રિબમૅન, રૉનાલ્ડ (બર્ટ)

January, 2004

રિબમૅન, રૉનાલ્ડ (બર્ટ) (જ. 28 મે 1932, ન્યૂયૉર્ક સિટી) : અમેરિકાના નાટ્યલેખક. બ્રુકલિન કૉલેજ – ન્યૂયૉર્ક ખાતે શિક્ષણ – 1950–51; યુનિવર્સિટી ઑવ્ પિટ્સબર્ગમાંથી બી.બી.એ. – 1954; એમ. લિટ્. – 1958; પીએચ.ડી. – 1962. યુ.એસ. સેનાદળમાં કામગીરી બજાવી – 1954–56. ઓહાયોની ઑટરબેન કૉલેજમાં અંગ્રેજીના સહાયક-પ્રાધ્યાપક – 1962–63.

તેમને મળેલાં સન્માનો આ પ્રમાણે છે : ઓબી એવૉર્ડ (1966), રૉકફેલર ગ્રાન્ટ (1966, 1968, 1975), ગુગન હાઇમ ફેલોશિપ (1970), સ્ટ્રૉ હૅટ એવૉર્ડ (1973), નૅશનલ એનડાઉમેન્ટ ફૉર ધી આટર્સ ગ્રાન્ટ (1974), ફેલોશિપ (1986–87), ક્રિયેટિવ આર્ટિસ્ટ્સ પબ્લિક સર્વિસ ગ્રાન્ટ (1976), ડ્રામેટિસ્ટ્સ ગિલ્ડ હલ વૉરિનર એવૉર્ડ પ્લેરાઇટ યુ. એસ. એવૉર્ડ (1984), કૅનેડી સેન્ટર ન્યૂ અમેરિકન પ્લે ગ્રાન્ટ (1991). ‘હેરી નૂન ઍન્ડ નાઇટ’ (1967), ‘પાસિંગ થ્રૂ ફ્રૉમ ધી ઍક્ઝોટિક પ્લેસિઝ’ (1970), ‘ધ મોસ્ટ બ્યૂટિફુલ ફિશ’ (ભજવાયું 1969), ‘ધ પૉઇઝન ટ્રી’ (1977), ‘ફાઇવ પ્લેઝ’ (1978), ‘ધ કૅનિબાલ માસ્ક’ (ભજવાયું : 1987) અને ‘ધ રગ મર્ચન્ટ્સ ઑવ્ કેઑસ’ (ભજવાયું : 1991)  એ તેમની કેટલીક જાણીતી નાટ્યકૃતિઓ છે. આ ઉપરાંત ચિત્રપટકથા તથા ટેલિવિઝન નાટકો પણ તેમણે લખ્યાં છે.

મહેશ ચોકસી