વૅંગ મૅંગ (શાસનકાળ ઈ. સ. 9-23) : હેન વંશના બાળરાજાને દૂર કરી સત્તા આંચકી લેનાર ચીનનો સમ્રાટ. પ્રાચીન ચીનમાં હેન વંશના રાજાઓએ લાંબા સમય સુધી રાજ્ય કર્યું હતું. આ રાજવંશની સ્થાપના લિયુ પેંગ (Liu Pang) નામના સમ્રાટે ઈ. પૂ. 202માં કરી હતી. ઈ. પૂ. 202થી ઈ. સ. 9 સુધી તેણે અને તેના અગિયાર વંશજોએ રાજ્ય કર્યું.
છેલ્લા રાજવી પિંગ ટીના અવસાન પછી વિધવા રાણીના ભત્રીજા વૅંગ મૅંગની, રાજવહીવટ ચલાવવા બાળરાજાના ‘રીજન્ટ’ તરીકે નિમણૂક થઈ. વૅંગ મૅંગે બાળરાજાને દૂર કરી રાજ્યની સત્તા પચાવી પાડી અને ઈ. સ. 9માં પોતાને ચીનના સમ્રાટ તરીકે જાહેર કર્યો.
વૅંગ મૅંગની રાજકીય તથા આર્થિક નીતિઓ કેટલેક અંશે પરંપરાવાદી અને કેટલેક અંશે સુધારાવાદી હતી. એણે સમાજમાં નવા મોભાયુક્ત હોદ્દાઓ ઊભા કર્યા અને સરકારી તંત્રમાં પણ કેટલીક ભૂતકાલીન પ્રથાઓ શરૂ કરી. એણે ગરીબોને રાહત થાય એવાં પગલાં ભર્યાં; પરંતુ જમીનદારોની જમીનની મર્યાદા નક્કી કરતા અને ગુલામોના વેચાણ ઉપર પ્રતિબંધ મૂકતા તેના પ્રયાસોને કારણે તે શ્રીમંત વર્ગમાં અપ્રિય બન્યો. મોટા જમીનદારોના અસંતોષમાં વધારો થયો. એણે સિક્કાઓ પાડવાની પદ્ધતિમાં ફેરફારો કર્યા તથા આર્થિક વ્યવહારો પર અંકુશો મૂક્યા; આમ છતાં રાજ્યની આવકમાં વધારો થયો નહિ. સિયુંગ-નુ (Hsiung-nu) સામેની લડાયક ઝુંબેશોમાં એને ઘણો ખર્ચ થયો.
એના શાસનનાં છેલ્લાં વર્ષોમાં રાજ્યના ઘણા પ્રાંતોમાં બળવાઓ થયા અને કેટલાક નેતાઓએ પોતાને સમ્રાટ તરીકે જાહેર કર્યા. કેટલીક બળવાખોર ટુકડીઓએ પાટનગર ચંગનમાં પ્રવેશ કરી તેને નુકસાન કર્યું. છેવટે ‘લાલ ભ્રમર’ (Red Eyebrows) તરીકે ઓળખાતી લૂંટારુઓની ટોળકીએ પાટનગર કબજે કર્યું. એ પછી સમ્રાટના મહેલમાં જે હિંસક અથડામણો થઈ તેમાં સમ્રાટ વૅંગ મૅંગનું ઈ. સ. 23માં ખૂન થયું. વૅંગ મૅંગના અવસાન પછી ઈ. સ. 25માં ચીનમાં ફરીથી હેન વંશનું શાસન શરૂ થયું, જે ઈ. સ. 220 સુધી ચાલ્યું.
મુગટલાલ પોપટલાલ બાવીસી