વૈજ્ઞાનિક દૃષ્ટિ અને પદ્ધતિ સંશોધન

February, 2005

વૈજ્ઞાનિક દૃષ્ટિ અને પદ્ધતિ સંશોધન : સમસ્યાઓના સમાધાન પરત્વે વાસ્તવિકતાનો અભિગમ. વૈજ્ઞાનિક પદ્ધતિઓનું નિર્માણ એ વિજ્ઞાનનું પ્રમુખ પ્રદાન રહ્યું છે. આથી જ તો વિજ્ઞાને જીવન અને વિશ્વનો બહુ પહોળો પટ આવરી લીધો છે. વિજ્ઞાનની વિશેષતાઓ માત્ર વિજ્ઞાનીઓ સુધી સીમિત નથી રહી. સમસ્યાઓ ભલે વૈજ્ઞાનિક, આર્થિક, સામાજિક, વ્યક્તિગત કે સમૂહગત હોય; તે છતાં તેમના સમાધાન માટે વૈજ્ઞાનિક પદ્ધતિઓ કે પછી વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ તર્કસંગત વિધિ પૂરી પાડે છે. વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ માત્ર પ્રયોગશાળાની ચાર દીવાલો વચ્ચે પેદા થતા પ્રશ્ર્નોનું નિરાકરણ કરે છે તેવું નથી, પણ દૈનિક અને જીવનની સમસ્યાઓના ઉકેલનું દિશાસૂચન કરે છે. વાસ્તવિકતાની સમજને વૈજ્ઞાનિક દૃષ્ટિકોણના પર્યાય તરીકે લેવામાં અતિશયોક્તિ થતી નથી.

જ્યારે કોઈ સમસ્યા માણસ સમક્ષ આવે ત્યારે ભાવુક ન બનવાનું, આવેશથી મુક્ત રહેવાનું, જીદ-જક છોડવાનું અને પૂર્વધારણાઓથી પર રહેવાનું વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ સૂચવે છે. ઉપરાંત, તે ખુલ્લા મનથી વિચારવાનું અને બાહ્ય દબાણથી દૂર રહેવાનું પણ કહે છે. સંદેહ અને આશંકા વૈજ્ઞાનિક દૃષ્ટિકોણનાં દ્યોતક છે. કોઈ પણ મુદ્દે આંધળો વિશ્ર્વાસ રાખ્યા સિવાય તર્ક-આધારિત નિષ્કર્ષ કાઢવો જોઈએ. કોઈ પણ નિર્ણય કે તેના અમલ પ્રત્યે જલ્દબાજી તો હરગિજ ન જોઈએ; બની શકે કે, નિષ્કર્ષ અથવા નિર્ણયમાં ચૂક થાય તો તેને યોગ્ય રીતે બદલવાની તૈયારી રાખવી પડે. વ્યવહારમાં લચીલાપણું (flexibility) જ કામે લાગે છે. હઠને તો હઠાવવી જ રહી. જીવનમાં સફળતા માટે વૈજ્ઞાનિક દૃષ્ટિકોણને જીવનનું અતૂટ અંગ બનાવવું જોઈએ. તે માટે કઠોર પરિશ્રમ, શિસ્ત અને ઈમાનદારી અપનાવવાં અનિવાર્ય છે.

આ સાથે વૈજ્ઞાનિક દૃષ્ટિકોણની વિશેષ સ્પષ્ટતા થવી આવશ્યક છે. રાસાયણિક કારખાનું ઊભું કરવાનું હોય ત્યારે માત્ર ટૅક્નિકલ બાબતો ઉપર જ ધ્યાન રાખવાનું રહેતું નથી; પણ તેનું સ્થળ, આસપાસની જનસંખ્યા, લોકોને વિસ્થાપિત કરવા પડે તો તેમની વૈકલ્પિક વ્યવસ્થા, પર્યાવરણની સુરક્ષા માટેના પ્રબંધો, કચરાનો નિકાલ, મજૂરો-કામદારોના રહેઠાણની વ્યવસ્થા અને ઉત્સર્જિત થતા ઝેરી વાયુઓ કઈ દિશામાં જશે તેવી અન્ય બાબતો ઉપર ઊંડાણથી વૈજ્ઞાનિક અભ્યાસ કરવાનો રહે છે. ન્યૂક્લિયર રિઍક્ટરના નિર્માણ-સમયે આવી ઘણી બાબતોનું વિચાર-અધ્યયન કરવાનું રહે છે. વૈજ્ઞાનિક દૃષ્ટિકોણની નાની સરખી ભૂલ ચેર્નોબિલ કે ભોપાલ ગૅસ દુર્ઘટના જેવી આફતો નોંતરે છે.

આ થઈ વિવિધ ઉદ્યોગોની સ્થાપનાને લગતી વાત. સામાજિક જીવનમાં પણ વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ અપનાવવાથી ઇચ્છિત પરિણામો મેળવી શકાય છે; જેમ કે, તમામ વર્ગના વિદ્યાર્થીઓની આર્થિક, સામાજિક, નિવાસી વ્યવસ્થા અને અન્ય બાબતોનો આંકડાશાસ્ત્રીય અભ્યાસ કર્યા બાદ તેમના શૈક્ષણિક કાર્યક્રમ, સ્થળ અને સમયનો વિચાર કરવો જરૂરી છે. મહિલાઓને દૈનિક જીવનમાં ઘણાં કામો કરવાનાં રહે છે. જુદી જુદી વ્યક્તિઓને મળવા કે જુદાં જુદાં સ્થળોએ જવાનું હોય તો આવન-જાવનનો એવો બુદ્ધિયુક્ત કાર્યક્રમ બનાવવો જોઈએ, જેથી પૈસા અને સમયની બચત થાય. વાત નાની લાગે છે પણ તે જ વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ છે.

વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ અપનાવવામાં આવે તો વિવિધ પ્રદેશો અને પ્રજાની લાક્ષણિકતાઓ પ્રત્યે કોઈ પૂર્વગ્રહ કે પૂર્વરાગને સ્થાન રહેતું નથી. પરિણામે ઘૃણા તથા ટંટા-ફિસાદ ઘટી જાય છે; ખૂન-ખરાબાને અવકાશ રહેતો નથી. વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ પોતાની વિચારધારાને મહત્વ ન આપી વિચાર-વિમર્શ દ્વારા સમસ્યાનું સમાધાન શોધવાનું શીખવે છે. ઉપરાંત તે નિરાશા કે પરેશાનીથી હિંમત ન હારવા માટે હૈયાધારણ આપે છે. વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ આત્મખોજ કરવાની વેળાસર તક પૂરી પાડે છે. આ રીતે વ્યક્તિ પોતાના વિચારો, વાણી અને વર્તનમાં વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ અપનાવતો રહે તો સ્વાસ્થ્ય, પોષણ, પર્યાવરણ વગેરે સાથે સંકળાયેલી સમસ્યાઓનું સમુચિત સમાધાન સમયસર મેળવીને મહદંશે નિશ્ચિત બની શકે છે.

વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી વ્યક્તિ એક બાજુ રૂઢિવાદી અને હઠીલા માનસથી તો બીજી બાજુ, તે નિરાશા, હતોત્સાહ અને પલાયનની ભાવનાઓથી પણ છુટકારો મેળવે છે. આ સાથે નમ્રતા, આત્મવિશ્ર્વાસ અને વિવેકની વૃદ્ધિ થાય છે.

માણસની જિજ્ઞાસા અને જરૂરિયાતોમાંથી વિશ્વનો વિકાસ થયો છે; સ્વભાવમાં રહેલી આધિપત્યની ભાવનામાંથી વૈભવ, વિભિન્નતાઓ અને વિટંબણાઓનો ઉત્કર્ષ થયો છે. જીવન-જરૂરિયાતોને પહોંચી વળવા અને પોતાના અસ્તિત્વને ટકાવી રાખવા માટે માણસને અનેક ઘર્ષણોનો સામનો કરવો પડ્યો છે. તેમાંથી તેને સંતોષ અને સમસ્યાઓની ભેટ મળી છે. તેની બુદ્ધિ ઉત્તરોત્તર વિકસિત અને તીક્ષ્ણ બની છે, જેનાથી સારાં અને નરસાં પરિણામો આવ્યાં છે.

સદીઓ પૂર્વે અવિકસિત માણસમાં અનેક પ્રકારની પાશવી અને રાક્ષસી વૃત્તિઓ-પ્રવૃત્તિઓ હતી, જે આજની સંસ્કૃતિના વિકાસ સાથે કાં તો ક્ષય પામતી રહી છે અથવા તેમનાં સ્વરૂપ બદલાયાં છે. આ જાતની વૃત્તિઓ-પ્રવૃત્તિઓનાં નિયંત્રણ માટે ક્રમશ: સામાજિક પ્રથાઓ અને ભૌતિક બંધનોનો ઉદ્ભવ થયો અને તે સાથે વિચારશીલતા હાંસિયામાં ધકેલાઈ જતી રહી. લાંબા ગાળે માણસના વર્તન માટે સમાજ અને રાજ્યવ્યવસ્થાઓ ઊભી થઈ. માણસના જ્ઞાનની ક્ષિતિજોના વિસ્તરણ સાથે ભૌતિક સુવિધાઓ અને સ્વાભાવિક વિકૃતિઓ વધવા લાગી. સુવિધા અને સાધન-સંપત્તિથી માણસમાં જે સમજ પેદા થવી જોઈએ તેનાથી વિશેષ વિકૃતિઓ પેદા થઈ છે. તેણે બંને દિશાઓ – પ્રગતિ અને અધોગતિની – એકસાથે પકડી. લોકમાનસ ઉપર વિકાર અથવા વિકૃતિઓનું આવરણ દિન-પ્રતિદિન ઘનિષ્ઠ – બનતું ગયું. માણસ યંત્રવત્ બનતો ગયો. તેના વિચારો અને વર્તનમાં અનિશ્ચિતતા પ્રવર્તતાં ઉપાધિઓનાં પોટલાં બંધાવાનું શરૂ થયું. ચિંતાજનક ચિત્રોમાં રંગો પુરાવા લાગ્યા.

જ્ઞાન, નીતિ-નિયમો, બંધારણ તથા મનપસંદ વ્યવસાય એ માનવજાતની વધતી જતી ચિંતાઓ દૂર કરવા માટે બેશક જરૂરી છે; પણ આ બધાંથી દુ:ખદ પરિસ્થિતિનો અંત આવતો નથી. આ બધાંના કેન્દ્રમાં જો વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ હોય તો જ સમગ્ર પરિસ્થિતિનો મહદ્-અંશે અંત આવી શકે. વ્યક્તિગત રીતે માણસની અને સમગ્ર સમદૃષ્ટિની સફળતાનો આધાર વૈજ્ઞાનિક દૃષ્ટિકોણની અજમાયશ ઉપર રહે છે.

સામાજિક, સાંસ્કૃતિક અને યાંત્રિક પરિવર્તનોનો પ્રત્યેક વ્યક્તિ બુદ્ધિગમ્ય રીતે સ્વીકાર કરે અને તેમને સાનુકૂળ બનવાની વૃત્તિ કેળવે, તેમાં જ વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ રહેલો છે. માનવજીવનમાં સામે આવતાં પરિવર્તનો સાથે કદમ (તાલ) મિલાવવાની આવડતમાં જીવનની યથાર્થતા રહેલી છે. પરિવર્તનશીલતા અને માણસના વર્તન વચ્ચે જેમ અંતર વધારે તેમ વિવિધ પ્રકારનાં અનેક ઘર્ષણો ઊભાં થવાની સંભાવના વિશેષ. સમગ્ર વિશ્વ ગતિશીલ છે તેમાં માણસ સ્વાભાવિક સ્થગિતતા કેળવે તો બંને વચ્ચે અભેદ્ય ગાળો તૈયાર થાય છે. પ્રતિકૂળ પરિસ્થિતિઓનો સામનો કરવામાં જ માણસની શક્તિ ખર્ચાય છે, સમય વેડફાય છે. પરિણામે તેની વિકાસલક્ષી જરૂરિયાતો અને પ્રગતિનાં સાધનો પ્રાપ્ત કરવામાં નિષ્ફળ જાય છે. નિર્જીવ વસ્તુઓ જે બાહ્ય રીતે જડત્વ ધરાવે છે તે પણ આણ્વિક ગતિશીલતા ધરાવે છે એ હકીકત સમજવા જેવી છે. તો માણસે પણ પ્રત્યેક ઘટના સાથે ગતિશીલતા (પરિવર્તનશીલતા) ધરાવવી અનિવાર્ય છે.

ગતિશીલ બનવામાં અને પરિવર્તનો સાથે સાનુકૂળ બનવામાં ઊંડી સમજ, જ્ઞાન અને ડહાપણનો ઉપયોગ કરવો પડે છે. માણસનું ઘડતર કરનાર અને વિચાર-વર્તનને અસર કરતાં પરિબળોના યોગ્ય અભ્યાસથી પરિસ્થિતિનો તાગ મળી રહે છે. પરિવર્તનો સાથેનાં અનુકૂલન તથા સ્વીકૃતિમાંથી સમજ અને જ્ઞાન પેદા થાય છે. પરિવર્તનશીલ પરિસ્થિતિની સાપેક્ષ માણસે તેની શક્તિનું અંકન કરવું જોઈએ; ત્યારબાદ શક્તિની મર્યાદાઓમાં રહીને પોતાની અપેક્ષા- આકાંક્ષાનાં કદ-આકાર તૈયાર કરવાં જોઈએ; જેથી નિરાશા, ભગ્નતા અને નિષ્ફળતાઓ દૂર રહે. આશા-અપેક્ષાઓનું મૂળ મગજ છે. તેમની અપૂર્ણતાથી લાગણી દુભાય છે. વૈચારિક પ્રક્રિયાઓ બુદ્ધિજન્ય સિદ્ધ ન થતાં વેદના અનુભવાય છે. બુદ્ધિ અને લાગણી વચ્ચે સમન્વય સાધવાનું કાર્ય વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ કરે છે. આવા દૃષ્ટિકોણના વિકાસથી માણસ વાસ્તવિકતાની સમીપ જાય છે અને માનસિક રાહત અનુભવે છે.

માણસના જીવનનો કોઈ પણ હિસ્સો (ભાગ) એવો નથી જે વિજ્ઞાનથી પ્રભાવિત ન થતો હોય. એક બાજુ, વિજ્ઞાન તારાવિશ્ર્વો (galaxies) અને બ્રહ્માંડ(cosmos)ને લગતી જિજ્ઞાસાઓ સંતોષવા પ્રયત્ન કરે છે, તો બીજી તરફ તે મનના ઊંડાણ સુધી જવાની કોશિશ કરે છે. આજે તો વિજ્ઞાન માણસના વિચારો સાથે એકદમ ઓતપ્રોત થઈ ગયું છે અને વિચારવા-સમજવાની એક રીત બની છે. સૂક્ષ્મદૃષ્ટિ અને અવલોકનો, તર્ક અને અંતર્બોધ, યોજનાબદ્ધ કાર્ય અને સર્જનાત્મક પ્રેરણા વિજ્ઞાનમાં ભળી ગયાં છે. વિજ્ઞાન એક એવી સંસ્કૃતિ અને જીવનદર્શનનું પ્રદાન કરે છે જે કોઈ પૂર્વધારણા કર્યા સિવાય સત્યની ખોજ કરતાં માણસને શીખવે છે. વિજ્ઞાનના આધારે પ્રકૃતિ વિશે હર પળે નવાં ક્ષેત્રોમાં, નવા સ્તરે, નવા ઢંગથી જ્ઞાન (જાણકારી) મેળવી શકાય છે.

અવલોકન (observation), પરિકલ્પના (hypothesis), પ્રયોગ, સિદ્ધાંત અને નિયમ – એ માનસિક અને શારીરિક ક્રિયાઓ છે, જેમનાથી વૈજ્ઞાનિક પદ્ધતિ તૈયાર થાય છે.

માણસ જ્ઞાનેન્દ્રિયોથી ઘણું જાણી શકે છે. ચારેય બાજુ જોવા(પ્રેક્ષણ કરવા)થી અને સાંભળવાથી તેને ઘણું શીખવા મળે છે. પદાર્થને અધ્ધર ફેંકવાથી નીચે આવે છે. પાણીમાં ભારે પદાર્થ ડૂબે છે અને હલકો પદાર્થ તરે છે. કોઈ ઘટના શા માટે અને કેવી રીતે બને છે તે મહત્વનું છે. અવલોકન ઉપર વ્યક્તિની ભાવના, માન્યતા કે ઇચ્છાનો પ્રભાવ હોવો જોઈએ નહિ; તે વ્યક્તિપરસ્ત હોવું જોઈએ નહિ.

કોઈ નિશ્ચિત ઘટનાને અનુલક્ષી પ્રેક્ષણોને ક્રમબદ્ધ કરી વિશ્ર્લેષણ કરવામાં આવે છે. તેમાંથી કોઈ નિયમિતતા શોધીને તથ્ય જાણવાનો પ્રયાસ કરવામાં આવે છે. આવી વૈજ્ઞાનિક પદ્ધતિને આધારે આગમન (inductive) અને નિગમન (deductive) તર્કોનો ઉપયોગ કરવાથી પરિકલ્પના તૈયાર થાય છે. પરિકલ્પના અવલોકનોની તાત્પૂરતી સમજૂતી છે.

તે પછી કાર્ય અને કારણનો સંબંધ સમજવા માટે પ્રયોગ કરવામાં આવે છે. પ્રયોગનાં પરિણામો પરિકલ્પનાને પ્રમાણિત કે અપ્રમાણિત કરે છે. પ્રયોગ દ્વારા પરિકલ્પનાનું સંશોધન કરતાં કેટલીક વખત નવાં તથ્યો સામે આવે છે ત્યારે પરિકલ્પના વિશે પુન: વિચારણા કરવામાં આવે છે.

પ્રેક્ષણ, પ્રયોગ અને પરિણામોને તર્કસંગત રીતે સિદ્ધાંતના આધારે નિયમનું સ્વરૂપ આપવામાં આવે છે. સિદ્ધાંત એ સારી રીતે સ્થાપિત કરેલી પરિકલ્પના છે. આવા નિયમમાં જ્યાં સુધી કોઈ વિસંગતતા ન દેખાય ત્યાં સુધી તેનું સ્વરૂપ જળવાય છે. તે છતાં, નવા પ્રયોગો કે બદલાયેલ પરિસ્થિતિમાં તે ખોટો કે અધૂરો કે વિસંગત સિદ્ધ થાય તો ત્યારે નવી પરિકલ્પના, ઘટના કે પ્રક્રિયા શોધવાની પ્રેરણા આપે છે. પરિણામે વિસંગતિ દૂર કરવાની તક મળે છે અથવા ફરજ પડે છે. આ રીતે નિયમ એ હકીકતનું સંક્ષિપ્ત વૈજ્ઞાનિક કથન છે જેને માટે કોઈ અપવાદ જોવા મળ્યો ન હોય.

કેટલીક વખત કોઈ વસ્તુ, ઘટના કે પરિસ્થિતિનો અભ્યાસ કરવાનો હોય ત્યારે આદર્શ નમૂના(મૉડલ)નો ઉપયોગ કરવામાં આવે છે. આમ તો મૉડલ કૃત્રિમ રચના હોય છે. તે વાસ્તવિક વસ્તુના ગુણ, આચરણ અને અન્ય લક્ષણોનું પ્રતિનિધિત્વ કરે છે. તે એટલા માટે ઉપયોગી બને છે, કારણ કે અજ્ઞાત અથવા જટિલ વસ્તુ અથવા સ્થિતિને પરિચિત માર્ગ(રીત)થી દર્શાવવામાં આવે છે.

વાસ્તવમાં નિયમ સાર્વત્રિક કે સર્વમાન્ય ત્યારે જ બને છે જ્યારે તે જુદા જુદા સ્થળે, જુદે જુદે સમયે, ઉચિત પરિસ્થિતિમાં તેનું સ્વરૂપ યથાવત્ જાળવી રાખે છે; જેમ કે ન્યૂટનનો ગુરુત્વાકર્ષણનો નિયમ અત્ર-તત્ર, અત્યારે પ્રાયોગિક રીતે ચકાસવામાં આવે તો તેમાં કોઈ જુદાપણું જોવા મળતું નથી. પ્રયોગથી જ સિદ્ધાંત (નિયમ) સ્વીકારાય છે અથવા ત્યજાય છે.

સમગ્ર પદ્ધતિનો સારાંશ નીચે પ્રમાણે આપી શકાય છે :

વિજ્ઞાન વસ્તુલક્ષી (objective) હોય છે. વિજ્ઞાનના પ્રયોગોને એકસરખી પરિસ્થિતિમાં અનેક વખત કરી એવાં જ પરિણામો મેળવી શકાય છે. તેની પુદૃષ્ટિ અનેક વખત કરી શકાય છે.

કોઈ પણ નિયમ પ્રકૃતિનો નિયમ ત્યારે જ બને છે, જ્યારે તેને સંબંધિત અવલોકનો પુનરુત્પાદનીય હોય.

પ્રહલાદ છ. પટેલ