વૈદ્ય બાબુભાઈ પ્રાણજીવન (જ. 23 જુલાઈ 1909, દ્વારકા; અ. ?) : ગુજરાતી નવલકથાકાર, વાર્તાકાર, ચરિત્રલેખક, સામાજિક અને રાજકીય કાર્યકર. તખલ્લુસ : ‘બિપિન વૈદ્ય’, ઈ. ન., બા. પિતા દ્વારકામાં સરકારી ડૉક્ટર. પ્રાથમિક શિક્ષણ જેતપુર અને પાદરાની શાળામાં. માધ્યમિક શિક્ષણ જેતપુરમાં. 19271930 દરમિયાન જૂનાગઢની બહાઉદ્દીન કૉલેજમાં અભ્યાસ કરેલો. પણ વચ્ચે એક વર્ષ વડોદરા કૉલેજમાં પણ દાખલ થયેલા. પિતામહનું અવસાન 1929માં થતાં તે પછી તેમનું ઔષધાલય પણ અભ્યાસ સાથે સાથે તેઓ ચલાવતા. અભ્યાસનાં વર્ષોમાં સત્યાગ્રહની લડતમાં પ્રભાવશાળી ભાષણો કરી રાજકીય કારકિર્દીના મંડાણ કર્યાં. 1930થી 1943 દરમિયાન જેતપુરની રાજકીય અને સામાજિક પ્રવૃત્તિમાં સક્રિયપણે જોડાયેલા રહ્યા. તેઓ એક સારા વક્તા હતા.
વ્યવસાયે વૈદ્ય અને રાજકીય-સામાજિક કાર્યકર હોવા સાથે તેમણે સાહિત્ય અને પત્રકારત્વ ક્ષેત્રે નોંધપાત્ર પ્રદાન કર્યું છે. એમનું લેખનકાર્ય જૂનાગઢમાં બહાઉદ્દીન કૉલેજના મુખપત્રથી શરૂ થયેલું. 1937થી ‘ફૂલછાબ’માં ગ્રંથાવલોકનો લખવાં શરૂ કર્યાં અને 1943માં ‘ફૂલછાબ’ દૈનિકના સહતંત્રી તરીકે જોડાયા. 1945માં એમણે સંપાદક મેઘાણી સાથે ‘ફૂલછાબ’ છોડ્યું અને 1946માં મુંબઈમાં ‘સાંજ વર્તમાન’ દૈનિકમાં જોડાયા. 1947માં રાજકોટથી ‘જયહિન્દ’ નામે દૈનિક શરૂ થતાં એના તેઓ આદ્યતંત્રી બન્યા.
એમણે ‘નંદ્બાબુ’ (1957), ‘ઉપમા’ (1964), ‘ગોદાવરી’ (1969), ‘વિશ્વામિત્ર’ (1972), ‘શોખીન મરજીવા’ (1973), ‘છેતરી ગઈ’ (1977), ‘શાકુન્તલેય ભરત’ (1979) જેવી નવલકથાઓ લખી છે.
‘અ. સૌ. વિધવા’ (1941), ‘વહેતું વાત્સલ્ય’ (1964), ‘નિરાંતનો રોટલો’, ‘પારકી છઠ્ઠીના જાગતલ’, ‘મા વિનાનાં’, ‘રોતી ઢીંગલી’ અને ‘રાણકદેવી’ એમના વાર્તાસંગ્રહો છે. મોટેભાગે કુટુંબજીવનની ઘટનાપ્રધાન વાર્તાઓ આ સંગ્રહોમાં છે. ‘એ …………..આવજો’ અને ‘પ્રેરણા’ એમનાં મૌલિક નાટકો છે, તો ‘ઢીંગલીઘર’, ‘હંસી’, ‘લોકશત્રુ’, ‘વિધિનાં વિધાન’ જેવાં ઇબ્સન(18281906)નાં નાટકોના અનુવાદ પણ એમણે આપ્યા છે.
એમનું ‘રેતીમાં વહાણ’ (1975) સંસ્મરણોનું પુસ્તક છે. ‘ઝવેરચંદ મેઘાણી’ (1969) અને ‘અકબર’ સંક્ષિપ્ત જીવનચરિત્રોનાં પુસ્તકો છે.
એમનો સામાજિક અને રાજકીય પ્રવૃત્તિમાં ફાળો પણ મહત્ત્વનો છે. તેઓ સૌરાષ્ટ્ર રાજ્યના પછાત વર્ગના બૉર્ડના માનદ મંત્રી હતા. 1957થી 1962 દરમિયાન હરિજન કાર્ય પરત્વે સક્રિય રહ્યા અને પુસ્તકપ્રકાશનની તથા સાહિત્યની પ્રવૃત્તિમાં ભાગ લીધો. 1962થી 1967 દરમિયાન ગુજરાત રાજ્યના તેઓ અપક્ષ ધારાસભ્ય હતા. 1967થી એમણે સાહિત્યેતર જાહેર પ્રવૃત્તિમાંથી નિવૃત્તિ લીધી હતી.
મનોજ દરુ