રુસ્તમ અલીખાન (જ. ?; અ. 10 ફેબ્રુઆરી 1725, વસો) : સૂરતનો મુઘલ બાદશાહે નીમેલો ફોજદાર (ગવર્નર). તે વડોદરા અને પેટલાદનો ફોજદાર પણ હતો. ગુજરાતમાં આક્રમણકારી પ્રવૃત્તિઓ કરનાર મરાઠા સરદાર પિલાજીરાવ ગાયકવાડના હલ્લાઓનો સામનો કરવા તેણે પ્રયાસ કર્યો; પરંતુ તેમાં નિષ્ફળ જવાથી તેણે પિલાજીરાવ સાથે સમાધાન કર્યું હતું. રુસ્તમ અલીખાનને બંડખોર ઉમરાવ હમીદખાન સામે પિલાજીરાવની સહાય જોઈતી હતી. પિલાજીરાવે તેને મદદ આપવાની ખાતરી આપી અને અડાસ સુધી તેની સાથે ગયો. હમીદખાન તથા રુસ્તમ અલીખાન વચ્ચે નડિયાદ નજીક વસો મુકામે થયેલી લડાઈમાં રુસ્તમ અલીખાન માર્યો ગયો. એમાં દગો થયો હતો એમ માનવામાં આવે છે. કવિ શામળ ભટે આ ઘટનાનું નિરૂપણ કરતો ‘રુસ્તમ કુલીનો શલોકો’ રચ્યો છે. તેણે સૂરતના ફોજદારનો હોદ્દો માત્ર આઠ મહિના ભોગવ્યો હતો. તેના લડાઈમાં માર્યા ગયા બાદ તેનો પુત્ર સોહરાબખાન સૂરતનો ફોજદાર બન્યો હતો.

જયકુમાર ર. શુક્લ