કૃષ્ણકોષ ઉત્તેજક અંત:સ્રાવ (melanocyte stimulating hormone, MSH) : માણસ અને અન્ય પ્રાણીઓની ચામડીના રંગનું નિયંત્રણ કરતા અંત:સ્રાવનું જૂથ. તેને કૃષ્ણવર્ણ-વર્ધક (melanotrophin) પણ કહે છે. કેટલાંક ઉભયજીવી પ્રાણીઓ અને માછલીઓમાં તે વર્ણકદ્રવ્ય(pigment)ના કણોને એકઠા કે છૂટા કરીને તેમને વાતાવરણ સાથે સુમેળ પામે તેવું રંગપરિવર્તન કરાવે છે. તેને કારણે તે સહેલાઈથી અલગ તરી આવતા નથી. તેમનામાં તે મુખ્યત્વે પીયૂષિકા (pituitary) ગ્રંથિના મધ્યસ્થ ખંડમાં જોવા મળે છે. ચેતા-અંત:સ્રાવી (neuro-humoral) નિયમન હેઠળ વિમુક્ત થઈને લોહીમાં પ્રવેશે છે. માણસમાં પીયૂષિકાનો મધ્યસ્થખંડ અપૂર્ણ વિકસિત હોય છે અને તેથી પુખ્ત માનવમાં તેનું ઉત્પાદન પણ નહિવત્ હોય છે.
તેના ત્રણ પ્રકાર છે – આલ્ફા, બીટા અને ગૅમા. તે એડ્રિનલ ગ્રંથિના બાહ્યકનું ઉત્તેજન કરનાર અધિવૃક્ક-બાહ્યક ઉત્તેજી અંત:સ્રાવ-(adrenal corticotrophic hormone, ACTH)ની સંશ્લેષણ શૃંખલામાંથી બને છે (જુઓ એ.સી.ટી.એચ.). તે એક મોટા પ્રો-ઓપિઓ-મિલેનોકોર્ટિન (POMC) નામના 31,000 આણ્વિક વજન ધરાવતા પેપ્ટાઇડમાંથી બને છે. તેથી તેની સંજ્ઞા 31-K-POMC છે. પીયૂષિકા ગ્રંથિના અગ્રસ્થ ખંડમાં POMCનું વિભાજન થાય છે અને તેમાંથી ગૅમા-MSH, ACTH અને બીટા-લાઇપોટ્રોપિન હૉર્મોના (બીટા-LPH) બને છે. બીટા LPHમાંથી ક્રમશ: ગૅમા LPH અને બીટા-MSH બને છે જ્યારે ACTHનો અણુ તૂટે છે ત્યારે તેમાંથી આલ્ફા-MSH છૂટો પડે છે. માણસમાં આલ્ફા-MSHનું ઉત્પાદન અધશ્ચેતક(hypothalamus)માં થાય છે અને તે સમગ્ર પીયૂષિકા ગ્રંથિના કોષોમાં જોવા મળે છે.
કૃષ્ણકોષોનું ઉત્તેજન મુખ્યત્વે બીટા-MSH (98 %) વડે થાય છે જ્યારે આલ્ફા-MSH ફક્ત 2 % ઉત્તેજન કરે છે. ગૅમા-MSHના કાર્ય વિશે હાલ માહિતી ઉપલબ્ધ નથી.
માનવ પીયૂષિકા ગ્રંથિમાં 300થી 400 ગ્રામ જેટલું બીટાMSH હોય છે. તેના ચપાયચય વિશે ઘણી ઓછી જાણકારી મળે છે. તે મુખ્યત્વે મૂત્રપિંડ દ્વારા શરીરમાંથી દૂર થાય છે અને તેથી મૂત્રપિંડની નિષ્ફળતાના વિકારમાં લોહીમાં તેની સાંદ્રતા વધે છે અને તેથી ચામડી કાળી પડે છે. નીચલી કક્ષાનાં પ્રાણીઓમાં તેને વિશેની માહિતી ઉપલબ્ધ છે. તેનું નિયમન અવદાબક ઘટક (inhibitory factor) દ્વારા થાય છે. કદાચ તેનો વિમોચક અંત:સ્રાવ (releasing hormone) પણ છે. એડિસનના રોગમાં MSHની સાંદ્રતા વધે છે અને તેથી ચામડી પર કાળા ડાઘા પડે છે. કેટલાંક કૅન્સરમાં ACTH જેવાં અંત:સ્રાવો ઉદભવે છે, જેમની કૃષ્ણકોષ ઉત્તેજક ક્રિયા ચામડીનો રંગ કાળો કરે છે. જ્યારે પીયૂષિકા ગ્રંથિનું કાર્ય ઘટે છે ત્યારે MSHની ઊણપ જોવા મળે છે.
મહાદેવ દેસાઈ
શિલીન નં. શુક્લ