વિશ્લેષણ કરે છે. લૉર્ડ જે. એમ. કેઇન્સે ‘ધ જનરલ થિયરી ઑવ્ ઍમ્પ્લૉયમૅન્ટ, ઇન્ટરેસ્ટ ઍન્ડ મની’ એ ગ્રંથ દ્વારા વિશ્વની આર્થિક વિચારધારામાં એક ક્રાંતિ સર્જી અને તેથી જ તેમના વિચારોને નવ્ય અર્થશાસ્ત્ર તરીકે નવાજવામાં આવે છે. પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓ મુક્ત સાહસમાં માનતા હતા. તેમનું મંતવ્ય એ હતું કે સમય અને કુદરત આપોઆપ લાંબે-ગાળે સમૃદ્ધિને પુન:સ્થાપિત કરી શકે છે; તે માટે સરકારના હસ્તક્ષેપની જરૂર નથી. તેમની માન્યતા પ્રમાણે જો બધા સ્પર્ધાત્મક બજારની શિસ્ત સ્વીકારે તો કોઈ પણ પ્રકારની મંદીમાંથી ત્વરિત સુધારણા તેમજ સમૃદ્ધિ અને ઊંચા વેતનદરો પુન:સ્થાપિત કરવાનું શક્ય હોય છે. ફ્રેન્ચ અર્થશાસ્ત્રી જે. બી. સેના નિયમને આધારે અર્થતંત્રમાં પૂર્ણ રોજગારી આપોઆપ સ્થપાતી હોય છે, તેવી વિચારધારા પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓ ધરાવતા હતા.

1929ની વિશ્વવ્યાપી મહામંદીનો અનુભવ ઉપર દર્શાવેલી માન્યતાઓથી વિરુદ્ધ જતો હતો. કેઇન્સે ઉપર દર્શાવેલ તેમના ગ્રંથમાં પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓની આ માન્યતાઓને જબરદસ્ત આંચકો આપ્યો. કેઇન્સે તેમના રોજગારીના સિદ્ધાંતોને અર્થહીન ઠરાવ્યા. તેમણે કહ્યું કે અપૂરતી માગને કારણે જ મંદી તથા બેકારી તથા સસ્તા નાણાની નીતિ કારગત નીવડતી હોતી નથી. મંદી તથા બેકારી નિવારવા માટે રાજકોષીય નીતિ જ ઉપયોગી સાધન બની શકે છે એમ તેમણે પ્રતિપાદન કર્યું.

કેઇન્સની વિચારક્રાંતિનાં ત્રણ મુખ્ય પાસાં (1) રોજગારીનો સિદ્ધાંત, (2) વ્યાજનો સિદ્ધાંત, તથા (3) વેતનનો સિદ્ધાંત. કેઇન્સે એવું પ્રતિપાદિત કર્યું કે રોજગારી માગની સપાટી પર અવલંબે છે અને તેના બે મુખ્ય ઘટકો ઉપભોગવૃત્તિ (propensity to consume) અને મૂડીરોકાણ (investment) છે. વિકસિત દેશોમાં જ્યારે અર્થતંત્રમાં પૂર્ણ રોજગારી પ્રવર્તમાન હોય ત્યારે લોકો બચત કરતા હોય તે રોકાણ કરતાં વિશેષ હોય છે. આ પરિસ્થિતિમાં પૂર્ણ રોજગારી ટકાવવા માટે આવશ્યક કરતાં ખરેખરી કુલ માગ અપૂરતી સાબિત થાય છે. આ કારણે જ મંદી અને બેકારી સર્જાતી હોય છે અને નીચી આવક તથા અપૂર્ણ રોજગારીની સપાટીએ જ્યારે બચતો તથા રોકાણ સરખાં બની રહે ત્યારે નવી સમતુલા સ્થપાતી હોય છે.

કેઇન્સે એવી રજૂઆત કરી કે રોકાણ જ આર્થિક પ્રવૃત્તિની સપાટીને નિર્ણીત કરનારું મુખ્ય પરિબળ છે. જ્યારે અપેક્ષિત નફા દ્વારા પ્રેરિત ખાનગી રોકાણ અપર્યાપ્ત સાબિત થાય ત્યારે સરકાર જાહેર રોકાણમાં વૃદ્ધિ કરીને જ ચીજવસ્તુઓ અને સેવાઓની માગ પર સીધી રીતે અસર કરી શકે છે. બીજું, જાહેર રોકાણ ખાનગી રોકાણ પર વિપરીત અસર પાડશે નહિ, બલકે તે ખાનગી રોકાણને પ્રોત્સાહિત કરશે. જાહેર રોકાણથી જે આવકો અને તેના ફલસ્વરૂપે જે ઉપભોગખર્ચ વધશે તે ખાનગી રોકાણને નવું બળ પૂરું પાડશે. જાહેર રોકાણની તુલનામાં સમગ્ર માગની વૃદ્ધિ અનેકગણી હોય છે અને બંને વચ્ચેના આ સંબંધને કેઇન્સે ગુણક(multiplier)ના ખ્યાલ વડે રજૂ કરેલ છે.

પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓ એવી માન્યતા ધરાવતા હતા કે જ્યારે રોકાણવૃત્તિ કરતાં બચત વધારે હોય ત્યારે વ્યાજનો દર ઘટવા લાગે છે અને વ્યાજનો નીચો દર મૂડીરોકાણને ઉત્તેજિત કરે છે. કેઇન્સે એવી વિચારધારા રજૂ કરી કે વ્યાજનો દર તો સમાજની રોકડનાણાની જરૂરિયાત તથા બૅન્કો દ્વારા રોકડનાણાના પુરવઠાની આંતરક્રિયા વડે નિર્ણીત થાય છે. કેઇન્સે એવી દલીલ કરી હતી કે બચતવૃદ્ધિ થઈ હોય તોપણ જ્યાં સુધી રોકડનાણાની માગ કરતાં પુરવઠો વધે નહિ ત્યાં સુધી વ્યાજનો દર ઘટવા પામતો નથી. આવી પરિસ્થિતિમાં બચત અને રોકાણ વચ્ચે સમતુલા વ્યાજના દરના ઘટાડા દ્વારા નહિ, પરંતુ રોજગારી આવક તથા આર્થિક પ્રવૃત્તિના ઘટાડા દ્વારા જ સ્થપાય છે. અમુક અંશે મધ્યસ્થ (Apex) બૅન્ક રોકડનાણામાં વૃદ્ધિ કરી વ્યાજના દરના ઘટાડા દ્વારા રોકાણને ઉત્તેજિત કરી શકે; પરંતુ મધ્યસ્થ બૅન્કની વ્યાજના દરને ઘટાડવાની શક્તિ સીમિત હોય છે. વળી, બહુ નીચા વ્યાજના દરે તો તરલતાની પસંદગી સંપૂર્ણ મૂલ્યસાપેક્ષ બની જતી હોય છે. બીજું, મંદીના સમયમાં જો નફાકારક રોકાણની અપેક્ષા જ ન હોય તો વ્યાજનો દર ઘટાડવામાં આવે તોપણ રોકાણને ઉત્તેજિત કરી શકાશે નહિ. આ સમયે ખાધપૂરક અંદાજપત્ર એકમાત્ર અસરકારક ઉપાય સાબિત થાય છે. પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓ અને કેઇન્સના વિચારોમાં તફાવત એ છે કે પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓ વ્યાજનો દર બજારની પ્રક્રિયા દ્વારા સ્વયં ઘટે છે તેવી માન્યતા ધરાવતા હતા, જ્યારે કેઇન્સના સિદ્ધાંતમાં તે નાણાકીય નીતિ વડે ઘટી શકે છે તેવી માન્યતા વ્યક્ત થયેલ છે. બીજું, પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓ નીચો વ્યાજનો દર રોકાણને ઉત્તેજિત કરશે તેવી માન્યતા સેવતા હતા, જ્યારે કેઇન્સ વ્યાજનો દર રોકાણ પર સાનુકૂળ અસર પાડશે તેવો વિશ્ર્વાસ ધરાવતા ન હતા.

પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓ પોતાના વેતનના દરના સિદ્ધાંતમાં વેતનના ફેરફારો વડે શ્રમની માગ તથા પુરવઠા વચ્ચે સમતુલા સ્થાપી શકાય છે તેવી માન્યતા સેવતા હતા. તેઓ માનતા હતા કે બેકારીના સમયમાં જો મજૂરસંઘો વેતનકાપને અવરોધે નહિ તો વેતનકાપ દ્વારા આપોઆપ પૂર્ણ રોજગારી સ્થપાઈ જાય. કેઇન્સ એવી માન્યતા ધરાવતા હતા કે જ્યારે ઉપભોગવૃત્તિ અને મૂડીરોકાણ ઓછાં હોય ત્યારે વેતનકાપની અપેક્ષિત અસર પડશે નહિ. સામાન્યત: વેતનકાપની સાથે સાથે ચીજવસ્તુઓના ભાવો પણ ઘટશે અને વ્યાપારી રોકાણ માટે કોઈ પ્રોત્સાહન રહેશે નહિ. કેઇન્સ તો ર્દઢપણે માનતા હતા કે વેતન ઘટાડવાથી રોજગારી વધી શકશે નહિ. જો ઉત્પાદકો ચીજવસ્તુઓ વેચી શકે તેમ ન હોય તો તેઓ વસ્તુઓ ઉત્પન્ન કરવા માટે પ્રેરાશે જ નહિ અને તેથી વેતન ગમે તેટલાં નીચાં લઈ જવામાં આવે તોપણ શ્રમજીવીઓને રોજગારી આપી શકાશે નહિ. મંદીના સમયમાં વેતનકાપની નહિ પરંતુ ક્ષતિનિવારક રાજકોષીય નીતિ જ સચોટ ઉપાય છે એમ કેઇન્સવાદનું મુખ્ય પ્રતિપાદન છે.

રજનીકાન્ત સંઘવી