વૈન્યગુપ્ત : ગુપ્ત સમ્રાટ બુધગુપ્તનો ઉત્તરાધિકારી. તે ઈ. સ. 495માં પાટલિપુત્રની ગાદીએ બેઠો. એણે ઈ. સ. 495થી 507 સુધી શાસન કર્યું. બુધગુપ્ત પછી ગુપ્ત સામ્રાજ્ય પોતાની એકતા જાળવી શક્યું નહિ. ગુપ્ત સામ્રાજ્યના પૂર્વ ભાગમાં વૈન્યગુપ્તનું તથા પશ્ચિમ ભાગમાં ભાનુગુપ્તનું શાસન હતું.

વૈન્યગુપ્તના સોનાના સિક્કા પ્રાપ્ત થયા છે. આ સિક્કાઓમાં સોનાની માત્રા વધુ હતી, જે સૂચવે છે કે તેના સમયમાં રાજ્યની સમૃદ્ધિમાં વધારો થયો હતો. એના સિક્કા તોલ વગેરેમાં ચન્દ્રગુપ્ત બીજાના અને સમુદ્રગુપ્તના સિક્કા જેવા હતા. સિક્કાની એક બાજુ વૈન્યગુપ્તની આકૃતિ છે, જેમાં તેના જમણા હાથમાં ધનુષ અને ડાબા હાથમાં બાણ ધારણ કરેલ છે. રાજાની આકૃતિની એક તરફ ગરુડસ્તંભનું ચિહ્ન છે અને બીજી બાજું ‘વૈન્ય’ એવું લખાણ છે. સિક્કાની બીજી બાજુ કમલાસન પર બિરાજમાન લક્ષ્મીની આકૃતિ છે તથા વૈન્યગુપ્તનું બિરુદ ‘‘દ્વ્રઘ્ટ્ટદઘ્રૂજા’’ કોતરેલું છે.

બંગાળ રાજ્યના ગુનૈધર મુકામે પ્રાપ્ત થયેલ ઈ. સ. 507(ગુપ્ત સંવત 188)ના એક તામ્રશાસનમાં વૈન્યગુપ્ત વિશે માહિતી મળે છે.

રામજીભાઈ ઠા. સાવલિયા