કૃષ્ણકુમારસિંહજી

January, 2008

કૃષ્ણકુમારસિંહજી (જ. 19 મે 1912, ભાવનગર; અ. 2 એપ્રિલ 1965) : ભાવનગર રાજ્યના ગોહિલકુળના રાજવી. પ્રજાપક્ષે રહીને રાષ્ટ્રાભિમાન વ્યક્ત કરનાર. સુવહીવટથી પ્રજાનો પ્રેમ સંપાદન કરી લોકપ્રિય બનેલા. ભાવનગરના મહારાજશ્રી ભાવસિંહજી બીજાનું 1919માં અવસાન થતાં કૃષ્ણકુમારસિંહજી ગાદીએ આવ્યા, પરંતુ તે સગીર વયના હોવાથી ભાવનગર રાજ્યનો વહીવટ ચલાવવા માટે સર પ્રભાશંકર પટ્ટણીની અધ્યક્ષતાવાળી એક વહીવટી કાઉન્સિલની રચના કરવામાં આવી. 1919થી 31 સુધી વહીવટી કાઉન્સિલ પદ્ધતિથી રાજવહીવટ સફળતાપૂર્વક ચલાવાયો. પ્રજાકલ્યાણનાં કેટલાંક મહત્વપૂર્ણ કાર્યો આ સમય દરમિયાન થયાં. પરિણામે ભાવનગર રાજ્ય ઉન્નતિના માર્ગે અગ્રેસર થયું.

કૃષ્ણકુમારસિંહજી

મહારાજા કૃષ્ણકુમારસિંહજી પુખ્તવયના થતાં 18 એપ્રિલ, 1931ના રોજ રાજ્યની તમામ સત્તા તેમને સુપરત કરવામાં આવી; એ સાથે જ વહીવટી કાઉન્સિલનો વહીવટ બંધ થયો.

કૃષ્ણકુમારસિંહજી મહારાજા બને તે પહેલાં તેમને એક આદર્શ અને સદગુણ-સંપન્ન રાજવી તરીકેની સંપૂર્ણ તાલીમ મળી રહે એવા હેતુથી સર પ્રભાશંકર પટ્ટણીએ તેમની કેળવણી અંગે બરાબર વ્યવસ્થા ગોઠવી હતી. રાજકોટ ખાતેની રાજકુમાર કૉલેજમાં તાલીમ લીધા બાદ ઇંગ્લૅન્ડની ‘હૅરો’ નામની શિક્ષણસંસ્થામાં અભ્યાસ કરી ભારત આવ્યા બાદ ભાવનગરની શામળદાસ કૉલેજમાં પ્રિન્સિપાલ ટી. કે. શહાણીનાં રાજ્યશાસ્ત્ર વિષય પરનાં વ્યાખ્યાનોમાં તે હાજરી આપતા. હિંદનાં અન્ય દેશી રાજ્યોની પરિસ્થિતિનો ખ્યાલ મેળવવા કેટલાંક દેશી રાજ્યોનો તેમજ પશ્ચિમના દેશોની આધુનિક સંસ્કૃતિ અને લોકશાહી રાજ્યવ્યવસ્થાનો પ્રત્યક્ષ પરિચય થાય તે હેતુથી અમેરિકા અને યુરોપના કેટલાક દેશોનો તેમણે પ્રવાસ કર્યો હતો. વર્તન અને કાર્યો દ્વારા આ કેળવણી તેમણે સાર્થક કરી બતાવી હતી.

કૃષ્ણકુમારસિંહજીએ ગાદીએ બેસતાંની સાથે જ તેમના શુભ લગ્ન પ્રસંગે ઉપયોગમાં લેવા બાંધવામાં આવેલ પાકી બાંધણીનો અદ્યતન ભવ્ય મંડપ, ભાવનગર શહેરની પ્રજાને ‘ટાઉન હૉલ’ તરીકે ભેટ આપીને પ્રજાવત્સલતા વ્યક્ત કરી. ખેડૂતો માટે ‘ગ્રામ સુધારણા ફંડ’ શરૂ કર્યું. ઋણરાહત યોજનાનુસાર ખેડૂતોનું રૂ. 88 લાખનું દેવું માફ કરાયું. શાહુકારોને રૂ. 22 લાખ રાજ્યે ચૂકવ્યા. ભારતમાં આ પ્રથમ પ્રયાસ હતો. દક્ષિણામૂર્તિને મળતું અનુદાન રૂ. 5,000 કરવામાં આવ્યું. આ સંસ્થા બંધ થતાં આ અનુદાન નાનાભાઈ ભટ્ટ દ્વારા આંબલા ખાતે સ્થાપવામાં આવેલ ગ્રામદક્ષિણામૂર્તિને તબદીલ કરવામાં આવ્યું. આ માટે મફત જમીનની પણ ફાળવણી કરવામાં આવી. આ ઉપરાંત જૂની શામળદાસ કૉલેજનું મકાન નાનું લાગતાં વાઘાવાડી રોડ પર 1931-32માં વિશાળ અને અદ્યતન સુવિધા ધરાવતું મકાન બાંધવામાં આવ્યું.

ભાવનગર બંદરનો ઝડપી વિકાસ સાધવા 1932-34માં રૂવા નજીક નવાબંદર પર ‘જેટી’ બંધાવી. અહીંથી જૂના બંદરે આવેલાં ગોદામો સુધી નવી રેલવે લાઇન તેમજ ભાવનગર-મહુવા વચ્ચે ટ્રામવે શરૂ કરાવી.

સર તખ્તસિંહજી હૉસ્પિટલના આગળના ભાગનો જીર્ણોદ્ધાર તેમજ બાજુમાં બે નવા ભાગોનું બાંધકામ કરાવ્યું. હૉસ્પિટલ માટે અદ્યતન સાધનો વસાવ્યાં અને અન્ય સુવિધાઓ ઊભી કરવામાં આવી.

ભાવનગર રાજ્યના કુશળ ઇજનેર વીરેન્દ્રરાય મહેતા હસ્તક હાલના કૃષ્ણનગરનું આયોજન કરાવી કૃષ્ણનગર વસાવ્યું. ડામરના રસ્તા અને વીજળીકરણનો પ્રારંભ થયો. શહેરને શુદ્ધ પાણી પૂરું પાડવા આધુનિક પ્રકારનો નવો ફિલ્ટ્રેશન પ્લાન્ટ શરૂ કરાવ્યો તેમજ 1940માં હિંદના નિષ્ણાત ઇજનેર સર વિશ્વેશ્વરૈયાની સલાહ લઈને ગૌરીશંકર સરોવરનો વિસ્તાર વધારવામાં આવ્યો. ઉપરાંત શિહોર પાસે ખોડિયાર તળાવનું બાંધકામ કરાવ્યું. 1936માં શહેરમાં ભૂગર્ભ ગટર યોજના શરૂ કરવામાં આવી. નાગરિક રક્ષકદળ(civic guards)ની પ્રવૃત્તિ બીજા વિશ્વયુદ્ધ દરમિયાન અમલમાં મૂકવામાં આવી.

કૃષ્ણકુમારસિંહજીએ મહાજન અને નગરશેઠ પ્રત્યે હંમેશાં આદરભર્યા અને સ્વજન જેવા સંબંધો જાળવ્યા હતા. તોપણ રાષ્ટ્રીય ચળવળનો અંતિમ દાયકો રાજા અને પ્રજાના સંબંધોની કસોટી કરે તેવો ઐતિહાસિક બની રહ્યો. કૃષ્ણકુમારસિંહજી હિંદમાં બદલાયેલી રાજકીય પરિસ્થિતિને બરાબર ઓળખી શક્યા હતા. 1939માં સરદાર પટેલના પ્રમુખપદે પ્રજાપરિષદનું અધિવેશન ભાવનગરમાં મળ્યું હતું. તેમણે 8 જૂન 1940ના રોજ રાજ્યમાં બંધારણીય સુધારા આપવાની અને ધારાસભા સ્થાપવાની જાહેરાત કરી. 1 ડિસેમ્બર 1941ના રોજ આ પ્રથમ ધારાસભાનું તેમણે ઉદઘાટન કર્યું. પ્રજાને ધારાસભાની કાર્યવાહી દ્વારા લોકશાહી પ્રક્રિયાનો પ્રત્યક્ષ અનુભવ થયો. ભવિષ્યમાં જવાબદાર રાજ્યતંત્રનાં સૂત્રો પોતાના હાથમાં લેવા પ્રજા તૈયાર થઈ ગઈ.

ભાવનગર રાજ્યની એ એક આગવી અને વિશિષ્ટ પરંપરા રહી છે : ‘અન્યને માટે કશુંક જતું કરવું’. દેશી રાજ્યોનું સીમાલોપન કરી અખિલ ભારતને એક રાષ્ટ્ર તરીકે જોવાના સ્વપ્નને સાકાર કરવાના સરદાર વલ્લભભાઈ પટેલના મહાયજ્ઞમાં કૃષ્ણકુમારસિંહજીએ 15 જાન્યુઆરી 1948ના રોજ જવાબદાર તંત્ર આપીને પોતાની સઘળી સંપત્તિ સાથે રાજ્ય રાષ્ટ્રપિતા ગાંધીજીનાં ચરણોમાં ધરી દઈને દેશી રાજ્યોના વિલીનીકરણમાં પ્રથમ પુનિત આહુતિ આપી. સમયોચિત રાષ્ટ્રકર્તવ્યપાલનથી ભાવનગરના આ મહારાજાનું નામ નૂતન ભારતના ઇતિહાસમાં સુવર્ણાક્ષરે નોંધાયેલું છે.

આઝાદી બાદ 1948માં કૃષ્ણકુમારસિંહજી મદ્રાસ રાજ્યના રાજ્યપાલ તરીકે નિમાયા અને માસિક એક રૂપિયાનું પ્રતીક માનદ વેતન સ્વીકારીને પ્રજાસેવાનો અને ત્યાગનો ઉત્તમ દાખલો બેસાડ્યો. પ્રજાવત્સલ, ન્યાયપ્રિય, દીર્ઘદ્રષ્ટા, સમુદાર, નમ્ર અને અભિજાત રાજવી તરીકેની પ્રતિભા ધરાવતા કૃષ્ણકુમારસિંહજી પ્રજાનો આદર પામનારા એક આદર્શ રાજવી હતા.

પોપટભાઈ ગો. કોરાટ