કૃષ્ણા કન્વલ

January, 2008

કૃષ્ણા, કન્વલ (જ. 1910, મૉન્ટ્ગોમેરી, પંજાબ, ભારત) : આધુનિક ભારતીય ચિત્રકાર. બાળપણ પંજાબનાં ખેતરોમાં વીત્યું; પંજાબી લોક-સંગીતનું એમણે આકંઠ પાન કર્યું. મૅટ્રિક્યુલેશન પસાર કરીને એ ઇજનેરી વિદ્યાનો અભ્યાસ કરવા કૉલકાતા પહોંચ્યા, પરંતુ તેમાં દિલ ચોંટ્યું જ નહિ તેથી એ પડતો મૂકીને કૉલકાતાની ગવર્ન્મેન્ટ કૉલેજ ઑવ્ આર્ટમાં એ કલા-વિદ્યાર્થી તરીકે જોડાયા. આચાર્ય પર્સી બ્રાઉન, પ્રો. જે. પી. ગાંગુલી અને પ્રો. અતુલ બોઝ પાસે તેમણે કલાઅભ્યાસ આદર્યો. થોડા જ સમયમાં બ્રિટિશ શૈલીની પારદર્શક જળરંગી ચિત્રણા પર તેમણે હથોટી મેળવી લીધી અને તે દ્વારા નેપાળ, દાર્જિલિંગ, સિક્કિમ, ભુતાન અને મેઘાલયના પર્વતોનું આહલાદક આલેખન કરવું શરૂ કર્યું. વિદ્યાર્થીકાળમાં આ પ્રદેશોમાં તેમણે ખાસ્સું પરિભ્રમણ કર્યું હતું. આચાર્ય પર્સી બ્રાઉને તેમની પ્રશંસા કરી. અભ્યાસ પૂરો થયા પછી પણ કન્વલે હિમાલયના પર્વતોને ખૂંદવાનું ચાલુ રાખ્યું. તેમણે લડાખનો પ્રવાસ કર્યો હતો.

કન્વલ કૃષ્ણા

1939માં પાટોલા મહેલમાં આઠેક વરસના દલાઈ લામાના સિંહાસન આરોહણની વિધિ દરમિયાન એ પ્રસંગને ચિત્ર દ્વારા અંકિત કરી લેવા માટે કન્વલને આમંત્રણ મળ્યું. એમણે લ્હાસા ઉપરાંત તિબેટના અંતરિયાળ વિસ્તાર પણ ખૂંદ્યા અને ચીતર્યા. 1942માં તેમણે પશ્ચિમ હિમાલયની ચમ્બા, સ્પીતી અને લાહોલ ખીણો ખૂંદી અને ચીતરી. ઉપરાંત કાશ્મીરના ચિત્રાલ, મરી, સ્કાર્દુ, કાફિરીસ્તાન ધીર, હૂન્ઝા, સ્વાત, ગિલગિટ અને ખૈબરની પણ તેમણે મુલાકાત લીધી હતી. આ માટે નેફાના ગવર્નર સર જ્યૉર્જ કનિન્ગહામે તેમને આમંત્રણ આપેલું.

1941માં કન્વલે દેવયાની જાદવ નામની મહિલા-ચિત્રકાર સાથે લગ્ન કર્યું. એ જ વર્ષે બનારસ હિંદુ યુનિવર્સિટીમાં કન્વલ અને દેવયાનીનાં ચિત્રોનું સંયુક્ત પ્રદર્શન યોજાયું.

1948માં પાકિસ્તાન સાથેના યુદ્ધપ્રસંગે ભારત સરકારે ભારતીય લશ્કર સાથે કન્વલને ઝોજિલા ઘાટ મોકલ્યા અને ત્યાંનાં રણસંગ્રામનાં ચિત્રો તેમણે ચીતર્યાં. 1952માં નૉર્વેની સરકારના આમંત્રણથી તેમણે નૉર્વેમાં ઑસ્લો, સુપ્સ્બર્ગ અને ડ્રેમિન તથા સ્વીડનમાં સ્ટોકહોમમાં પોતાનાં ચિત્રોનાં વૈયક્તિક પ્રદર્શનો કર્યાં. એ જ વર્ષે ઇટાલિયન સરકારના આમંત્રણથી રોમમાં પણ તેમનું પ્રદર્શન યોજાયું. 1953માં તેમણે પૅરિસની મુલાકાત લીધી.

1953માં ભારત પાછા ફરી કન્વલે દિલ્હી ખાતેની મૉડર્ન સ્કૂલમાં કલાના અધ્યાપક તરીકે કામગીરી શરૂ કરી. ત્યારબાદ રુમાનિયા, જર્મની, પોલૅન્ડ, બ્રિટન અને અમેરિકાનાં કેટલાંક નગરોમાં તેમનાં ચિત્રોનાં વૈયક્તિક પ્રદર્શનો યોજાયાં. યુનેસ્કોએ પૅરિસમાં તેમનાં ચિત્રોનું વૈયક્તિક પ્રદર્શન યોજ્યું. 1958માં તેમણે લડાખ ઉપરાંત બદરીનાથ અને કેદારનાથની મુલાકાતો લીધી. 1960માં જર્મન કુંભકાર મોશ (Mosch) હેઠળ તેઓ કુંભકળા પણ શીખ્યા.

નીચે મુજબની કલાસંસ્થાઓએ કન્વલનું ખિતાબો વડે સન્માન કર્યું છે.

  1. ઑલ ઇન્ડિયા એકૅડેમી ઑવ્ ફાઇન આર્ટ્સ, અમૃતસર, 1955.
  2. એકૅડેમી ઑવ્ ફાઇન આર્ટ્સ, કોલકાતા, 1961.
  3. સાહિત્ય કલા પરિષદ, દિલ્હી, 1973.
  4. કેન્દ્રીય લલિત કલા અકાદમી, દિલ્હી, 1976.

અમિતાભ મડિયા