કૃષ્ણા :આંધ્રપ્રદેશનો જિલ્લો. ભૌગોલિક સ્થાન : તે 16o 18′ ઉ. અ. અને 81o 13’ પૂ. રે. પર આવેલ છે. વિસ્તાર 3773 ચો. કિમી. છે. આ જિલ્લાની પૂર્વે બંગાળનો ઉપસાગર, પશ્ચિમે ગુંટુર, બાપટલા(Bapatla) અને ઉત્તરે ઈલુરુ અને એન.ટી. આર. જિલ્લા અને દક્ષિણે પણ બંગાળનો ઉપસાગર સીમા રૂપે આવેલ છે. આ જિલ્લાને 88 કિમી. લાંબો દરિયાકિનારો પ્રાપ્ત થયેલ છે.
ભૂપૃષ્ઠ : આ જિલ્લાને બે પ્રાકૃતિક વિભાગોમાં વહેંચી શકાય : ત્રિકોણપ્રદેશ અને ઊંચાણવાળી ભૂમિ. નદીખીણની આજુબાજુના તાલુકાઓનો ત્રિકોણપ્રદેશીય વિભાગમાં સમાવેશ કરેલો છે. ઊંચાણવાળી ભૂમિ દખ્ખણના ઉચ્ચપ્રદેશ તરીકે ઓળખાય છે. કોંડાપલ્લી ટેકરીઓથી બનેલી આશરે 24 કિમી. લાંબી હારમાળા નંદીગામ અને વિજયવાડા તાલુકાઓ વચ્ચે વિસ્તરેલી છે. વિજયવાડા ખાતેની ઇન્દ્રકિલાદ્રિની ટેકરીઓ પર કનકદુર્ગનું પ્રખ્યાત મંદિર આવેલું છે.
જિલ્લાનો 9% ભૂમિવિસ્તાર જંગલ-આચ્છાદિત છે. મુખ્ય જંગલ-પેદાશોમાં ઢોર માટેની ખાદ્યસામગ્રી, ઇંધન માટેનાં લાકડાં, વાડ બનાવવા માટેનાં કાંટાળાં ઝાંખરાં, પૅકિંગ માટેનાં પોચાં લાકડાં, ટોપલી માટેનો વાંસ તથા ચર્મ-ઉદ્યોગમાં ચામડાં કમાવવા માટેની છાલનો સમાવેશ થાય છે; અન્ય ગૌણ પેદાશોમાં ખાદ્ય અને અખાદ્ય ફળો, તાડ અને ખજૂરીનાં વૃક્ષો, ઘાસ (છાપરાં અને સાવરણી માટે), આમલી અને અરીઠાનો સમાવેશ થાય છે. નંદીગામ, વિજયવાડા, નુઝવીડ વગેરે મુખ્ય જંગલ આચ્છાદિત વિસ્તારો છે.
અહીં મોટા પાયા પર સિમેન્ટ કક્ષાનો તેમજ પ્રદાવક કક્ષાનો ચૂનાખડક મળે છે. આ ઉપરાંત ઓછા પ્રમાણમાં અબરખ અને ગંધકના નિક્ષેપો રહેલા છે.
જળપરિવાહ : કૃષ્ણા, મુનેરુ (મુનિયેરુ), તમિલેરુ અને બુદામેરુ અહીંની મુખ્ય નદીઓ છે. આ પૈકી ભારતની પવિત્ર ગણાતી અહીંની સૌથી મોટી નદી કૃષ્ણા છે (લંબાઈ 1280 કિમી.), ભીમા, તુંગભદ્રા અને મુસી તેની સહાયક નદીઓ છે. પૂર્વ ઘાટના પર્વતોમાં પ્રવેશ્યા બાદ તે બંગાળના ઉપસાગરમાં ઠલવાય છે.
આબોહવા : આ જિલ્લાની દક્ષિણે દરિયાકિનારો નજીક હોવાથી તે ભાગમાં સમઘાત રહે છે. જ્યારે અન્ય ભાગોમાં ઉનાળો અતિશય ગરમ (33 સે.) અને શિયાળો (25 સે.) સામાન્ય અનુભવાય છે. વાર્ષિક વરસાદ 1047 મિમી. જેટલો પડે છે. મોટે ભાગે અગ્નિદિશાના પવનો વરસાદ આપે છે.
ખેતી–પશુપાલન : જિલ્લાની જમીનો ખૂબ જ ફળદ્રૂપ છે, તેથી ખેતી લોકોનો મુખ્ય વ્યવસાય છે. ડાંગર અહીંનો મુખ્ય કૃષિપાક છે. જુવાર, મરચાં, કઠોળ અને તમાકુ અન્ય કૃષિપાકો છે. સિંચાઈની સુવિધા અહીં નહેરો, નળકૂપ અને કૂવાઓ દ્વારા પૂરી પાડવામાં આવે છે. કાળી કપાસની જમીનનું પ્રમાણ આશરે 58% જ્યારે કાંપવાળી રેતાળ જમીન 22% જેટલી છે. કેરી, ટમેટા અને શાકભાજીની ખેતી મુખ્ય છે.
આંધ્રપ્રદેશમાં આ જિલ્લો પશુધનની બાબતમાં ખૂબ જ સમૃદ્ધ છે. દૂધ, દૂધની પેદાશો (પાઉડર) અને ઘીનું ઉત્પાદન લેવાય છે. મરઘાં-બતકાં અને મત્સ્યઉછેર પણ થાય છે.
ઉદ્યોગ–વેપાર : આ જિલ્લાના મુખ્ય ઉદ્યોગોમાં ગુંટુંપલ્લી બ્રૉડગેજ રેલવે વૅગન વર્કશૉપ, જૂની બસોના સમારકામ માટેની આર.ટી.સી. રિજિયોનલ વર્કશૉપ, ઑટોમોબાઇલ ઔદ્યોગિક સેવા આપતું દેશનું એકમાત્ર મહત્વનું ગણાતું જવાહર ઑટોનગર, હેવી એંજિનિયરિંગ મશીનરી ઇન્ડસ્ટ્રી(કાગળ, સિમેન્ટ, કાપડ, ચામડાં જેવા ઉદ્યોગોની મશીનરી)નો સમાવેશ થાય છે. આ ઉપરાંત સુપરફૉસ્ફેટ, ગંધકનો તેજાબ અને CO2 વાયુનું ઉત્પાદન કરતું ક્રિષ્ણા ઇન્ડસ્ટ્રિયલ કૉર્પોરેશન લિ. પણ આ જિલ્લામાં આવેલું છે.
અહીંની મોટી ઔદ્યોગિક વસાહતમાં પ્લાસ્ટિક, સ્ટેઇનલેસ સ્ટીલની ચીજવસ્તુઓ, ઍલ્યુમિનિયમની ચીજવસ્તુઓ, ઑઇલ એંજિનો તથા રંગોનું ઉત્પાદન પણ લેવાય છે.
પરિવહન : આ જિલ્લામાંથી NH 65–પૂનાથી મછલીપટ્ટનમ્, NH 216–ઓંગોલેથી કાથીપૂડીનો સાંકળતો મુખ્ય રસ્તો પસાર થાય છે. આશરે 4,000 કિમી.ની લંબાઈના માર્ગો આવેલા છે. જ્યારે રેલમાર્ગોની લંબાઈ 97 કિમી. છે. ગુડીવાડા અને વિજયવાડા મુખ્ય રેલમાર્ગનાં જંકશન છે; જે દિલ્હી, કૉલકાતા, ચેન્નાઈ, હુબલી વગેરે સ્ટેશનો સાથે સંકળાયેલ છે. મછલીપટ્ટનમ્ એક નાનું બંદર છે. ગન્નાવરમ્ નજીક વિજયવાડા આંતરરાષ્ટ્રીય હવાઈ મથક આવેલું છે, જે મછલીપટ્ટનમ્ થી 68 કિમી. દૂર છે.
પ્રવાસન : આ જિલ્લામાં અનેક પ્રવાસન કેન્દ્રો આવેલાં છે. જેમાં કોલેરુ મીઠા પાણીનું સરોવર, માંગીનાપુડી કુદરતી રેતીપટ, ઘન્ટશાલા, બૌદ્ધ મઠ, ગુંડીવાડા જૈન દેરાસર, કુમશાલાદેવી જ્યાં કૃષ્ણા નદીનું મુખ આવેલું છે. શ્રીકાકુલમ્ – આંધ્ર રાજાઓનું પાટનગર વગેરે મુખ્ય છે.
વસ્તી : કૃષ્ણા જિલ્લાની વસ્તી આશરે 48,90,000 (2024) છે. હિન્દુ વસ્તીનું પ્રમાણ આશરે 90% છે. આ સિવાય ઇસ્લામ અને ખ્રિસ્તી ધર્મી લોકો પણ વસે છે. તેલુગુ ભાષા અહીંની મુખ્ય ભાષા છે. આશરે 93% લોકો આ ભાષાનો ઉપયોગ કરે છે. આ જિલ્લામાં સાક્ષરતાનું પ્રમાણ 62% જેટલું છે. અહીં પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચશિક્ષણની સંસ્થાઓ આવેલી છે. ગ્રામીણ વિસ્તારોમાં પ્રાથમિક સ્વાસ્થ્ય કેન્દ્રો આવેલાં છે. વહીવટી સુગમતાને લક્ષમાં રાખીને 26 તાલુકાઓમાં આ જિલ્લાને વહેંચવામાં આવ્યો છે.
ગિરીશભાઈ પંડ્યા
નીતિન કોઠારી