કૃષ્ણમંદિર (અમદાવાદ) : ભદ્રવિસ્તારમાં સ્નાનાગાર પાસે આવેલું પ્રસિદ્ધ મરાઠાકાલીન મંદિર. તેના મનોહર કોતરણીયુક્ત બલાણક(પ્રવેશદ્વાર)માં થઈ મંદિરમાં દાખલ થતાં વચ્ચેના ખુલ્લા ચોકની મધ્યમમાં મુખ્ય મંદિરનાં દર્શન થાય છે. તલમાનમાં એ ગર્ભગૃહ, અંતરાલ, ગૂઢમંડપ અને મુખચોકી તેમજ ઊર્ધ્વમાનમાં પીઠ, મંડોવર અને પિરામિડ ઘાટનું દક્ષિણી શૈલીનું ત્રિછાદ્ય શિખર ધરાવે છે. મંડપ પરનું છાવણ કુબ્જપૃષ્ઠાકાર છે, જ્યારે અંદરની છત સમતલ છે ને તેને ફૂલવેલનાં મનોહર રૂપાંકનોની કાષ્ઠકોતરણીથી અલંકૃત કરેલી છે. મંદિરના પ્રવેશદ્વાર ઉપર ગણેશ, અંતરાલમાં કાચબાની આકૃતિ અને ઉત્તરની દીવાલમાંની ગોમુખ રચના પરથી આ મંદિર મૂલત: શિવાલય હોવાનું અને પાછળથી કૃષ્ણાલયમાં રૂપાંતરિત થયેલ હોવાનું જણાય છે. ગર્ભગૃહમાં કાલિયમર્દન કરતા શ્રીકૃષ્ણની મૂર્તિ છે. મંદિરની સંમુખ ગરુડ-મંડપ છૂટો કરેલો છે, જેમાં અંજલિમુદ્રામાં બેઠેલા ગરુડની સુંદર મૂર્તિ છે. મંદિરના ચોકમાં ઉત્તર તરફ એક નાનું અલગ શિવાલય કરેલું છે, જે કેવળ એક ગર્ભગૃહ જ ધરાવે છે; એની સંમુખ મોટા કદનો નંદિ ખુલ્લામાં મૂકેલો છે, જે મૂળ શિવાલયનો હોવાની સંભાવના છે.
પ્રવીણચંદ્ર પરીખ