‘રુસ્તમી’, કમાલખાન ઇસ્માઈલખાન (જ. ?; અ. ?) : ઉર્દૂ કવિ અને અનુવાદક. તેમના પિતા છેલ્લી સાત પેઢીથી દક્ષિણની આદિલશાહી હકૂમત(બીજાપુર)ના વફાદાર ઉમરાવ હતા. તેઓ ખત્તાતી(શિષ્ટલિપિ)ના નિષ્ણાત હતા.
રુસ્તમી આદિલશાહી હાકેમ મોહંમદ આદિલશાહના માનીતા દરબારી કવિ હતા. તેમણે અનેક ગઝલો તથા પ્રશસ્તિ-કાવ્યો(કસીદા)ની રચના કરી છે. તેમને તેમના મહાકાવ્ય ‘ખાવરનામા’થી ખૂબ પ્રસિદ્ધિ મળી. મોહંમદ આદિલશાહની બેગમ ખદીજા સુલતાનાની ફરમાઇશથી તેમણે પ્રસિદ્ધ મસનવી કાવ્ય ‘શાહનામા’ના અનુકરણ રૂપે આ ‘ખાવરનામા’ની રચના કરી હતી (1644).
આ ‘ખાવરનામા’ ફારસી ભાષામાં હુસામખાન દ્વારા રચાયેલ ‘ખાવરનામા’ની ઉર્દૂ અનુકૃતિ છે. તેમની કાવ્યશક્તિ અને સર્જન-પ્રક્રિયાના ભાગરૂપે તેને એક મૌલિક કૃતિ તરીકે રજૂ કરવામાં તેઓ સફળ થયા. પરિણામે ઉર્દૂ સાહિત્યના ઇતિહાસમાં દખ્ખણી સાહિત્યની આ રચના ઉલ્લેખનીય બની છે.
તેના અશઆર(શે’રો)ની સંખ્યા 2૩,000થી 26,000 હોવાનું મનાય છે. તેમાં સુલતાનો વચ્ચેનાં યુદ્ધો, દાવપેચ, બહાદુરીપૂર્વકનો મુકાબલો, તેમાં વપરાયેલ તરેહતરેહનાં અસ્ત્ર-શસ્ત્ર, મોસમ તથા આબોહવા વગેરેનો આબેહૂબ ચિતાર આપવામાં આવ્યો છે. સૌથી વિશેષ તેમાં તેમણે તત્કાલીન રીત-રિવાજો, દખ્ખણી તહજીબ-સંસ્કૃતિ, લોકજીવન અને રહેણીકરણી વગેરેનું પ્રભાવશાળી શૈલીમાં નિરૂપણ કર્યું છે. ‘ખાવરનામા’ની એકમાત્ર હસ્તપ્રત બ્રિટિશ લાઇબ્રેરીમાં જળવાઈ છે, તેની માઇક્રોફિલ્મ જોવા મળે છે. તેની હસ્તપ્રતનો કેટલોક ભાગ હૈદરાબાદની લાઇબ્રેરીમાં સચવાયો છે.
મોહિયુદ્દીન બૉમ્બેવાલા