વેંગી શિલ્પશૈલી : દક્ષિણમાં આન્ધ્ર (સાતવાહન) રાજાઓ તથા ઇક્ષ્વાકુ રાજાઓના શાસન દરમિયાન કૃષ્ણા અને ગોદાવરી વચ્ચેના પ્રદેશમાં બંધાયેલ અનેક સ્તૂપોની પીઠ પર આરસની અલ્પમૂર્તિ શિલ્પપટ્ટીઓમાં વ્યક્ત થયેલ ઉત્કૃષ્ટ શિલ્પકામ વેંગી શૈલીના નામે પ્રસિદ્ધ છે. આમાં જગ્ગયપેટ અને અમરાવતીનાં કેટલાંક શિલ્પોમાં વેંગી શૈલીનાં પ્રાથમિક લક્ષણો પ્રગટ થાય છે. અમરાવતી આ શૈલીનું મુખ્ય કેન્દ્ર હોય એમ લાગે છે. આ શૈલી ઈ. સ.ની બીજી સદી સુધીમાં તેની સર્વોત્કૃષ્ટ કક્ષાએ પહોંચી હતી. નાગાર્જુનીકોંડા, અલ્લરુ, ગુમડીડુરરુ અને ગોલ્લી વગેરે સ્થળોએથી પણ આ શૈલીનાં શિલ્પો મળી આવ્યાં છે. અમરાવતીની ઉત્કૃષ્ટ શિલ્પકલાના દ્યોતક નમૂનાઓ અસલ સ્થળ પર મોજૂદ નથી, પણ તેનાં ઘણાં શિલ્પો પૈકીનાં કેટલાંક જે લંડનના બ્રિટિશ મ્યુઝિયમમાં સુરક્ષિત રખાયાં છે. અમરાવતીનાં શિલ્પો જેવાં જ નાગાર્જુનીકોંડાનાં શિલ્પો છે. આ શિલ્પો ઈ. સ.ની બીજી-ત્રીજી સદીનાં છે. આ સમય વેંગી શૈલીનો સુવર્ણકાળ ગણાય છે. અલ્લરુ અને ગુમડીડુરરુનાં શિલ્પો આ જ કાળનાં છે પણ અહીંનાં શિલ્પો અમરાવતીનાં શિલ્પો જેવાં ઉત્કૃષ્ટ નથી. ગોલ્લીનાં શિલ્પોમાં વેંગી શૈલીનાં વળતાં પાણી નજરે પડે છે.

અમરાવતીનાં શિલ્પોમાં બે સ્તર જોવા મળે છે. ઈસુની પહેલી સદીમાં આ સ્તૂપ પર અંકિત થયેલાં શિલ્પો જગ્ગયપેટના સ્તૂપ પરનાં શિલ્પો જેવું ભારેપણું નજરે પડે છે. અલબત્ત એમાં તક્ષણ વધુ ઘેરું-ઊંડું થયેલું છે. પણ ઈસુની બીજી સદીના બીજા અને ત્રીજા ચરણમાં આ સ્તૂપનું પુનર્નિર્માણ થતાં એ વખતે થયેલાં શિલ્પોમાં વેંગીશૈલીની સર્વોત્કૃષ્ટતા દૃષ્ટિગોચર થાય છે. એમાં પણ વેદિકાની બંને બાજુએ તથા સ્તૂપના આચ્છાદનમાં વપરાયેલ પથ્થરો પર ઉત્કૃષ્ટ સ્વરૂપનાં અનેકવિધ માનુષ-આકૃતિઓ અને અલંકરણો અંકિત થયેલાં છે. સાત- વાહનોના સમયમાં દક્ષિણ ભારત દરિયાઈ સમૃદ્ધિને કારણે જાહોજલાલીમાં હતું. તેનો પડઘો અહીં પડેલો જણાય છે. ભારતીય શિલ્પશૈલી એના વિશુદ્ધતમ સ્વરૂપ અને સત્વ સાથે અહીં નિરૂપિત થયેલી જોવા મળે છે. આ શૈલીનાં કલાત્મક અને ભવ્ય શિલ્પોમાં આજુબાજુનાં સ્થાપત્યકીય સ્વરૂપો અને દૃશ્યો કરતાં માનવઆકૃતિને  પ્રાધાન્ય અપાયું છે. અહીં માનવ સર્વ પ્રવૃત્તિના કેન્દ્રમાં છે. એક પછી એક સેંકડો દૃશ્યો રજૂ કરતાં શિલ્પોમાં સર્વત્ર મનુષ્ય જ જુદી જુદી ભાવભંગીઓમાં, હલનચલનમાં, બેઠેલા, ઊભા, વાંકા વળેલા, સૂતેલા, નાચતા, કૂદતા, કર્તવ્યલીન સ્થિતિમાં, લાંબા, પાતળા, ઊંચા પગવાળા છતાં ભારે મજબૂત ખભા અને છાતીવાળા જાણે કે શૈલીને ગતિ આપતા હોય એમ આલેખાયા છે.

આ શૈલીનાં શિલ્પોનો વિષય બૌદ્ધ ધર્મનો છે. બુદ્ધની મૂર્તિ મળી નથી પણ બૌદ્ધ પ્રતીકોનાં અંકન મળ્યાં છે. યક્ષમૂર્તિઓમાં હાથીના મસ્તકયુક્ત લંબોધર યક્ષ(કીચક)ની મૂર્તિઓ છે, જેનો પાછળના સમયમાં ગણેશમૂર્તિમાં વિકાસ થયો છે, પશુઓમાં ઇહામૃગ, શ્યેનવ્યાલ એટલે કે, ગરુડમસ્તક અને સિંહ-શરીરની બલિષ્ઠ અને પ્રભાવશાળી આકૃતિઓ નોંધપાત્ર છે. નાગાર્જુનકોંડાનાં શિલ્પોમાં બુદ્ધના જીવનપ્રસંગો ધરાવતા શિલાપટ્ટો મળ્યા છે. સદા મસ્ત અને નૃત્તરત દેવોની ક્રીડાઓ જાતકપ્રસંગો – ખાસ કરીને 10થી 13 ફૂટ લાંબા શિલ્પપટ્ટા પર અનેક દૃશ્યો અલગ અલગ હોવા છતાં એક જ કથાસૂત્રને અનુસરે છે. પ્રત્યેક ઊર્ધ્વ પટ્ટનું દર્શન એવી અનુભૂતિ કરાવે છે કે કોઈક વિલક્ષણ આનંદજગતમાં દેવ, મનુષ્ય અને પશુઓને સમભાગી બનાવે છે. અહીં દરેક પાત્રના હાથમાં સહસ્ર કે શતદલોની કમળમાળા જોવા મળે છે જેનો સંકેત છે કે બધા મનુષ્યો પુષ્પરાગની માફક એકસૂત્રે ગૂંથાયેલા છે.

પ્રવીણચંદ્ર પરીખ