રિમ્સ્કી-કોર્સાકૉવ, નિકોલય આન્દ્રેયેવિચ

January, 2004

રિમ્સ્કી-કોર્સાકૉવ, નિકોલય આન્દ્રેયેવિચ (જ. 18 માર્ચ 1844, નોવ્ગોરોડ નજીક તિખ્વિન, રશિયા; અ. 21 જૂન 1908, લિયુબેન્સ્ક, રશિયા) : રશિયન સંગીતકાર, સ્વરનિયોજક, સંગીતશિક્ષક અને સંગીતસંપાદક. પિતા ઉદારમતવાદી સરકારી અધિકારી હતા અને માતા સુશિક્ષિત અને પિયાનોવાદનમાં નિપુણ હતાં. કાકા નૌસેનામાં ઍડ્મિરલ અને મોટો ભાઈ મરીન-ઑફિસર હોવાને કારણે નિકોલય પણ દરિયાના પ્રેમમાં પડ્યો. પોતે બાર વરસની ઉંમરે નૌ-અકાદમીમાં દાખલ થયો. પંદર વરસની ઉંમરે થિયૉડૉરે કેનીલિયે નામના પિયાનિસ્ટ પાસે પિયાનો વગાડવાની તાલીમ લેવી શરૂ કરી. 1861માં નિકોલયની મુલાકાત સંગીતજ્ઞ અને સ્વરનિયોજક મિલી બાલાકિરેવ સાથે થઈ. મિલી બાલાકિરેવ મધ્યયુગીન રશિયન સંગીતનું પણ ઊંડું જ્ઞાન ધરાવતો હતો. એની  પાસે નિકોલયે સ્વરનિયોજન શીખવું શરૂ કર્યું. 1862માં નૌ-અકાદમીમાંથી સ્નાતક થઈ નૌકાદળના બેડા સાથે લાંબી સામુદ્રિક યાત્રાએ નીકળી પડ્યો અને અમેરિકામાં જ્યારે ગૃહયુદ્ધ ફાટી નીકળ્યું ત્યારે ન્યૂયૉર્ક પહોંચ્યો અને પછી બાલ્ટિમોર અને વૉશિંગ્ટન ડી.સી. ગયો. અહીં અમેરિકનોએ રશિયન સૈનિકોનું ઉમળકાભેર સ્વાગત કર્યું. આ પછી એ નૌકાદળના બેડા સાથે બ્રાઝિલ, સ્પેન, ઇટાલી, ફ્રાન્સ, ઇંગ્લૅન્ડ તથા નૉર્વેની યાત્રાઓ કરી, 1865ના મેમાં ક્રોન્સ્ટાટ નામના રશિયન બંદરે પાછો ફર્યો.

નિકોલય આન્દ્રેયેવિચ રિમ્સ્કી-કોર્સાકૉવ

પાછા ફર્યા પછી આ લાંબી યાત્રાએ નીકળી પડતાં બાલાકિરેવની દોરવણી હેઠળ જેનું સ્વરનિયોજન શરૂ કરેલું તે પહેલી સિમ્ફની સેંટ પીટર્સબર્ગમાં પૂર્ણ કરી. 1865ની એકત્રીસમી ડિસેમ્બરે તેની સેંટ પીટર્સબર્ગમાં પ્રથમ રજૂઆત કરવામાં આવી. એકવીસ વરસના નિકોલયની સાંગીતિક કારકિર્દી જ્વલંત સફળતા સાથે શરૂ થઈ. આ પછી વાદ્યવૃંદ માટે તેણે ‘ફૅન્ટસી ઑન સર્બિયન થીમ્સ’ (Fantasy on Serbian Themes) લખી. 1867ની ચોવીસમી મેના રોજ તેના વાદ્યવૃંદનું પ્રથમ સંચાલન ગુરુ મિલી બાલાકિરેવે કર્યું. છાપામાં સંગીત-વિવેચક વ્લાદિમીર સ્ટેસોવે તેનાં ખૂબ વખાણ કર્યાં અને કહ્યું કે પશ્ચિમ યુરોપીય સંગીતમાંથી મુક્ત થવાની દિશામાં આ કૃતિ નોંધપાત્ર પ્રગતિ છે.

1871માં સેંટ પીટર્સબર્ગ કૉન્ઝર્વેટરીમાં નિકોલયની નિમણૂક સંગીત-પ્રાધ્યાપક તરીકે થઈ. આ દરમિયાન તેમણે પશ્ચિમ યુરોપીય પરંપરામાં ઘડાયેલા મહાન રશિયન સંગીતકાર પ્યોતર ચાઇકૉવ્સ્કી પાસે સાંગીતિક તાલીમ લેવી શરૂ કરી. આ તાલીમના ભાગ રૂપે તેમણે ચાઇકૉવ્સ્કીને દસ કાઉન્ટરપૉઇન્ટ (counterpoint) અને દસ ફ્યુગ (fugue) સર્જીને મોકલ્યાં. ચાઇકૉવ્સ્કી ખુશ થયો અને 1875માં તાલીમ પૂરી થઈ. આ દરમિયાન 1873માં તેઓએ નૌકાદળની નોકરીનો ત્યાગ કરી મિલિટરી બૅન્ડ્ઝ ઇન્સ્પેક્ટર અને કન્ડક્ટરની જવાબદારી સંભાળેલી. 1874ની બીજી માર્ચે જાતે સેંટ પીટર્સબર્ગમાં પોતાની ત્રીજી સિમ્ફનીની રજૂઆત કરતા વાદ્યવૃંદનું સંચાલન કર્યું. એ જ વર્ષે તે સેંટ પીટર્સબર્ગની ‘ફ્રી મ્યુઝિકલ સ્કૂલ’ના ડિરેક્ટર નિમાયા. આ પદે તે 1881 સુધી ચાલુ રહ્યા. 1883થી 1894 સુધી તેમણે સંગીતના ઘણા જલસાઓમાં વિશાળ વાદ્યવૃંદનું સંચાલન કર્યું. 1886થી 1900 સુધી તે રશિયન સિમ્ફની કૉન્સર્ટોના મુખ્ય સંચાલક હતા. 1889માં પૅરિસ ખાતે યોજાયેલા પૅરિસ વર્લ્ડ એક્સ્પોઝિનમાં રજૂ થયેલા રશિયન સંગીતનું સંચાલન તેમણે કર્યું હતું. 1907માં પૅરિસમાં સર્ગેઈ ડિયાઇલેવના બેલે ‘રુસિસ’નું બે વાર તેમણે સંચાલન કરેલું.

પ્રકાશિત થતા રશિયન સંગીતને સંપાદિત કરવાનું ભગીરથ કાર્ય નિકોલયે કર્યું. મુસોર્ગ્સ્કીના મૃત્યુ પછી તેના સંગીતના પ્રકાશન પહેલાં નિકોલયે તે સંગીતને પણ સંપાદિત કરી તેમાંની સૂરાવલિઓ (melodies) અને સામંજસ્યો(harmonic progressions)ને ધરમૂળથી બદલી નાખ્યાં. મુસોર્ગ્સ્કીના ઑપેરા ‘ખાવોન્શ્ચીના’ને તો તેમણે નવેસરથી જ લખ્યો. મુસોર્ગ્સ્કીના ઑપેરા ‘બોરિસ ગોધુનેવ’ને ધરમૂળથી બદલીને નવેસરથી લખવા બદલ ‘એક માસ્ટરપીસ સાથે ચેડાં કરવાની’ આકરી ટીકાઓનો વરસાદ તેમના પર વરસ્યો. પછીથી 1928માં નિકોલયના હસ્તક્ષેપથી મુક્ત એવાં મુસોર્ગ્સ્કીના સમગ્ર મૂળ સંગીતસ્કોરનું પ્રકાશન થયું. નિકોલયે સુધારેલા  સંપાદન કરેલા મુસોર્ગ્સ્કીના સંગીતને આજે નિકોલયની નિજી સાંગીતિક અભિવ્યક્તિ માનવામાં આવે છે. સ્વરનિયોજક ગ્લાઝુનોવની સાથે નિકોલયે સ્વરનિયોજક બોરોદીનની અપ્રકટ કૃતિઓનું મરણોત્તર સંપાદન કર્યું.

પોતે પોતાના સંગીતના કડક આલોચક હોવાથી પોતાની કૃતિઓને મઠારવાનું તેમણે સતત ચાલુ રાખ્યું. આને કારણે નિકોલયની કૃતિઓની ફેરફારો ધરાવતી અનેક આવૃત્તિઓ મળે છે. નિકોલયની શ્રેષ્ઠ સિદ્ધિઓ ઑપેરામાં મળે છે. બે ઑપેરા ‘સર્વેલિયા’ તથા ‘મૉત્સાર્ટ ઍન્ડ સેલિયેરી’ને બાદ કરતાં નિકોલયના ઑપેરાના વિષયો અચૂક રશિયન કે અન્ય સ્લાવ ઇતિહાસ, સાહિત્ય કે પરીકથામાંથી લીધેલા છે.

નિકોલયના શ્રેષ્ઠ ઑપેરામાં ‘સ્નો મેઇડન’, ‘સેડ્કો’, ‘ધ ઝાર્સ બ્રાઇડ’, ‘ધ ટેઇલ ઑફ ઝાર સેલ્ટાન’, ‘મેઇડન ફેવ્રોનિયા’, ‘લ કૉક ડોર’ તથા ‘ધ લીજન્ડ ઑફ ધી ઇન્વિઝિબલ સિટી ઑફ કિતેઝ’નો સમાવેશ થાય છે અને તેમનું વાદન-મંચન હજી આજ સુધી રશિયન સંગીતજલસાઓમાં ચાલુ છે. ‘ધ ટેઇલ ઑફ ઝાર સેલ્ટાન’માંનું ‘ધ સૉન્ગ ઑફ ઇન્ડિયા’ ખૂબ જ પૉપ્યુલર છે.

નિકોલયની અન્ય કૃતિઓમાં સિમ્ફનિક સ્વીટ ‘શેહેરાઝાદે’, ઓવર્ચર ‘રશિયન ઇસ્ટર ફેસ્ટિવલ’ તથા ‘કેપ્રિચિયો એસ્પાન્યોલ’ છે. તેણે એક ‘પિયાનો કન્ચર્ટો’ પણ લખ્યો છે. તેનું ચેમ્બર સંગીત સાધારણ કક્ષાનું હોવાથી તે આજે વગાડવામાં આવતું નથી.

લાંબી શૈક્ષણિક કારકિર્દીના પ્રતાપે તેમણે અનેક સંગીતકારો તૈયાર કર્યા, જેમાં આઇગોર સ્ટ્રાવિન્સ્કીનું નામ મોખરે છે.

તેમણે લખેલાં પુસ્તકો ‘પ્રૅક્ટિકલ મૅન્યુઅલ ઑફ હાર્મર્ની’ (1884) અને ‘ફન્ડામેન્ટલ્સ ઑવ્ ઑર્કેસ્ટ્રેશન’ (1913  મરણોત્તર) આજે પૂર્વ યુરોપ અને રશિયામાં સંગીતના પાઠ્યપુસ્તક તરીકે વપરાય છે.

અમિતાભ મડિયા