રિમ્ઝોન, એન. એન. (જ. 1957 કક્કૂર, કેરલ) : આધુનિક ભારતીય શિલ્પી. 1981થી 1987 સુધી વડોદરા ખાતેની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની ફૅકલ્ટી ઑવ્ ફાઇન આર્ટમાં અભ્યાસ કરી શિલ્પમાં સ્નાતક અને અનુસ્નાતક થયા. આ પછી લંડનની રૉયલ કૉલેજ ઑવ્ આર્ટના શિલ્પવિભાગમાં વધુ બે વરસ અભ્યાસ કરી ફરીથી શિલ્પના અનુસ્નાતક થયા.
રિમ્ઝોનનાં શિલ્પ એક સંસ્કૃતિની કલા અન્ય સંસ્કૃતિના સભ્યો પર જે વિશિષ્ટ પ્રભાવ પાડે છે તેના પર ટિપ્પણી (comment) કરે છે. આથી જ રિમ્ઝોનનાં શિલ્પ જોતાં જાણે પરસ્પર મેળ વિનાની ચીજવસ્તુઓનો શંભુમેળો ભેગો થયો હોય તેવી અનુભૂતિ દર્શકને થાય છે. આ રીતે રિમ્ઝોન શિલ્પમાં વપરાયેલ પ્રત્યેક ઘટક(unit)ના સંદર્ભ અંગે દર્શકને જાગ્રત/વિચારતા કરે છે.
રિમ્ઝોને 1991 અને 1993માં દિલ્હીમાં તથા 1993માં ઍમ્સ્ટર્ડૅમમાં પોતાની કલાનાં વૈયક્તિક પ્રદર્શનો કર્યાં. આ ઉપરાંત જિનીવા, ન્યૂયૉર્ક, સાઓ પાઓલો, દિલ્હી, કૅનબેરા (ઑસ્ટ્રેલિયા), બર્લિન, ચેન્નઈ, કૉલકાતા, બ્રિસ્બેન (ઑસ્ટ્રેલિયા), લંડન અને અમદાવાદ ખાતે ઘણાં સમૂહપ્રદર્શનોમાં પોતાનાં શિલ્પ રજૂ કર્યાં છે. હાલમાં દિલ્હીમાં નિવાસ કરી કલાસર્જનમાં વ્યસ્ત રહે છે.
અમિતાભ મડિયા