વૈદ્ય, વિશ્વનાથ પ્રભુરામ (જ. 26 ફેબ્રુઆરી 1863, પોરબંદર; અ. 11 ડિસેમ્બર 1940, મુંબઈ) : ગુજરાતી વિવેચક, તત્ત્વચિંતક, ધારાશાસ્ત્રી, ચરિત્રલેખક. પ્રશ્ર્નોરા નાગર બ્રાહ્મણ. એમના પૂર્વજોની અટક વ્યાસ. પરંપરાગત વૈદ્યવિદ્યાનો વારસો ઊતરી આવેલો. પિતા પ્રભુરામ પ્રતિષ્ઠિત વૈદ્ય. વિશ્વનાથની પ્રાથમિક કેળવણી પોરબંદરમાં. 1870માં પિતાએ મુંબઈમાં સ્થાયી થઈ વૈદું આરંભ્યું; તેથી વિશ્વનાથની માધ્યમિક અને પછીની કેળવણી મુંબઈમાં. 1883માં મૅટ્રિક. 1884માં એલ્ફિન્સ્ટન કૉલેજમાં દાખલ થયા પછી 1895માં બી.એ.. ધારાશાસ્ત્રી થવાની ઉમેદે મેસર્સ ભાઈશંકર ઍન્ડ કાંગાની સૉલિસિટરની પેઢીમાં ક્લાર્કની નોકરી સ્વીકારી. 1901માં કાયદાના અભ્યાસ અર્થે ઇંગ્લૅન્ડ ગયા, 1904માં બૅરિસ્ટર થયા. સ્વદેશ આવ્યા પછી મુંબઈમાં બાહોશ બૅરિસ્ટર તરીકે નામના મેળવી.
પોતાના વ્યવસાય ઉપરાંત તેઓ તત્કાલીન રાજકારણ, ઉદ્યોગ, કેળવણી અને સાહિત્યક્ષેત્રે પ્રવૃત્ત રહ્યા હતા. કાગ્રેસની કેટલીક સભાઓમાં હાજરી આપેલી, ભાષણો વાંચેલાં અને બંધારણ અંગે સૂચનો પણ આપેલાં. વેપાર-ઉદ્યોગમાં તે વખતની સર વાઘજી મિલ (વઢવાણ), લક્ષ્મી કૉટન મિલ (સોલાપુર), ત્રિકમદાસ મિલ અને વિષ્ણુ મિલ(સોલાપુર)ની સ્થાપનામાં ફાળો આપેલો અને ત્રણ મિલોના ડિરેક્ટર-પદે રહ્યા હતા. બે વીમાકંપનીઓ ઊભી કરવામાં તેમણે શ્રમ લીધેલો અને તેમાંની એક ‘ધ બ્રિટાનિયા લાઇફ ઇન્સ્યોરન્સ કંપની લિ.’ના ડિરેક્ટર હતા. 1908માં એમણે દેશી દવાઓની કંપની ‘ઝંડુ ફાર્માસ્યૂટિકલ વર્ક્સ લિ.’ની સ્થાપના કરી હતી. કેળવણીક્ષેત્રે તેમણે ગોકળદાસ તેજપાળ હાઈસ્કૂલ (કચ્છ માંડવી), કાનજી ધરમજી હાઈસ્કૂલ, ચંદારામજી હિન્દુ ક્ધયા હાઈસ્કૂલ, દુર્ગાદેવી બૉય્ઝ ઍન્ડ ગર્લ્સ સ્કૂલ આદિની સ્થાપના અને સંચાલનમાં ફાળો આપ્યો હતો.
ઔષધવિદ્યા, સંસ્કૃત ભાષા અને પુરાતત્ત્વમાં પ્રાવીણ્ય દાખવી તેમણે કીર્તિ અને સન્માનો પણ પ્રાપ્ત કરેલાં. 1902માં તેઓ ઑરિયેન્ટલ કાગ્રેસમાં જોડાયા હતા. 1919માં પુણેમાં મળેલી ઑરિયેન્ટલ કાગ્રેસમાં તેઓ સ્વાગત મંડળના અધ્યક્ષ હતા. 1928માં ઇંગ્લૅન્ડમાં ઇન્ટરનૅશનલ કાગ્રેસમાં તેમણે ‘ઈશાવાસ્યોપનિષદ’ પર નિબંધ વાંચ્યો હતો. મહાભારતની સંશોધિત આવૃત્તિના પ્રયાસને ઉત્તેજન મળે તેનો પ્રયત્ન એમણે કરેલો. તેઓ મુંબઈની રૉયલ એશિયાટિક સોસાયટીના સભ્ય અને ઉપપ્રમુખ રહ્યા હતા. 1934માં તેઓ વડોદરામાં પ્રાચ્યવિદ્યા પરિષદના ગુજરાતી વિભાગના અધ્યક્ષ વરાયા હતા અને સાહિત્ય પરિષદમાં રસ ધરાવતા હતા. એમણે બે વાર જર્મનીનો પ્રવાસ કરેલો અને ભારતીય દર્શનશાસ્ત્ર પર પુસ્તકો લખનાર જર્મન વિદ્વાન પ્રો. ડાયસનને એમણે પાતંજલ યોગશાસ્ત્ર વિશે ઉપયોગી માર્ગદર્શન આપેલું. એમનું ‘સરસ્વતીચંદ્ર’(ભાગ 1)નું અવલોકન ‘આર્યધર્મપ્રકાશ’માં છપાયેલું. તે 1890માં સ્વતંત્ર પુસ્તિકા રૂપે પ્રગટ થયું હતું; જેની ત્રીજી આવૃત્તિ 1923માં છપાઈ હતી. ‘સરસ્વતીચંદ્ર’નું આવું વીગતપૂર્ણ વિવેચન ઘણી ખ્યાતિ પામ્યું હતું. વિવેચનનો એમનો અભિગમ નૈતિક રહ્યો છે. રમણભાઈ નીલકંઠે (18681928) તો આ અવલોકનના અવલોકન રૂપે લેખ લખી ‘સરસ્વતીચંદ્ર’ની માર્મિક સમીક્ષા કરી છે. ‘વેદાંતદર્શન’ (1900) અને ‘અદ્વૈતામૃત’ (1904) એમના વેદાંતવિષયક ગ્રંથો છે. ‘વેદાંતદર્શન’માં ‘ગૌરીશંકર ઓઝાના જીવન ઉપર વિચાર’ અને ‘પ્રો. ડાયસનના વેદાન્તવિચાર’ જેવા લેખોનો સમાવેશ થયો છે. ‘લૉર્ડ લૉરેન્સનું ચરિત્ર’ (1895), સંસ્કૃતમાં અંગ્રેજી ટીકા સાથે રચાયેલું ‘ન્યાયસાર’ (1909), ‘ઈશાવાસ્યોપનિષદ’ (1929) એમનાં ગણનાપાત્ર પુસ્તકો છે. આ ઉપરાંત ‘હરિશ્ર્ચંદ્ર નાટક’, ‘Sushrut and His Date’, ‘A Short Paper on the Indian National Congress’ આદિ પુસ્તક-પુસ્તિકાઓ એમણે આપેલ છે.
મનોજ દરુ