વૈદ્ય બાપાલાલ ગ. શાહ (જ. 17 જાન્યુઆરી 1896, સણસોલી, પંચમહાલ, ગુજરાત; અ. 10 ડિસેમ્બર 1993) : ગુજરાતના જાણીતા આયુર્વેદજ્ઞ અને વૈદ્ય. ગુજરાતમાં આયુર્વેદક્ષેત્રની ઉત્તમ વિભૂતિઓમાં તેમનું સ્થાન છે. તેમનું કાર્યક્ષેત્ર સૂરત હતું. તેમના પિતાનું નામ ગરબડદાસ. જ્ઞાતિ દશા ખડાયતા વણિક. પ્રાથમિક શાળાંત પાસ કરી 12 વર્ષની ઉંમરે આગળનો અભ્યાસ વડોદરામાં કર્યો. ત્યાં તેમનો સંપર્ક વ્યાયામગુરુ તથા રાષ્ટ્રીય સેવક અંબુભાઈ પુરાણી સાથે થયો. પરિણામે તેમનામાં વ્યાયામ અને રાષ્ટ્રીયતા માટે ભાવનાપ્રીતિ વિકસી. હાઈસ્કૂલના શિક્ષણ દરમિયાન અંગ્રેજી અને સંસ્કૃત ભાષા પર ઘણું પ્રભુત્વ મેળવ્યું. પિતા વ્યવસાયકુશળ અને ખૂબ સુખીસંપન્ન હતા; પરંતુ પિતાના ધંધામાં જોડાવાને બદલે બાપાલાલ ભરૂચમાં રાષ્ટ્રીય શાળામાં ખંડ સમયના શિક્ષક તરીકે જોડાયા. તેઓ વ્યાયામવીર પણ બન્યા. તેઓ એમ.બી.બી.એસ. (ડૉક્ટર) થવાની ઇચ્છા હોઈ, મુંબઈ અભ્યાસ માટે ગયેલા; પણ બીમારી આવવાથી ત્યાંથી પાછા આવી, તે અભ્યાસ ત્યજીને ઝાડેશ્વર હૉસ્પિટલમાં વૈદ્ય શ્રી અમૃતલાલ પ્રાણશંકર પટ્ટણીને ત્યાં આયુર્વેદનો અભ્યાસ કરવા માંડ્યો. દિવસે છોટુભાઈ પુરાણીની રાષ્ટ્રીય શાળામાં ભણાવતા, સાંજે ભરૂચની બટુકનાથ વ્યાયામશાળામાં વિદ્યાર્થીઓને વ્યાયામ શીખવતા અને રાત્રે ગુરુ પાસે ઝાડેશ્વરમાં આયુર્વેદનો અભ્યાસ કરતા.

બાપાલાલ વૈદ્ય

આયુર્વેદના અભ્યાસમાં વિવિધ વનસ્પતિઓને ઓળખવી, તે દરેકના ગુણધર્મો સમજવા, તેના પ્રયોગો જાણી દર્દી ઉપર અજમાવી, તેનાં પરિણામો જાણવાં, ઔષધિઓ જાતે બનાવવી વગેરે પાયાનાં કાર્યો કરી તેમણે પોતાનું આયુર્વેદનું જ્ઞાન ઢ કર્યું. તે સાથે લેખન-પ્રવૃત્તિ, અધ્યયન અને ચિંતન વગેરે તેમનો નિત્યક્રમ હતો. આયુર્વેદના અભ્યાસ દરમિયાન તેમણે સંસ્કૃતનો વધુ અભ્યાસ બે વર્ષ સુધી કર્યો. પોતે ઝાડેશ્વરમાં પત્ની સાથે જ રહેતા. દરરોજ રાષ્ટ્રીય શાળા, વ્યાયામશાળા, આયુર્વેદનો અભ્યાસ અને ઘરસંસાર એકસાથે ચાલતાં રહ્યાં. તે પછી તેઓ સૌરાષ્ટ્રના લીંબડીના આયુર્વેદના દવાખાનામાં રહ્યા. ત્યાં તેમણે વ્યાયામ, અને દેશસેવા સાથે નોકરી કરી. ઍલૉપથી વિજ્ઞાનનો અભ્યાસ અમદાવાદના ડૉ. દેસાઈ પાસે કરી, તેનો અનુભવ મેળવ્યો. તે પછી તેમણે સૂરત પાસેના હાંસોટ ખાતે 19 વર્ષ સુધી જનતાની નિષ્ઠાપૂર્વક વૈદકીય સેવા કરી ઉત્તમ વૈદ્ય તરીકેની પ્રતિષ્ઠા મેળવી. વૈદકના અભ્યાસ સાથે તેમની લેખન-પ્રવૃત્તિ પણ ચાલતી રહી. વળી સંસ્કૃતના ગ્રંથોનો તલસ્પર્શી અભ્યાસ કર્યા પછી તેઓ કચ્છના સુવિખ્યાત વનસ્પતિશાસ્ત્રી શ્રી જયકૃષ્ણ ઇન્દ્રજીના પરિચયમાં આવ્યા અને તેમની પાસે રહી, વનસ્પતિનું ઊંડું જ્ઞાન મેળવ્યું. તે સાથે તેમણે વનસ્પતિની વિશેષ જાણકારી માટે વિવિધ જંગલોમાં ફરી, પ્રાપ્ત જ્ઞાનમાં આધુનિક બૉટનિકલ ગ્રંથોમાં આપેલા વનસ્પતિ-જ્ઞાનનો તુલનાત્મક અભ્યાસ કર્યો.

આયુર્વેદની પ્રૅક્ટિસ વધતાં તેઓ હાંસોટથી ભરૂચ આવી છ વર્ષ રહ્યા. ત્યારબાદ સ્વામી આત્માનંદ સરસ્વતીના નિમંત્રણથી તેઓ સૂરત આવીને વસ્યા. તે પછી તેમણે સૂરતને પોતાની કર્મભૂમિ બનાવી. અહીં અથાગ પ્રયત્નો કરી શ્રી ઓચ્છવલાલ હી. નાઝર આયુર્વેદ મહાવિદ્યાલયની સ્થાપના કરાવડાવી. આ આયુર્વેદની કૉલેજમાં શરૂઆતનાં 19 વર્ષ (સને 1965 સુધી) બાપાલાલ ભાઈએ આચાર્યપદ સંભાળ્યું ને શોભાવ્યું. તે સાથે તેમણે સૂરતમાં સ્વામી આત્માનંદ સરસ્વતીના નામે, ‘આસ્ફા’ એવા ટૂંકા નામવાળી આયુર્વેદની ઉત્તમ ઔષધિઓ બનાવનારી ફાર્મસી ટ્રસ્ટ દ્વારા શરૂ કરાવડાવી, જે આજે પણ ઉત્તમ રીતે ચાલે છે. આયુર્વેદ કૉલેજના સંચાલન સાથે તેમણે વૈજ્ઞાનિક અભિગમ અપનાવી આયુર્વેદના વિદ્યાર્થીઓને ઉત્તમ વિદ્યાભ્યાસ કરાવડાવ્યો. વિદ્યાર્થીઓમાં તથા દર્દીઓમાં તેઓ બાપાજી, કે બાપાલાલ વૈદ્યરાજ જેવા બહુમાનભર્યા નામથી ઓળખાવા લાગ્યા. વળી તેમણે ‘ભિષગ ભારતી’ નામનું એક વૈદકીય માસિક 1954માં શરૂ કરી, ઘણાં વર્ષો સુધી ચલાવ્યું. એ માસિકમાં તથા ગુજરાતી તથા હિન્દીનાં બીજાં અનેક આયુર્વેદિક માસિકોમાં તેમણે પોતાના 500થી વધુ લેખો આપીને તથા વૈદકના 25 જેટલા અમૂલ્ય ગ્રંથો લખીને આયુર્વેદિક સાહિત્યના પોતાના ઊંડા પ્રેમ અને જ્ઞાનનો બધાને અનુભવ કરાવ્યો.

વૈદ્ય બાપાલાલ શાહે જે 24 ગ્રંથો લખ્યાં છે, તેમાં ‘નિઘંટુ આદર્શ’ (બે ભાગમાં : હિન્દી તથા ગુજરાતીમાં) તેમના વનસ્પતિ-જ્ઞાનની યશકલગી સમાન ઉચ્ચ કોટિનો ગ્રંથ છે. એવી જ રીતે ભારતીય રસશાસ્ત્ર અને ચરકનો સ્વાધ્યાય પણ તેમની ઉત્તમ કૃતિઓ ગણાય છે. એ ઉપરાંત તેમના પ્રગટ ગ્રંથોની યાદી આ મુજબ છે : ‘દિનચર્યા’, ‘ઘરગથ્થું વૈદક’, ‘વૃદ્ધત્રયીની વનસ્પતિઓ’, ‘અભિનવ કામશાસ્ત્ર’, ‘વૈદકીય કાયદાશાસ્ત્ર’, ‘વનસ્પતિશાસ્ત્રી જયકૃષ્ણ ઇંદ્રજીનું જીવનચરિત્ર’, ‘ગુજરાતની વનસ્પતિઓ’, ‘ઉદ્ભિજ્જશાસ્ત્ર’, ‘વનસ્પતિવર્ણન પ્રવેશ’, ‘દમ’, ‘સંસ્કૃત સાહિત્યમાં વનસ્પતિઓ’, ‘ખોરાકનાં તત્ત્વો’, ‘આયુર્વેદીય વ્યાખ્યાનમાળા’, ‘આયુર્વેદ વૈજ્ઞાનિક ષ્ટિ’, ‘આયુર્વેદ વિહંગાવલોકન’, ‘આપણો ખોરાક’, ‘આરોગ્ય પાઠાવલી’, ‘આરોગ્ય સંજીવની’, ‘ચરકનો સ્વાધ્યાય’, ‘વનવનનાં ઓસડિયાં’, ‘ઘરઘરનાં ઓસડિયાં’ તથા ‘વાડી વાડીનાં ઓસડિયાં’  આ બધા ગ્રંથો આયુર્વેદના ઊંડા અને અનુભૂત જ્ઞાનના પરિપાકરૂપ હોઈ, જનતામાં ખૂબ આદરપાત્ર બનેલા છે.

પોતાના વનસ્પતિજ્ઞાનનો વૈદ્યો, આયુર્વેદના વિદ્યાર્થીઓ તથા વનસ્પતિપ્રેમી લોકોને વધુ ઉત્તમ લાભ આપવાના હેતુથી તેમણે અમદાવાદમાં ‘અખિલ ભારતીય વનૌષધિ અભ્યાસ મંડળ’ની સ્થાપના કરી અને શરૂઆતથી હયાત રહ્યા ત્યાં સુધી તેના પ્રમુખ તરીકે સેવા આપી. તેમની આગેવાની નીચે આ મંડળ દ્વારા ભારતભરમાં અનેક સ્થળે વર્ષમાં બે વખત વનસ્પતિ માટેની પર્યટન-પરિચય-શિબિરો યોજાયેલી. આ વનસ્પતિ મંડળના આજે 700થી અધિક આજીવન સભ્યો છે. છેલ્લે 1983ની સાલમાં 88 વર્ષની ઉંમરે શ્રી બાપાલાલભાઈ પોતાની તબિયત સારી ન હોવા છતાં 32 અમેરિકન વૈજ્ઞાનિકોની ટુકડીને વનસ્પતિ-વિષયક પોતાના જ્ઞાનનો લાભ આપવા 18 દિવસ સુધી જૂનાગઢ તથા આબુનાં જંગલોમાં ફરેલા. તેમના વનસ્પતિના અદ્ભુત જ્ઞાન અને પ્રેમને કારણે ઘણા વૈદ્યો પણ તેમને આધુનિક ઉત્તમ વનસ્પતિશાસ્ત્રી તરીકે સંબોધે છે. ગુજરાતમાં છેલ્લા સૈકામાં તેમના ગુરુ વનસ્પતિશાસ્ત્રી જયકૃષ્ણ ઇન્દ્રજી પછી તુરત તેમના શિષ્ય તરીકે તેમનું જ નામ યાદ આવે, તેવું તેમનું મહત્ત્વ છે.

સૂરતની આયુર્વેદ કૉલેજના આચાર્યપદેથી નિવૃત્ત થયા બાદ તેમણે આયુર્વેદ હૉસ્પિટલના અધ્યક્ષ તરીકે રહી દર્દીઓની આરોગ્યસેવા કરેલી.

તેમના વનસ્પતિના વિશિષ્ટ જ્ઞાનને કારણે રાજ્ય સરકારે કૉન્ટ્રૉવર્શિયલ ડ્રગ્ઝ કમિટીના ચૅરમૅન તરીકે તથા મુંબઈ સરકારે તેમને ‘સ્ટાન્ડર્ડ ડ્રગ્ઝ ઍન્ડ હર્બ્ઝ કમિટી’ના ચૅરમૅન પદે નિયુક્ત કરેલ. તેમની આ સેવાઓ આયુર્વેદ જગત માટે ઉપકારક અને અવિસ્મરણીય બની રહેલી.

આવા બહુમુખી પ્રતિભાસંપન્ન વૈદ્યરાજનું તેમની આયુર્વેદક્ષેત્રની વિવિધ સેવાઓના ઉપલક્ષ્યમાં અનેક સંસ્થાઓએ વિશિષ્ટ સન્માન કરેલું.

તેમના ચાહકો અને પ્રશંસકોએ તેમની 60 વર્ષની વય પૂર્ણ થતાં તે નિમિત્તે ષષ્ઠિપૂર્તિનો કાર્યક્રમ યોજી તેમને એક ગૌરવગ્રંથ તથા 60 હજાર રૂપિયાની થેલી અર્પણ કરેલી. તેમણે 60 હજારની એ રકમ ‘તાપી બ્રહ્મચર્યાશ્રમ’ને દાનમાં આપી દઈ, પોતાની ઉદારતા દાખવેલી. ગુજરાત મિલ્સ અને ઇન્ડસ્ટ્રિયલ બૉર્ડના ફેડરેશને તેમને સુવર્ણચંદ્રક એનાયત કરી તેમનું વિશિષ્ટ આયુર્વેદીય સેવક તરીકે સન્માન કરેલું. ‘આયુર્વેદિક ન્યાયશાસ્ત્ર’ નામના તેમણે લખેલા ઉત્તમ પુસ્તક માટે તેમને વૈદ્ય શ્રી જાદવજી ત્રિકમજી આચાર્યનો પુરસ્કાર પ્રાપ્ત થયેલો. ગુજરાત સાહિત્ય સભાએ સાહિત્યક્ષેત્રે તેમણે આપેલ આયુર્વેદના બહુમૂલ્ય સાહિત્યના પ્રદાન માટે શ્રી રણજિતરામ સુવર્ણચંદ્રક એનાયત કરેલો. ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી(જામનગર)એ આયુર્વેદના ક્ષેત્રમાં તેમના બહુમૂલ્ય પ્રદાનને ધ્યાનમાં લઈને, તેમને ડી.લિટ.(ડૉક્ટર ઑવ્ લિટરેચર)ની માનાર્હ પદવી એનાયત કરી હતી. અમદાવાદના વૈદ્ય શ્રી શોભનના આયુ ટ્રસ્ટે આયુર્વેદ ક્ષેત્રે તેમની વિશિષ્ટ સેવાઓની સ્મૃતિને ઉજાગર કરવા તા. 17મી સપ્ટેમ્બર, 1995ના રોજ ‘વૈદ્ય શ્રી બાપાલાલ શતાબ્દી મહોત્સવ’નો પ્રારંભ કરી તા. 15 સપ્ટેમ્બર, 1996ના રોજ તે મહોત્સવનું સમાપન કરેલું. આ વર્ષ દરમિયાન આયુ ટ્રસ્ટે વનસ્પતિશાસ્ત્રી બાપાલાલભાઈના જન્મ દિનને ‘દિવ્ય ઔષધિ દિન’ તથા સમગ્ર વર્ષને ‘દિવ્ય ઔષધિ વર્ષ’ તરીકે ઊજવીને, એ દરમિયાન વનસ્પતિ-વિષયક અનેક કાર્યક્રમો આપીને સદ્ગત વૈદ્યરાજને શ્રદ્ધાંજલિ અર્પેલી. આયુર્વેદ ક્ષેત્રનું તેમનું અર્પણ ચિરંજીવ રહે એવું સંગીન અને સમૃદ્ધ છે.

વૈદ્ય બળદેવપ્રસાદ પનારા