વૈકાતો નદી (Waikato river) : ન્યૂઝીલૅન્ડમાં આવેલી લાંબામાં લાંબી નદી. તે ઉત્તર ટાપુના મધ્ય ભાગમાં આવેલા માઉન્ટ રુઆપેહુમાંથી નીકળે છે. તે તાઉપો સરોવર, હેમિલ્ટન શહેર અને વૈકાતો વિસ્તારમાંથી પસાર થાય છે, તથા પૉર્ટ વૈકાતો ખાતે ટસ્માન સમુદ્રને મળે છે. તેની કુલ લંબાઈ 364 કિમી. જેટલી છે. આ નદી પર સાતથી આઠ બંધ બાંધી જળાશયો તૈયાર કરેલાં છે. ત્યાં જળવિદ્યુતમથકો આવેલાં છે. આ ઉપરાંત નજીકમાંથી મળતા કોલસા-આધારિત એક તાપવિદ્યુતમથક પણ આવેલું છે. જળાશયોમાં લોકો અને પ્રવાસીઓના મનોરંજન માટે નૌકાવિહાર અને માછીમારીની સુવિધાઓ ઉપલબ્ધ છે. વૈકાતો વિસ્તારનું મુખ્ય નગર હેમિલ્ટન છે. આ વિસ્તાર સમૃદ્ધ ખેતી માટે પણ જાણીતો છે.
ગિરીશભાઈ પંડ્યા