રિમાન્ડ હોમ : અપરાધી બાળકોને સુધારણા માટે અલાયદાં રાખવાની વ્યવસ્થા. તેને ‘સંભાળગૃહો’ કહી શકાય. ભારતના બંધારણના ચોથા ભાગમાં રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં અનુચ્છેદ 39 (એફ) પ્રમાણે બાળકોના શોષણ વિરુદ્ધ જોગવાઈ કરવામાં આવેલી છે. આ જોગવાઈઓમાં : (1) તેમનાં જીવન અને તંદુરસ્તીનું જતન થાય અને વિકાસ થાય. (2) કોઈ પણ રીતે તેમનું શોષણ અટકાવવું અને (3) ઉપેક્ષિત અને ત્યજાયેલ બાળકનું રક્ષણ કરવું. પછી તેઓ શારીરિક તેમજ નૈતિક રીતે ત્યજાયેલ હોય તોપણ ઐતિહાસિક સંદર્ભમાં ઈ. સ. 1850 સુધીના સમયમાં તમામ અપરાધીઓને એક જ સ્થળે રાખવામાં આવતા હતા અને તમામને સરખી સજા કે સુવિધા મળતી હતી. પરંતુ ‘ધી એપ્રન્ટિસ ઍક્ટ’  1850 પ્રમાણે 10–18 વર્ષની વયનાં બાળકોને વ્યાવસાયિક તાલીમ અને પુનર્વાસ (rehabilitation) માટેની જોગવાઈ કરવામાં આવી હતી. ત્યારબાદ સમય જતાં જુદા જુદા કાયદાઓ પ્રમાણે 37 વર્ષનાં ગુનેગાર બાળકોને સુધારણા ગૃહમાં રાખવાની જોગવાઈ કરવામાં આવી અને 14 વર્ષથી વધુ વયનાં બાળકોને માટે જુદા પ્રકારની જોગવાઈ કરવામાં આવી હતી. 1919–20 દરમિયાન ‘ઇન્ડિયન જેલ કમિટી’ની રચના કરવામાં આવી. આ કમિટીએ સૌપ્રથમ વાર અપરાધી બાળકને રિમાન્ડ હોમમાં રાખવાની જોગવાઈ સૂચવી હતી. 1985 પછી ભારતમાં ‘રિમાન્ડ હોમ’ શબ્દ બદલાયો અને તેની સાથે તેના ખ્યાલમાં પણ પરિવર્તન આવ્યું. ગુનેગાર બાળકોની સંભાળનું મહત્ત્વ વધ્યું. જૂવેનાઇલ જસ્ટિસ (કેર ઍન્ડ પ્રોટેક્શન ઑવ્ ચિલ્ડ્રન) કાયદો જે ઈ. સ. 2000માં આવ્યો તેમાં બાળકો અને કિશોરોના કલ્યાણનો ખ્યાલ છે, પરંતુ કાયદાની જૂની પરિભાષા હવે બદલાઈ છે; જેમકે ‘અપરાધી કિશોર’ને હવે ‘કાયદાના સંઘર્ષમાં આવતો કિશોર’ તરીકે ઓળખવામાં આવે છે. ‘ઉપેક્ષિત કિશોર’ની વ્યાખ્યા બદલાઈને ‘સંભાળ અને રક્ષણની જરૂરિયાતવાળો બાળક’ સમજવામાં આવે છે. જૂવેનાઇલ કૉર્ટ(બાળ અદાલત)ને સ્થાને જૂવેનાઇલ જસ્ટિસ બૉર્ડ રચવામાં આવ્યું છે. રિમાન્ડ હોમના સ્થાને ‘ઑબ્ઝર્વેશન હોમ’ (નિરીક્ષાગૃહ) કહેવામાં આવે છે. હાલ ગુજરાતમાં કુલ 23 સરકારી ઑબ્ઝર્વેશન હોમ (નિરીક્ષાગૃહ) છે. એક સ્પેશયલ હોમ પણ છે. 6 વર્ષથી નાનાં ઉપેક્ષિત બાળકોને નારી-નિકેતનમાં સંભાળ માટે મોકલવામાં આવે છે.

ગૌરાંગ જાની