કૃષ્ણપ્રેમ

January, 2008

કૃષ્ણપ્રેમ (જ. 10 મે 1898, ચેલ્ટનહૅમ, ઇંગ્લૅન્ડ; અ. 14 નવેમ્બર 1965, આલમોડા) : અંગ્રેજ કૃષ્ણભક્ત. સરળ સાધુસ્વભાવ, મૂળ નામ રોનાલ્ડ હૅન્રી નિક્સન. પહેલા વિશ્વયુદ્ધ સમયે 1917માં હવાઈદળમાં પાઇલટ તરીકે જોડાયા; જર્મની ઉપર બૉમ્બમારો કરવા ઊપડ્યા ત્યારે કાફલામાંનાં બધાં વિમાન તૂટ્યાં, પરંતુ એક બલવંત શ્યામ હાથે એમને બચાવ્યા.

યુદ્ધ પછી કૅમ્બ્રિજમાં માનસશાસ્ત્ર અને નીતિશાસ્ત્રનો અભ્યાસ કર્યો. બૌદ્ધ ધર્મનો પણ અભ્યાસ કર્યો. એવામાં પોતાને બચાવનાર બલવંત શ્યામ હાથ તો શ્રીકૃષ્ણનો જ હતો એવી પ્રતીતિ થતાં શ્રીકૃષ્ણને શોધવા 1921માં હિન્દુસ્તાન આવ્યા. યુવાન વયે લખનૌ યુનિવર્સિટીમાં અંગ્રેજીના પ્રોફેસર તરીકે જોડાયા. યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર જ્ઞાનેન્દ્રનાથ ચક્રવર્તીના અતિથિ તરીકે રહ્યા. ભારતનું નાગરિકત્વ સ્વીકાર્યું. 1924માં ડૉ. ચક્રવર્તીનાં કૃષ્ણભક્ત વિદુષી પત્ની મોનિકાદેવીના તે શિષ્ય બન્યા. 1926માં ડૉ. ચક્રવર્તી વારાણસીમાં વસ્યા ત્યારે બન્ને ગુરુજનોના સહવાસમાં રહી શકાય તે માટે રૂ. 800ના વેતનની નોકરી છોડી. રૂ. 300ના વેતનથી બનારસ હિન્દુ યુનિવર્સિટીમાં જોડાયા. મોનિકાદેવી વૈષ્ણવી દીક્ષા લઈ યશોદામાઈ બનીને હિમાલયમાં વસ્યાં. રોનાલ્ડ નિકસને પણ તેમના શુભ હસ્તે સંન્યાસ ગ્રહણ કર્યો. ગુરુ યશોદામાઈ સાથે હિમાલયમાં આલમોડા પાસે મીરતોલામાં વસ્યા. લગભગ 2285 મી. ઊંચે રાધાકૃષ્ણનું મંદિર સ્થાપ્યું. તે સ્થાન ઉત્તર વૃન્દાવન બન્યું. 1944માં ગુરુના દેહાવસાન પછી આશ્રમનું સંચાલન કર્યું. રાધાકૃષ્ણની અને આજુબાજુના ગ્રામજનોની 35થી 37 વર્ષ સેવા કરી. 67 વર્ષની ઉંમરે મહાપ્રયાણ કર્યું. પશ્ચિમી આધુનિકતાની કારમી ભીંસમાં પણ હિન્દુસ્તાન એના ધર્મને – અધ્યાત્મને વળગી રહેવાની કલામાં કાર્યક્ષમ નીવડશે જ એવી એમને પ્રતીતિ હતી. ચિત્તચોર શ્રીકૃષ્ણની પાછળ એ પ્રેમભક્તિથી દોડ્યા અને તેને પામ્યા.

એમની વાણી ‘ઇનિશિયેશન ઇન્ટુ યોગ’, ‘ધ સર્ચ ફૉર ટ્રુથ’, ‘ધ યોગ ઑવ્ ભગવદગીતા’, ‘ધ યોગ ઑવ્ કઠોપનિષદ્’માં સંગ્રહાયેલી છે.

ઉ. જ. સાંડેસરા