વૈભારગિરિ : બિહાર રાજ્યના પટણા જિલ્લામાં રાજગૃહ કે રાજગિરિ પાસે આવેલી પર્વતમાળા. રામાયણ, મહાભારત, બૌદ્ધ પાલિ સાહિત્ય તથા અન્ય સાહિત્યમાંથી વૈભારગિરિ વિશે માહિતી મળે છે.

ભગવાન બુદ્ધને ચારેય બાજુથી પહાડીઓથી ઘેરાયેલ આ પ્રાકૃતિક સ્થળ ઘણું પસંદ હતું. તેથી તેઓ સંબોધિ મેળવ્યા પહેલાં પણ રાજગૃહ આવ્યા હતા. અજાતશત્રુના શાસનકાળમાં વૈભારગિરિની સાતપર્ણી ગુફામાં પ્રથમ બૌદ્ધસંગિતિ મળી હતી, જેની અધ્યક્ષતા મહાસ્થવિર મહાકાશ્યપે લીધી હતી જેના ફળસ્વરૂપે સૂત્ર અને વિનયપિટકનું સંગાયન થયું હતું. ચીની યાત્રી હ્યુ-અન-શ્વાંગ અને ફાહિયાને પોતાના યાત્રાવર્ણનમાં પણ રાજગૃહની સાથે વૈભારગિરિ વિશે નોંધ કરી છે.

મહાભારતમાં વૈભારગિરિ અંગે વૈહાર અને જૈન અભિલેખોમાં ‘બૈભાર’ નામ મળે છે. ‘વિવિધતીર્થકલ્પ’માં એનો ઉલ્લેખ ‘વૈભાર’ તરીકે થયો છે, જે આજે પણ વૈભારગિરિના રૂપમાં પોતાનાં નામ અને રૂપને સુરક્ષિત રાખી અસ્તિત્વ ધરાવે છે.

વૈભારગિરિની સાતપર્ણી ગુફાની સામે આવેલી બીજી ગુફાનું નામ પિપ્પલી ગુફા હતું; જેમાં બુદ્ધના મુખ્ય શિષ્ય મહાકાશ્યપ અવારનવાર નિવાસ કરતા હતા. અહીંનાં જંગલોમાં અનેક જડીબુટ્ટીઓ હતી. રાજગૃહના પ્રસિદ્ધ વૈદ્ય જીવક તે સમયના ધન્વંતરિ હતા.

વૈભારગિરિની તળેટીમાં સોતા(તપોદા)માં ગરમ પાણીના કુંડ આવેલા હતા. તપોદાની નજીકમાં આવેલ તપોદકારામ વિહારમાં બુદ્ધે ઘણી વાર વિહાર કરેલ. અહીં આજે પણ બુદ્ધના સમયના ગરમ પાણીના કુંડ જોવા મળે છે.

હાલ વૈભારગિરિ પર સાતપર્ણી ગુફા, પિપ્પલી ઘર, બલરામ મંદિર, પ્રાચીન અને અર્વાચીન જૈનમંદિર, મહાદેવનું મંદિર વગેરે આવેલાં છે.

રામજીભાઈ ઠા. સાવલિયા