રીડ, રૉબિન (જ. 20 ઑક્ટોબર 1899, પેટીગ્રુ, આર્કન્સો, યુ.એસ.; અ. 20 ડિસેમ્બર 1978, સાલેમ, ઑરેગન) : વિશ્વયુદ્ધ પૂર્વેના યુગના સૌથી મહાન – કદાચ સદાકાળ માટેના સૌથી મહાન અમેરિકન કુસ્તીબાજ. હાઇસ્કૂલથી શરૂ થયેલી અને ઑરેગન રાજ્યમાં સાતત્યપૂર્વક ચાલુ રહેલી તેમની કારકિર્દીમાં તેઓ કદી પરાજિત થયા નહોતા. 1921–22 અને 1924માં તેઓ ઍમેટર ઍથ્લેટિક યુનિયન (AAV) વિજયપદકના 3 વખત વિજેતા નીવડ્યા હતા. તેઓ બહુ મજબૂત બાંધાના ન હતા, પણ પોતાની કારકિર્દી સુધારવા તેઓ પોતાના દાવ (move) સતત સુધારતા રહેવાની નિરંતર કોશિશ કરતા રહ્યા. તેમનું વજન માત્ર 135 રતલ હતું, પણ પૅરિસ ઓલિમ્પિક રમતોત્સવમાં તેમણે અમેરિકન હેવી વેટ સુવર્ણચંદ્રકના વિજેતા હૅરી સ્ટીલને 15 મિનિટમાં 5 વખત પછાડીને કુસ્તી જીતી ગયા હતા. તેઓ પોતે ફેધર વેટ વર્ગના ખેલાડી હતા અને પોતાના તમામ હરીફોને પછાડીને સુવર્ણચંદ્રકના વિજેતા બન્યા હતા અને એ રીતે તેઓ અજેય (unchallenged) રહ્યા હતા.

મહેશ ચોકસી