રીડર્સ ડાઇજેસ્ટ : વિશ્વમાં સૌથી વધારે વંચાતું માસિક-પત્ર. 1922માં દવિટ વૉલેસ અને તેમનાં પત્ની લીલા ઍચિસન વૉલેસ દ્વારા તે શરૂ કરાયેલું. હાલ વિશ્વમાં તેની 19 ભાષાઓમાં કુલ 48 આવૃત્તિઓ પ્રકાશિત થાય છે. વૉલેસ દંપતીએ અમેરિકામાં ગ્રિનિચ ગામમાં તેમના એપાર્ટમેન્ટમાં જ જાતે પરિશ્રમ કરીને ‘રીડર્સ ડાઇજેસ્ટ’ તૈયાર કર્યું હતું, જેની પ્રથમ આવૃત્તિની 5,000 નકલ પ્રકાશિત કરવામાં આવી હતી. કિંમત 25 સેન્ટ હતી અને સૌથી નોંધપાત્ર બાબત એ હતી કે પોતાના સામયિકને સીધું જ બજારમાં મૂકવાને બદલે વૉલેસ દંપતીએ તમામ 5,000 નકલ ટપાલ દ્વારા વાચકોને મોકલી હતી. આ પ્રથમ આવૃત્તિમાં ‘ધ ફ્યૂચર ઑવ્ પોઇઝન ગૅસ’ (ઝેરી ગૅસનું ભવિષ્ય), ‘વૉન્ટેડ : મોટિવ્ઝ ફૉર મધરહુડ’ (જોઈએ છે : માતૃત્વ માટેનાં પ્રેરક બળો) તથા ‘એડવાઇસ ફ્રૉમ અ પ્રેસિડન્ટ્સ ફિઝિશિયન’ (પ્રમુખના તબીબ તરફથી સલાહ) સહિત 31 લેખોની કાળજીપૂર્વક પસંદગી કરવામાં આવી હતી.
આમ ‘રીડર્સ ડાઇજેસ્ટ’ની પ્રારંભિક આવૃત્તિમાં વૉલેસ દંપતીએ સમાજનાં મૂલ્યો અને લોકરુચિને ધ્યાનમાં રાખીને લેખોની પસંદગી કરી હતી. આજે પણ આ કંપની તમામ વયજૂથ અને સંસ્કૃતિના લોકોને રસ પડે તે રીતની વાચનસામગ્રી પીરસે છે. ઉલ્લેખનીય છે કે કંપની આર્થિક બાબતો, પુસ્તકો, રસોઈ, આરોગ્ય, બાગાયત જેવા અનેકવિધ અલગ અલગ વિષયો પર વિશેષ સામયિકોનું પણ પ્રકાશન કરે છે.
1922માં શરૂ થયેલું ‘રીડર્સ ડાઇજેસ્ટ’ છેક 1929માં સૌપ્રથમ વખત ખુલ્લા બજારમાં વેચવા માટે મૂકવામાં આવ્યું હતું અને તે સમયે મંદીની ગંભીર અસર હોવા છતાં તેની 62,000 નકલો વેચાઈ હતી. આ પછીના માત્ર છ વર્ષના ગાળામાં ‘રીડર્સ ડાઇજેસ્ટ’નો ફેલાવો 10 લાખ નકલોને આંબી ગયો.
ઉત્તરોત્તર પ્રગતિ કરી રહેલા ‘રીડર્સ ડાઇજેસ્ટ’ની પ્રથમ આંતરરાષ્ટ્રીય આવૃત્તિ યુનાઇટેડ કિંગ્ડમમાં 1938માં પ્રકાશિત થઈ હતી. આ પછી 1940થી 1948ના અરસામાં બીજા વિશ્વયુદ્ધ દરમિયાન લૅટિન અમેરિકા અને સ્વીડન, ત્યારપછી ઑસ્ટ્રેલિયા, બેલ્જિયમ, કૅનેડા, ફિનલૅન્ડ, ફ્રાન્સ, જર્મની, ઇટાલી, નૉર્વે, દક્ષિણ આફ્રિકા તેમજ સ્વિટ્ઝર્લૅન્ડમાં પણ ‘રીડર્સ ડાઇજેસ્ટ’નું પ્રકાશન શરૂ થયું હતું.
આ આંતરરાષ્ટ્રીય આવૃત્તિઓમાં જાહેરખબર પ્રકાશિત થતી હતી. પરંતુ અમેરિકાની આવૃત્તિમાં તો છેક 1950માં પ્રથમ વખત જાહેરખબર પ્રકાશિત થઈ હતી.
દવિટ વૉલેસનું 1981માં 91 વર્ષની વયે અને લીલા ઍચિસન વૉલેસનું 1984માં 94 વર્ષની વયે નિધન થયું હતું; પરંતુ તેમણે શરૂ કરેલું ‘રીડર્સ ડાઇજેસ્ટ’ સતત પ્રગતિ કરતું રહ્યું. ‘વ્હાય વી ફાઇટ ?’ (આપણે શા માટે લડીએ છીએ ?) આવૃત્તિ સાથે ‘રીડર્સ ડાઇજેસ્ટે’ 1986માં વિડિયો વેપારના ક્ષેત્રમાં પણ પદાર્પણ કર્યું હતું.
અતિ લોકપ્રિય સામયિક શરૂ કરીને અઢળક સંપત્તિ કમાનાર વૉલેસ દંપતીએ સખાવતી કાર્યોમાં પણ ઉદાર હાથે ફાળો આપ્યો છે. આ માટે તેમણે ‘ધ દવિટ વૉલેસ – રીડર્સ ડાઇજેસ્ટ ફંડ’ તથા ‘ધ લીલા વૉલેસ – રીડર્સ ડાઇજેસ્ટ ફંડ’ એમ બે પ્રતિષ્ઠાન સ્થાપ્યાં, જેમના દ્વારા સમાજસેવાનાં કાર્યો હાથ ધરવામાં આવ્યાં. 1990ના દાયકામાં આ બંને પ્રતિષ્ઠાનો ભેગાં કરીને માત્ર ‘વૉલેસ – રીડર્સ ડાઇજેસ્ટ ફંડ’ નામ રાખવામાં આવ્યું.
‘રીડર્સ ડાઇજેસ્ટ’ની વિવિધ આવૃત્તિઓના ભિન્ન ભિન્ન સંપાદકો છે. વડા સંપાદક એરિક શ્રિયર અને ભારતીય આવૃત્તિના સંપાદક અશોક મહાદેવન છે. જે ઓગણીસ ભાષાઓમાં તેની આવૃત્તિઓ પ્રગટ થાય છે તેમનાં નામ આ પ્રમાણે છે : અંગ્રેજી, ઇટાલિયન, ચેક, જર્મન, ડચ, ડેનિશ, નૉર્વેજિયન, પૉર્ટુગીઝ, પોલિશ, ફિનિશ, ફ્રેન્ચ, રશિયન, સ્પૅનિશ, સ્લોવાક, સ્વીડિશ, હંગેરિયન, કોરિયાઈ, ચીની અને થાઈ. ભારતની આવૃત્તિ અંગ્રેજી ભાષામાં પ્રગટ થાય છે.
અલકેશ પટેલ