વૈજ્ઞાનિક સંચાલન : કોઈ પણ કાર્યના સમયબદ્ધ સંચાલનના અભ્યાસ અને તેને આધારે તેના સૂક્ષ્મ વિભાગીકરણ દ્વારા ન્યૂનતમ સમયમાં તેને પૂરી ક્ષમતાથી સિદ્ધ કરવાની તર્કબદ્ધ પદ્ધતિ.

ઉત્પાદનક્ષમતામાં વૃદ્ધિ કરવા ફ્રેડરિક ડબ્લ્યૂ. ટેઇલરે 1893માં વૈજ્ઞાનિક સંચાલનપદ્ધતિ વિકસાવી હતી. તેમણે બૉલબેરિંગ બનાવતી સીમોન્ડ્ઝ રોલિંગ મશીન કંપનીમાં તે અમલમાં મૂકી કંપનીનાં ઉત્પાદન, ગુણવત્તા તેમજ કામદારોનાં વેતન તથા મનોબળમાં વૃદ્ધિ સાથે તેના ખર્ચમાં ગણનાપાત્ર ઘટાડો કરાવી શક્યા હતા. તેમણે પ્રચલિત ઉત્પાદનપ્રથાને સ્થાને કામદારોના કાર્યનું સમયબદ્ધ વિભાજન કરી તેને ઓછામાં ઓછા સમયમાં સક્ષમતાથી સંપૂર્ણ કરી શકાય તેવી પદ્ધતિ વિકસાવી હતી. 1920 સુધીમાં તો અનેક કંપનીઓએ તેમની પદ્ધતિ અપનાવી ઉત્પાદનમાં ગણનાપાત્ર વૃદ્ધિ અને ખર્ચમાં કરકસર કરી હતી. ટેઇલરે તેણે સૂચવેલ પદ્ધતિની સફળતા માટે ત્રણ સૂચનો રજૂ કર્યાં હતાં :

(1) સંગઠન : દરેક કાર્યના માળખામાં તે પૂર્ણ કરવા માટે કરવી પડતી સમયબદ્ધ કાર્યલક્ષી ગતિનો અભ્યાસ કરી કામદારને કાર્યપદ્ધતિનો નિત્યક્રમ સમજાવવો. શિક્ષા પામેલ મૅનેજરો અને મુકાદમો દ્વારા ઝીણવટભર્યા ઔપચારિક અંકુશોથી દરેક કાર્યનું નિયંત્રણ કરવું. કામદારોની પ્રક્રિયા તથા તેમની કાર્યસિદ્ધિની વસ્તુલક્ષી માહિતીનું સંગઠનના તજ્જ્ઞમંડળમાં એકત્રીકરણ કરવાથી નિયંત્રણ વધુ સક્ષમ બની શકે છે.

(2) પ્રેરક બળ : કામદારો આરંભમાં નવી પદ્ધતિનો વિરોધ કરતા હોય છે, પરંતુ ઉત્પાદનની વૃદ્ધિમાં તેમનો પણ હિસ્સો હશે તેવી ખાતરી મળતાં તેઓ યોજનાનો સ્વીકાર કરી આર્થિક લાભને તર્કસંગત રીતે સ્વીકારતા પણ હોય છે. ઉત્પાદનવૃદ્ધિના પ્રમાણમાં આર્થિક લાભ હોય તો જ કામદારોને નવી યોજના સ્વીકારવા પ્રોત્સાહિત કરી શકાય છે. વિવિધ કાર્યો કરવાની કામદારોની ક્ષમતા ધ્યાનમાં રાખીને તેમને યોગ્ય તાલીમ આપી મહત્તમ ઉત્પાદનક્ષમતા કેળવી શકાય છે.

(3) વિચારસરણી (ideology) : ઔદ્યોગિક ઉત્પાદનમાં ક્ષમતાનો અભાવ અને કામદારો સાથે ઘર્ષણ સંચાલકોની ઊણપનું જ પરિણામ હોય છે. સંચાલકો વૈજ્ઞાનિક વિચારસરણી દ્વારા ક્ષમતા પ્રદર્શિત કરે તો કામદારો તેમનો વિરોધ તજી દેવા તૈયાર થાય, અને વિચારોમાં ધરમૂળ પરિવર્તનને પરિણામે સંચાલકો અને કામદારો એકજૂથ બની ઉત્પાદનમાં વૃદ્ધિ પ્રાપ્ત કરે. વૈજ્ઞાનિક સંચાલનના નિયમોના વર્ચસને અનુસરી કામદારો આજ્ઞાંકિતતાથી નવા સંબંધોને સ્વીકારવા તૈયાર થાય.

ટેઇલરના સહકાર્યકર હેન્રી એલ. ગેન્ટે ટેઇલરની વિકલ પગારપદ્ધતિને સ્થાને કામદારોને પ્રોત્સાહન આપવા માટે તેમને સોંપેલ કાર્ય પૂર્ણ કરવા બદલ તેમના માટે બોનસ-પદ્ધતિ સૂચવી હતી. વળી મુકાદમના હાથ નીચેનો કામદાર કાર્ય પૂર્ણ કરે તો બોનસ અને સઘળા કામદારો કાર્ય પૂર્ણ કરે તો વધારાનું બોનસ આપવાની યોજના પણ દાખલ કરી હતી, જેથી મુકાદમ કામદારોને પ્રશિક્ષણ આપી ઉત્પાદનવૃદ્ધિ માટે કાર્યશીલ બનાવે. ગેન્ટે સ્વાભાવિક આલેખ-પદ્ધતિ અપનાવી કામદાર સોંપેલું કાર્ય પૂર્ણ કરે તો લાલ રંગ દ્વારા અને અધૂરું રાખે તો કાળા રંગ દ્વારા જાહેરમાં તે પ્રદર્શિત કરવાની યોજના અમલમાં મૂકી હતી. તેમણે ઉત્પાદનક્રમને પણ આલેખ દ્વારા પ્રદર્શિત કર્યા હતા, જે ‘ગેન્ટ આલેખ’ તરીકે પ્રચલિત છે. તેમની આલેખ-પદ્ધતિ ખર્ચ, કાર્યમાં પ્રગતિ વગેરે દર્શાવી યોજનાના સમયપત્રકની પુનર્વિચારણા કરવા દિશાસૂચન કરે છે.

ફ્રૅન્ક બી. ગિલબ્રિથ અને લિલિયન એમ. ગિલબ્રિથની પતિપત્નીની જોડીએ વૈજ્ઞાનિક સંચાલનનું ધ્યેય કામદારને પૂર્ણ કાર્યક્ષમતા પ્રાપ્ત કરવાનું હોય એમ ગણ્યું હતું. ફ્રૅન્કની માન્યતા મુજબ કાર્યની ગતિ અને થકાવટ પરસ્પર સંકળાયેલ છે. તેમણે ચલચિત્ર દ્વારા કાર્યલક્ષી ગણાતી દરેક ગતિનો અભ્યાસ કરી નિમ્નતર થકાવટ દ્વારા ટૂંકામાં ટૂંકા સમયમાં મહત્તમ ઉત્પાદન મેળવવાની પદ્ધતિ વિકસાવી હતી. પરિણામે કામદારોને ઓછી થકાવટ તથા સંચાલકોની કાળજીની ખાતરી થતાં મનોબળમાં વૃદ્ધિ થઈ હતી. તેમણે વિચારેલ કામદારના વિકાસ-કાર્યક્રમ અનુસાર દરેક કામદાર પોતાનું કાર્ય પૂર્ણ કરશે; સહકાર્યકરને પોતાના કાર્ય માટે શિક્ષા આપી તૈયાર કરશે અને બીજા વધારાના કાર્ય માટે સ્વયં તૈયાર થશે, જેથી ભવિષ્યમાં પ્રગતિની તકનો લાભ મેળવી શકાય.

વૈજ્ઞાનિક સંચાલન-પદ્ધતિએ અનેક દિશાઓમાં ઉત્પાદનવૃદ્ધિ માટેનું માર્ગદર્શન પૂરું પાડ્યું છે. ઉત્પાદનની દરેક હિલચાલ વ્યક્તિગત રીતે પૂર્ણ કરતા કામદારોની ટુકડી કરતાં એક કે વધારે કાર્યલક્ષી ગતિ ત્વરાથી કાર્ય કરતી ટુકડી ઉત્પાદનમાં ગણનાપાત્ર વૃદ્ધિ કરી શકે છે. અત્યારે પ્રચલિત સુરેખ ઉત્પાદન-પ્રક્રિયા તેનું ઉદાહરણ છે. ઔદ્યોગિક દેશોની ગણનાપાત્ર ઉત્પાદનવૃદ્ધિને તેની દેણ ગણી શકાય. આ જ પદ્ધતિથી સમય અને ગતિ(time and motion study)ના અભ્યાસ દ્વારા કાર્યને તર્કબદ્ધ અને ટૂંક સમયમાં ક્ષમતાથી પૂર્ણ કરી શકાય. તેનો સૌથી સફળ ઉપયોગ સ્વયંસંચાલિત યંત્રો દ્વારા થતાં કાર્યોને અને યંત્રમાનવ (Robot) દ્વારા ક્ષમતાથી આટોપાતાં વિવિધ કાર્યોને ગણી શકાય.

નવી વૈજ્ઞાનિક પદ્ધતિ તેમનો કાર્ય પરનો અંકુશ છીનવી લેશે તેવી ભીતિથી કામદારવર્ગ તરફથી તેનો વિરોધ થયો હતો. વળી ઔદ્યોગિક મનોવૈજ્ઞાનિકોએ તર્કસંગત રીતે કામદારોના સ્વાસ્થ્ય પર અસર કરશે તેવી બીક બતાવી. ઉત્પાદન-વૃદ્ધિને પરિણામે છટણી થવાની શક્યતા અને વધુ શ્રમ કરવો પડશે તેવી આશંકા મહાજનોએ દર્શાવી. આ વિરોધોને અનુલક્ષીને 1913માં અમેરિકન કૉંગ્રેસે તેની તપાસ કરવાનો નિર્ણય લીધો હતો. વૈજ્ઞાનિક સંચાલનપદ્ધતિ વિરુદ્ધના વાંધાજનક અને અણગમતા પ્રયોગો તથા સંચાલક-કામદારના સમન્વયને ખ્યાલમાં રાખીને તેમાં યોગ્ય ફેરફારો સ્વીકારાતાં ક્રમે ક્રમે તેને પ્રતિષ્ઠા સાંપડી હતી. લેનિન, મુસોલિની અને હેન્રી ફૉર્ડે વિશાળ ઉત્પાદનની ક્રમદર્શી તક્નીકીનો ઉત્સાહથી સ્વીકાર કર્યો હતો.

ઔદ્યોગિક અર્થતંત્રોમાં ગણનાપાત્ર ઉત્પાદન-વૃદ્ધિ શક્ય બની. સંચાલકોના ઉત્પાદન પરનાં નિયંત્રણો અને કામદારો પરના અંકુશોનો સ્વીકાર થયો. વૈજ્ઞાનિક સંચાલનને તજ્જ્ઞ તક્નીકી તરીકે મૂડીવાદી અને સમાજવાદી બંને વિચારસરણીઓએ અપનાવી હતી.

ટેઇલરની માન્યતા અનુસાર કામદારોનું વર્તન ભૌતિક અને આર્થિક બહાના પ્રેરિત હતું; પરંતુ કામદારોને દરેક કાર્યમાં પોતાનું દૃષ્ટિબિંદુ અને મહત્વ સ્વીકારાય તેવી આવશ્યકતા રહેતી હતી. વળી નવી પદ્ધતિમાં કાર્યમાં સંતોષ મેળવવાની અભિલાષા અને સામાજિક મોભાનો નજરઅંદાજ થયાની આશંકા રહેતી હતી. કાર્યનું ન્યૂનતમ વિભાજન કામદારના કાર્ય પ્રત્યેના અભિગમ અને રસમાં ઓટ લાવે છે. કાર્યના કઠોર નિયમો અને નિર્ણયની પ્રક્રિયામાંથી અલગપણું કામદારના માનવજીવનમાં મૂલ્યોની અપેક્ષાના પ્રમાણમાં ઊણું ઊતરે છે. ટેઇલરની વૈજ્ઞાનિક સંચાલનપદ્ધતિએ તેના નવા સ્વરૂપમાં ઉત્પાદન-વૃદ્ધિમાં ગણનાપાત્ર ફાળો આપ્યો છે તેમ ગણી શકાય.

જિગીષ દેરાસરી