વૈકુંઠ પેરુમલ્લનું મંદિર : તમિલનાડુમાં કાંચીપુરમ્માં આવેલું પલ્લવશૈલીનું મંદિર. આ મંદિર પલ્લવ રાજા નંદિવર્મન્ બીજા(આશરે 717779)એ બંધાવ્યું હતું. ગર્ભગૃહ પરનું તેનું વિમાન તલમાનમાં સમચોરસ અને 18.3 મીટર (60 ફૂટ) ઊંચું છે. સુંદર થરવાળા ઊંચા અધિષ્ઠાન પર ઊભેલું આ મંદિર ગ્રૅનાઇટ પથ્થરમાંથી બાંધેલું છે.

નીચેના તલ ભાગે તે સમચોરસ છે, પરંતુ ઉપરનો શિખરવાળો ભાગ અષ્ટકોણીય છે. તેનું શિખર ચાર મજલાનું છે. મંદિરને ફરતા ત્રણ પ્રાકાર આવેલા છે. સૌથી અંદરનો પ્રાકાર ત્રણ મજલા જેટલો ઊંચો છે. ગર્ભગૃહને ફરતો પ્રદક્ષિણાપથ છે. સૌથી બહારનો પ્રાકાર સ્તંભાવલિયુક્ત પડાળી ધરાવે છે. પ્રાકારની ઉપર કૂટો અને શાલાઓની હાર હોવાથી તેની ઊંચાઈ બહારથી વધારે દેખાય છે. પલ્લવોના પૂર્વજથી માંડીને નંદિવર્મન્ બીજા સુધીના પલ્લવ રાજાઓના ઇતિહાસને વર્ણવતાં શિલ્પો આ મંદિરનું આકર્ષણ છે. મંદિરના ચોથા મજલે મૂળમાં સિંહોનાં શિલ્પો હતાં. હાલ ત્યાં ગરુડનાં શિલ્પો છે. પલ્લવો દ્વારા નિર્મિત કૈલાસનાથના મંદિર કરતાં આ મંદિર ઘણું મોટું છે અને પલ્લવ-સ્થાપત્યનો શ્રેષ્ઠ નમૂનો છે.

થૉમસ પરમાર