કૃષ્ણશાસ્ત્રી ડી. વી.

January, 2008

કૃષ્ણશાસ્ત્રી ડી. વી. (જ. 1 નવેમ્બર 1897, પિથાપુરમ્, જિ. પૂર્વ ગોદાવરી, આંધ્ર; અ. 24 ફેબ્રુઆરી 1980, ચેન્નાઈ) : તેલુગુ લેખક અને કવિ. ઉચ્ચ શિક્ષણ ચેન્નાઇમાં લીધું. ત્યાંથી 1918માં બી.એ.ની ડિગ્રી પ્રથમ વર્ગમાં મેળવી. તે પછી ઉચ્ચ માધ્યમિક શાળામાં શિક્ષકની નોકરી કરી અને 1925માં કાકીનાડા કૉલેજમાં તેલુગુના પ્રાધ્યાપક તરીકે નિયુક્ત થયા. ઘણાં વર્ષ સુધી ‘આકાશવાણી’ હૈદરાબાદ ખાતે તેઓ કાર્યક્રમ-સંચાલક તથા સલાહકાર રહ્યા. 1925માં પ્રકાશિત થયેલું એમનું ‘કૃષ્ણપક્ષમ્’ મહાકાવ્ય તેલુગુ કવિતાસાહિત્યમાં યુગપ્રવર્તક તરીકે વખણાયું. એમની ઊર્મિલતા. અભિવ્યક્તિની સહજતા અને માનવમૂલ્યોમાંની શ્રદ્ધાને કારણે એમના પર કીર્તિકળશ ઢોળાયો. એ કાવ્યને માટે 1975માં આંધ્ર વિશ્વવિદ્યાલયે એમને ‘કલાપ્રપૂર્ણ’ની માનાર્હ ઉપાધિ આપી. એમનાં કવિતા, નાટકો, સાહિત્યિક નિબંધો અને ટૂંકી વાર્તાઓ છ ગ્રન્થો રૂપે પ્રસિદ્ધ થયાં છે અને એ ગ્રન્થો માટે 1978માં એમને કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર એનાયત થયો હતો. ભારત સરકારે પદ્મભૂષણ (1976)થી સન્માનિત કર્યા હતા.

પાંડુરંગ રાવ