કૃષ્ણમૂર્તિ જે. (જ. 11 મે 1895, મદનાપલ્લી, ત્રિચુર, આંધ્રપ્રદેશ; અ. 17 ફેબ્રુઆરી 1986, ઓ’હેર, કૅલિફૉર્નિયા) : વીસમી સદીના મહાન તત્વચિંતક, ભારતમાં જન્મ લઈને તે કૅલિફૉર્નિયામાં સ્થિર થયા પણ તેમના ચિંતનનો લાભ વિશ્વભરના લોકો લેતા રહ્યા. કોઈ વાદ, વિચાર, સંઘ કે સંપ્રદાયમાં તેમનું ચિંતન કુંઠિત કરવાને બદલે તેમણે સદૈવ ચર્ચા અને સંવાદને પ્રાધાન્ય આપ્યું. સર્વત્ર અહમને દૂર કરવાની મહેચ્છા સેવીને તે વિશાળ જનસમુદાયના હૃદયમાં સ્થાન પામ્યા.
તેમનો જન્મ બ્રાહ્મણ કુટુંબમાં થયો હતો. પિતા નારાયણૈયા રેવન્યુ ખાતામાં અને પછી અદ્યાર થિયૉસૉફિકલ સોસાયટીમાં કર્મચારી હતા. માતા સંજીવમ્મા કૃષ્ણભક્ત અને ધાર્મિક હતાં. જિદુ શાળામાં અંતર્મુખ, શૂન્યમનસ્ક અને શરમાળ વિદ્યાર્થી હતા. થિયૉસૉફિકલ સોસાયટીના વડા ઍની બેસન્ટના સહાયક લેડબિટરને ગામના નદીકાંઠે રખડતા કૃષ્ણમૂર્તિ અને તેમના ભાઈ નિત્યાનંદનો ભેટો થયો. લેડબિટરને જિદુમાં ઈસુ અને બુદ્ધની કક્ષાના અસાધારણ તત્વનું દર્શન થયું. પરિણામે 6 માર્ચ, 1910ના રોજ ઍની બેસન્ટે બન્ને ભાઈઓને દત્તક લીધા. આધ્યાત્મિક તાલીમ દરમિયાન તેમણે ‘શ્રી ગુરુચરણે’ પુસ્તિકા લખી. 13 નવેમ્બર 1925ના રોજ નિત્યાનંદનું મૃત્યુ થતાં માનવવિષાદ અને માનવયાતનાની ઉત્કટ અનુભૂતિથી જિદુ કૃષ્ણમૂર્તિના જીવનમાં આમૂલ પરિવર્તન થયું. આત્માનુભૂતિનો વિસ્ફોટ થતાં તેમણે પોતાને જગદગુરુ બનાવવા માટે ઍની બેસન્ટે સ્થાપેલા અને લખલૂટ મિલકત અને હજારો અનુયાયી ધરાવતા ‘પૂર્વના તારક સંઘ’નું 3 ઑગસ્ટ 1929ના રોજ સ્વયં વિસર્જન કરી દીધું અને સંઘ, સંસ્થા, ગુરુ, મંત્ર, જાપ, વિધિ, વિચારસરણી કે સંપ્રદાય સત્યનાં દુશ્મન હોવાની ઘોષણા સાથે પોતે જગદગુરુ બનવા માગતા નથી એવી જાહેરાત કરી.
સુદીર્ઘ જીવન પર્યંત આગવી શૈલીમાં વિકાસ સાધતાં તેમણે ન તો ધર્મગ્રંથ વાંચ્યા; ન વાદ, મત કે મઠની સ્થાપના કરી; ન કોઈ ભૂમિને દેશ કે પરદેશ માન્યો; ન સંપત્તિ એકઠી કરી; ન કોઈને ગુરુ કર્યા કે ન તો કોઈને ચેલા થવા દીધા. તેમણે જીવનગત અને જાગતિક પ્રશ્નોને તત્વજ્ઞાનના શાસ્ત્ર-તંત્રમાં ન ગૂંચવતાં ચર્ચાનો વિશ્વ-પરિપ્રેક્ષ્ય અપનાવ્યો. માણસ ‘હું-મારાં’ની, ભૂતકાળની સંસ્કારબદ્ધતા(conditioning)માંથી મુક્ત થઈને જ નિજની પ્રેમમય અનંતતાને સમજી શકે; એટલે અક્ષરજ્ઞાન વિનાનો માણસ અજ્ઞાની નથી. પોતાની જાતને ઓળખતો નથી તે અજ્ઞાની છે એમ તેમણે કહ્યું. સ્વની સમજ એટલે શિક્ષણ, શિક્ષણ જાણકારીનું સંપાદન કે મનની કેળવણી નથી. એવા શિક્ષણથી કાર્યકુશળતા આવે પણ જીવનની સમગ્ર ર્દષ્ટિ ન આવે એમ તે માનતા. તેમણે સમજાવ્યું છે કે માનવ-સમસ્યાઓના મૂળમાં અહમ્ છે અને તેનો ઉકેલ ‘પસંદગી વગરના નિરીક્ષણ’ વડે અહમનું વિસર્જન કરવામાં છે. ઋષિવેલી-આંધ્ર, રાજઘાટ બેસન્ટ શાળા તથા બ્રોકવુડ પાર્ક જેવા સ્થળે તેમના વિચારોને કાર્યાન્વિત કરતી શાળાઓ છે. તે સ્વિટ્ઝરલૅન્ડમાં રહી, ચર્ચાઓ માટે વિશ્વપ્રવાસ કરતા. શ્રોતાને વિચારતો કરનારી સાદી, સરળ અંગ્રેજીમાં થયેલી પ્રવચન પરિચર્ચાઓના ધ્વનિ-મુદ્રણ પરથી ગ્રંથો બન્યા છે. ગુજરાતીમાં પણ તે ભાષાંતરિત થયા છે.
બબાભાઈ સો. પટેલ
જયેન્દ્ર દવે