રીડ, હર્બર્ટ એડ્વર્ડ (સર)

January, 2004

રીડ, હર્બર્ટ એડ્વર્ડ (સર) (જ. 4 ડિસેમ્બર 1893, કિર્બામોર્સાઇડ, યૉર્કશાયર, ઇંગ્લૅન્ડ; અ. 12 જૂન 1968, માલ્ટન, યૉર્કશાયર) : અંગ્રેજ કવિ, કલા અને સાહિત્યના વિવેચક. શિક્ષણ લીડ્ઝ યુનિવર્સિટીમાં. બૅંકમાં બે વર્ષ કામગીરી કર્યા બાદ પ્રથમ વિશ્વયુદ્ધમાં ત્રણ વર્ષ પાયદળ અધિકારી તરીકે સેવા આપી. યુદ્ધ પૂરું થતાં અભ્યાસ પૂરો કર્યો. 1922થી 1931 દરમિયાન લંડનના વિક્ટોરિયા ઍન્ડ આલ્બર્ટ મ્યુઝિયમ ખાતે મદદનીશ વસ્તુપાલ ક્યુરેટર. 1931–33 સુધી એડિનબરો યુનિવર્સિટીમાં લલિત કલાના પ્રાધ્યાપક. 1930ના દસકાથી તેઓ ગ્રેટ બ્રિટનમાં અદ્યતન દૃશ્યકલાની ઝુંબેશના મુખ્ય હિમાયતી અને દુભાષિયા રહ્યા. 1933થી 1939 સુધી તેમણે બર્લિંગ્ટન મૅગેઝિનનું સંપાદન કર્યું.

યુદ્ધની ભયાનકતાની પ્રતીતિ કરાવતો તેમનો પ્રથમ કાવ્યસંગ્રહ ‘નેકેડ વૉરિયર્સ’ (1919) હતો. ‘કલેક્ટેડ પોએમ્સ’ (1926), પુન: નવાં ઉમેરેલાં કાવ્યો સાથે 1966માં પ્રસિદ્ધ થયો. ‘ઇન રિટ્રીટ’ (1925), ‘ધી એન્ડ ઑવ્ અ વૉર’ (1933) તેમના અન્ય કાવ્યસંગ્રહો છે. યુદ્ધગ્રસ્ત વિશ્વની વેદનાની તેમજ તેમનાં ગુમાવેલ બાળપણની ઝાંખી આ કાવ્યસંગ્રહોમાં થાય છે. 1940ના દસકામાં કવિઓના જૂથમાં એક સૌંદર્યલક્ષી કવિ તરીકે, ‘ન્યૂ એપૉકેલિપ્સ’ તરીકે તેઓ ઓળખાતા હતા.

‘રીઝન ઍન્ડ રોમૅન્ટિસિઝમ’ (1926), ‘ઇંગ્લિશ પ્રોઝ સ્ટાઇલ’ (1926), ‘ધ સેન્સ ઑવ્ ગ્લૉરી’ (1929), ‘વર્ડ્ઝવર્થ’ (1930), ‘મીનિંગ ઑવ્ આર્ટ’ (1931), ‘ફૉર્મ ઇન મૉડર્ન પોએટ્રી’ (1932), ‘આર્ટ ઍન્ડ નાઉ’ (1933), ‘ધી ઇનોસન્ટ આઈ’ (1933), ‘આર્ટ ઍન્ડ ઇન્ડસ્ટ્રી’ (1934), ‘ઇન ડિફેન્સ ઑવ્ શૅલી’ (1935), ‘આર્ટ ઍન્ડ સોસાયટી’ (1936), ‘એસે ઑન લિટરરી ક્રિટિસિઝમ’ (1938), ‘ઍનાલ્ઝ ઑવ્ ઇનોસન્સ ઍન્ડ એક્સ્પીરિયન્સ’ (1940), ‘એજ્યુકેશન થ્રૂ આર્ટ’ (1943), ‘ધ ફિલૉસૉફી ઑવ્ મૉડર્ન આર્ટ’ (1951), ‘ધ ટ્રૂ વૉઇસ ઑવ્ ફીલિંગ’ (1953), ‘આર્ટ ઑવ્ સ્કલ્પ્ચર’ (1956), ‘ધ કૉન્ટ્રેરી એક્સ્પીરિયન્સ’ (1963), ‘હેન્રી મૂર’ (1965), ‘ધ લિટરેચર ઑવ્ સિન્સેરિટી’ (1968) વગેરે તેમના સાહિત્ય અને કલાવિષયક વિવેચનગ્રંથો છે.

રીડ કૉલરિજ પરંપરાના વિવેચક છે. તેમની તાત્વિક અને અરૂઢ વિવેચનાત્મક દૃષ્ટિનો લાભ સમાજ, કલા, સંસ્કૃતિ અને સાહિત્યવિષયક ચર્ચાઓમાં જોવા મળે છે. અમૂર્ત આકાર કરતાં સજીવ આકારની તેમણે હિમાયત કરી. હેન્રી મૂર, બાર્બરા હેપ્વર્થ અને બેન નિકોલ્સન જેવા નવા બ્રિટિશ કલાકારોની કૃતિઓનો બચાવ કરનારા કલાવિવેચક તરીકે તેઓ ખ્યાતિ પામ્યા.

સાહિત્યસેવા માટે તેમને ‘નાઇટહુડ’(સર)ના ખિતાબથી 1953માં નવાજવામાં આવેલા.

બળદેવભાઈ કનીજિયા