કૃષ્ણકાંત

January, 2008

કૃષ્ણકાંત (જ. 28 ફેબ્રુઆરી 1927, કોટ મોહમ્મદ ખાન, જિલ્લો અમૃતસર; અ. 27 જુલાઈ 2002, નવી દિલ્હી) : પ્રગતિશીલ વિચારસરણી ધરાવતા ભારતના અગ્રણી રાજપુરુષ, સ્વાતંત્ર્ય-સેનાની અને દેશના પૂર્વ ઉપરાષ્ટ્રપતિ. પિતા લાલા અચિંતરામ સમાજસેવક, ભારતની બંધારણ સભાના સભ્ય અને આઝાદી બાદ લોકસભાના સભ્ય બનેલા. માતાનું નામ સત્યવતી. બનારસ હિંદુ યુનિવર્સિટીમાંથી એમ.એસસી.ની પદવી મેળવ્યા પછી કૃષ્ણકાંતે વૈજ્ઞાનિક તરીકે કાઉન્સિલ ઑવ્ સાયન્ટિફિક ઍન્ડ ઇન્ડસ્ટ્રિયલ રિસર્ચ સંસ્થાન(CSIR)માં વ્યાવસાયિક કારકિર્દી શરૂ કરી હતી. કૉલેજ-શિક્ષણ દરમિયાન 1942ના ‘હિંદ છોડો’ આંદોલનમાં ઝંપલાવ્યું અને એ રીતે રાજકીય પ્રવૃત્તિઓનાં મંડાણ કર્યાં. શરૂઆતથી જ તેઓ સમાજવાદી વિચારસરણીના પ્રભાવ હેઠળ આવ્યા હતા અને કાગ્રેસ પક્ષના એક વખતના ‘યંગ ટર્કસ’ નામથી જાણીતા બનેલા ડાબેરી જૂથના સક્રિય સભ્ય હતા. સંસદના સભ્ય તરીકે તેમણે ભારતની વિદેશનીતિ, સંરક્ષણ-નીતિ, જમીન-સુધારા, પ્રસાર-માધ્યમોની સ્વાધીનતા અને ચૂંટણી-સુધારા જેવા વિષયોમાં ખાસ રસ લીધો હતો. 1966-77 દરમિયાન તેઓ રાજ્યસભાના સભ્ય હતા. 1975માં ભારતમાં લાદવામાં આવેલી કટોકટીને જાહેરમાં વખોડી કાઢવાનાં કારણોસર તેમને કૉંગ્રેસ પક્ષના સભ્યપદેથી દૂર કરવામાં આવ્યા હતા. 1979-80 દરમિયાન તેઓ લોકસભાના સભ્ય હતા. 1989માં આંધ્રપ્રદેશના રાજ્યપાલપદે તેમની નિમણૂક કરવામાં આવી હતી (1989-96). આ ગાળા દરમિયાન તેઓ આંધ્રપ્રદેશના તત્કાલીન મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુના ઘનિષ્ઠ સંપર્કમાં આવ્યા હતા અને ચંદ્રબાબુના ટેકાને કારણે 1997માં ભારતના ઉપરાષ્ટ્રપતિના પદ પર તેમની વરણી થઈ હતી. વર્ષ 2002માં ભારતના રાષ્ટ્રપતિપદના ઉમેદવાર તરીકે તેમના નામની ગંભીર વિચારણા થયેલી.

કૃષ્ણકાંત

ભારતના ઉપરાષ્ટ્રપતિ અને આંધ્રપ્રદેશના રાજ્યપાલ ઉપરાંત તેમણે અન્ય કેટલાંક પદો પર કામ કર્યું હતું. ‘પીપલ્સ યુનિયન ઑવ્ સિવિલ લિબર્ટિઝ ઍન્ડ ડેમૉક્રૅટિક રાઇટ્સ’ નામની નાગરિક અધિકારો માટે લડત આપતી સંસ્થાના અગ્રણી સ્થાપક સભ્યોમાં કૃષ્ણકાંત પણ હતા અને સ્થાપનાકાળથી જ 1976-97 દરમિયાન તેના મહામંત્રીપદે તેમણે કામ કર્યું હતું. વીસમી સદીના નવમા દશકમાં આંધ્રપ્રદેશમાં દારૂબંધી લાગુ કરવા માટે જે લોકલડત ચલાવવામાં આવેલી તેમાં પણ તેમણે અગ્રભાગ ભજવ્યો હતો. નક્સલવાદીઓ જેવા ઉદ્દામવાદીઓની કેટલીક માગણીઓ વિશે તેઓ કૂંણી લાગણી ધરાવતા હોવા છતાં ઉદ્દામવાદીઓએ પસંદ કરેલા હિંસક માર્ગ અને ગેરબંધારણીય રીતરસમો તેમને મંજૂર નહોતાં. 1977માં કેન્દ્રમાં જનતા સરકારની સ્થાપના થતાં કૃષ્ણકાંતના પ્રયાસોને કારણે કેટલાક નક્સલવાદી નેતાઓને જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા. ભારતના વર્તમાન રાજકારણમાં ધનનો વ્યાપક પ્રમાણમાં જે ઉપયોગ થઈ રહ્યો છે તે બદીને તથા દેશના રાજકારણના અપરાધીકરણની પ્રક્રિયાની બદીને દૂર કરવા માટે દેશની હાલની ચૂંટણી-પ્રથામાં વ્યાપક સુધારાની તેમણે જોરદાર તરફેણ કરી હતી. 1971માં ગુજરાતના પાટનગર ગાંધીનગર ખાતે યોજાયેલ રાષ્ટ્રીય કૉંગ્રેસના અધિવેશનમાં દેશના રાજકારણને લોકોની મૂળભૂત સમસ્યા સાથે સાંકળી લેવું જોઈએ એવી તેમણે હિમાયત કરી હતી. ‘સાયન્સ ઇન પાર્લમેન્ટ’ નામક સામયિકના તંત્રીપદે તેમણે કાર્ય કર્યું હતું.

ઉર્દૂ ભાષામાં લખાતાં કાવ્યો અને ગઝલોના તેઓ ગુણજ્ઞ હતા. વિજ્ઞાન અને અધ્યાત્મ વચ્ચે સમન્વય થવો જોઈએ, અને તો જ દેશની અને સમાજની સાચા અર્થમાં ઉન્નતિ થઈ શકશે એવી તેમની ઢ માન્યતા હતી.

પોતાના કાર્યકાળ દરમિયાન અવસાન પામેલા તેઓ ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ છે.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે